Friday, December 30, 2011

આ વર્ષનું Resolution નક્કી કર્યું?

૨૦૧૧ વર્ષ અંતને આરે છે અને ૨૦૧૨ બાથ ભરવા સામે જ ઉભું છે
રીઝોલ્યુશન એટલેકે સંકલ્પ કરવાની મોસમ પાછી આવી ગઈ, ઘણા લોકો આજે અને કાલે ઘણા બધા સંકલ્પ કરશે કે ૨૦૧૨માં શું કરવું અને શું ન કરવું.
મોટાભાગના લોકો એક સંકલ્પ ખાસ કરતા હોય છે:"આ વર્ષે મારે કોઈ રીઝોલ્યુશન નથી લેવું!"
બહુ સારું રીઝોલ્યુશન છે! કારણકે જે થવાનું નથી એ જ વાતનું રીઝોલ્યુશન લોકો લેતા હોય છે. 
જે આજ સુધી કોઈ કરી ના શક્યું એ રીઝોલ્યુશન લેવાથી ક્યારેય ના થાય.
અને મને આજ સુધી એ વાત સમજાઈ નથી કે લોકો વર્ષના અંતે જ કેમ રીઝોલ્યુશન લે છે?
આવતા વર્ષે નવું ગપગોડું નક્કી કરવા માટે? એટલીસ્ટ એટલા સમય પૂરતું તો એ કુટેવ ઉપર કંટ્રોલ આવશે! જે લોકો ખરેખરમાં પોતાનામાં ચેન્જ લાવવા માંગતા હોય છે એમને આ રીઝોલ્યુશન લેવાની જરૂર નથી હોતી. આજકાલના રીઝોલ્યુશન તો માત્ર પલાયનવૃત્તિ છે એ કામ ન કરવાની અને એને થોડા સમય માટે ટાળવાની.
મોટેભાગે મેં લોકોને એમની કુટેવ ને રોકવા માટે રીઝોલ્યુશન લેતા જોયા છે, અમુક લોકો ખાવાપીવા ઉપર રોક રાખવાનું રીઝોલ્યુશન લેતા હોય છે(કેટલા કલાક માટે એ ખબર નહિ!)
જો રીઝોલ્યુશન લેવા જ હોય તો એક વર્ષ પૂરતા જ કેમ જીવનપર્યંત લેવા જોઈએ.
૧) આખા દિવસમાં કોઈએકને ખુશ કરી શકો એનું રીઝોલ્યુશન.
૨)કોઈ ના મળે તો પોતાને ખુશ રાખવાનું રીઝોલ્યુશન.
૩)જીવનની કોઈ પણ પરિસ્થતિમાં પોઝીટીવ વિચારસરણી રાખવાનું રીઝોલ્યુશન.
૪)ભૂતકાળની પળો સાથે થોડો સમય વિતાવીને કંઇક શીખવાનું રીઝોલ્યુશન.
૫)ક્યારેક "બાળક" બનીને બધું ભૂલવાનું ને મજ્જા કરવાનું રીઝોલ્યુશન.
૬)ભગ્ગુંજી હમેશા આપણી સાથે છે એ ન માનવાની ભૂલ ન કરવાનું રીઝોલ્યુશન
૭)જીવન એક પાર્ટી છે એમાં હમેશા મસ્તીથી નાચીને એન્જોય કરવાનું રીઝોલ્યુશન.
૮)એવા લોકો જેમને ખરેખરમાં તમારી જરૂર છે એમની સાથે રહીને એમને કીપ મુસ્કુરાના કહેવાનું રીઝોલ્યુશન.
૯)આપની અંદરના "માનવ"ને દરેક અનુભવમાં કંઇક નવું અને શીખવા લાયક શોધવા માટે પ્રેરિત કરવાનું રીઝોલ્યુશન.
૧૦)ક્યારેક એકલા ફરવા જઈને પોતાની લાઈફને એકલતામાં નહિ પણ એકાંત સાથે જીવી લેવાનું રીઝોલ્યુશન.
૧૧)ભૂતકાળની કડવી ઘટનાઓ આપણને કંઇક શીખવવા આવી હતી જે ચાલી ગઈ છે એ માનીને એમાંથી કંઇક શીખવાનું રીઝોલ્યુશન.
૧૨)દરેક અનુભવને માનવની નજરે. જોવાનું રીઝોલ્યુશન :)

બોલો હવે કોઈ રીઝોલ્યુશનની જરૂર છે?
નવા વર્ષને આવા રીઝોલ્યુશનથી સજાવી દો અને જીવન નામની પાર્ટીમાં ૨૦૧૨ને જોરદાર નાચીને વેલકમ કરો :)

Tuesday, December 27, 2011

શું કરું યાર મને મારા માટે જ સમય નથી..


અમુક અનુભવ માણસને ઘણું શીખવી જાય છે પણ બધા એમાંથી એકસરખી વાત ગ્રહણ કરે એ જરૂરી નથી. પોતપોતાની સમજદારી અને અનુભવ તરફ જોવાની નજરથી એ નક્કી થાય છે. અમુક લોકો એક અનુભવમાં જ સમજદારી કેળવી લે છે તો અમુક લોકો એકનોએક અનુભવ વારંવાર કર્યા બાદ પણ ઠેરના ઠેર જ રહે છે.
બસ એ જ વાત ઉપર આજનો માનવ અનુભવ શેર કરવા જઈ રહ્યો છું.
***
મારી એક દોસ્ત એની જોબથી કંટાળી ગઈ હતી, ટેલીમાર્કેટિંગની ફિક્સ અવર્સની જોબ, પગાર પણ સારો હતો, છતાં કંટાળી ગઈ હતી. એનું કારણ એક જ છે કે એ ટેલીમાર્કેટિંગની જોબ હતી જેમાં રોજેરોજ કસ્ટમર્સની ગાળો ખાવી પડે. જે એને પસંદ ના આવે. શરૂઆતના સમયમાં તો એક ગાળ સાંભળેને હેબતાઈ જાય. કેટલાય કોલ્સ અવોઇડ કરે અને વાત પણ ડરીને કરે. સમય જતા જતા એને આ બધાની આદત થઇ ગઈ. પણ અંદરથી એ ખુશ ના હતી. હમેશા એક જ ફરિયાદ એના મોઢે સાંભળવા મળે કે મને મારી લાઈફથી અને મારી જોબ થી કંટાળો આવે છે. મારે આ જોબ બદલવી છે.
"મારે જોબ બદલવી છે" આ વાક્ય લગભગ ૫૦૦+વખત બોલી ચુકી હશે પણ જોબ છોડવાનું નામ ના લે. થોડું અજીબ લાગે કે જોબ છોડવી છે છતાં જોબ છોડતી નથી એવું કેવું?
પછી એક વખત શાંતિથી બેસીને વાત કરી. તો ખબર પડી કે એને એક નાનકડો બ્રેક જોઈએ છે. જોબથી તો હવે જરા પણ પરેશાન નથી. પણ કેટલાય સમયથી બ્રેક ના મળવાથી મેડમ કંટાળ્યા હતા, કોલેજમાં જે રીતે એન્જોય કરતા હતા એ રીતે હવે નથી થઇ શકતું, જાણે કે લાઈફ બંધાઈ ગઈ છે .....
બસ આ જ કારણ હતું જેનાથી મારી દોસ્ત થોડી પરેશાન હતી. એ નાનકડી પરેશાનીની અસર એની પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં દેખાતી હતી.
મેં માત્ર એટલું પૂછ્યું કે આ જોબ સિવાય તું બીજું શું કરે છે?
"બીજું તો કઈ નહિ. કારણકે મને હવે પોતાના માટે ટાઈમ જ નથી મળતો, એવું ફીલ થાય છે કે ક્યાંક ભાગી જવું છે એકલા જ રહેવું છે...."
મેં એક જ વાત કહી"કોલેજમાં તને તારી પસંદગીની એક્ટીવીટી કરવા મળતી હતી એટલે તું મસ્ત મિજાજી હતી પણ જ્યારથી તે અહી બાંધીને કામ કરવાનું શરુ કર્યું છે ત્યારથી તું ખુદ જ ખોવાઈ ગઈ છે"
તો હું શું કરું યાર? મને હવે ડ્રામેટિક્સમાં ભાગ નહિ લેવા મળે કારણકે હવે કોલેજ ખત્મ થઇ ગઈ છે(કોલેજ પાસ કર્યા બાદ મોટાભાગના લોકોને થતો પ્રોબ્લેમ)
મેં કહ્યું કે" તું ડ્રામેટિક્સમાં ના જઈ શકે પણ તારા બીજા પણ શોખ છે એને તો તો શરુ કરી શકે ને... જેમકે તને કુકિંગ ગમે છે, ફોટોગ્રાફી ગમે છે, લખવું ગમે છે તો એ બધુ શરુ કર. કારણકે જીવન જેમ જેમ આગળ વધે છે એમ  આપણને ઘણા બધા કામમાં બીઝી કરતો થાય છે અને ત્યારે એક એવો સમય આવે છે જ્યાં આપણને ખુદને પોતાના માટે સમય નથી મળતો, છેવટે આપણે અફસોસ કરીએ છીએ કે ''શું કરું યાર મને પોતાના માટે જ સમય નથી"
***
માનવની નજરે.: જીવનમાં આપણામાંથી મોટાભાગના લોકોને પોતાના માટે જ સમય નથી મળતો. જે એક છુપું સત્ય છે. આપ જયારે શાંતિથી બેસીને વિચારશો ત્યારે એ છુપું સત્ય પ્રગટ થઇ જ જશે. આપણે જીવન તો પોતાનું જીવીએ છીએ પણ જીવીએ છીએ બીજા માટે.
હમેશા પોતાના માટે એકાદ કલાક ફાળવવાનું રાખો. એમાં તમે બંધ કરેલી એક્ટીવીટીને શરુ કરી શકો. પોતાના શોખ પુરા કરી શકો. અને આ એક કલાકમાં પોતાની જીંદગી જીવી શકો.
હવે એક જ કામ કરવાનું રહે, એ કામ એ છે કે આજે બેસીને નક્કી કરીએ કે પોતાના કામ મતે કે શોખ માટે આપણે કેટલો સમય ફાળવી શકીએ, અને એ પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર કરો અને જીવી લો પોતાના દિવસનો એક કલાક પોતાના માટે. પછી ક્યારેય જીવનથી કે કોઈપણ કામ થી અકળાવવાનો વારો નહિ આવે. પોતાની જીંદગી પોતાના માટે નથી જીવી રહ્યા એ રીયલાઈઝ કરાવવા માટે એક અનુભવ જ કાફી છે, એ અનુભવને જીવનમાં ઉતારી તો જુઓ. યુ વિલ ફ્લાય ઇન યોર લાઈફ વિથ અ સ્માઈલ... કીપ મુસ્કુરાના દોસ્ત :)

Monday, December 26, 2011

હોહોહોહોહોહો મેરી ક્રિસમસ !

મેરી ક્રિસમસ દોસ્તો....
આજે બધા લોકો આ વાક્ય બોલીને એકબીજાને ઈસુ ખ્રિસ્તના જન્મની શુભેચ્છાઓ પાઠવે છે અને ચર્ચમાં પ્રાર્થના કરે છે. પણ મોટાભાગના લોકોને આ દિવસ કેમ મનાવવામાં આવે છે એની જાણ નથી, જાણેકે "મેરી ક્રિસમસ" કહેવાનો એક ટ્રેન્ડ બની ગયો છે.
લગભગ ચોથી સદીમાં સંત નિકોલસના અવતારને સાન્તાક્લોઝ માનવામાં આવે છે. સંત નિકોલસને બાળકો ઘણા પસંદ હતા, અને ઈસુ ખ્રિસ્તના જન્મદિનના પાવન દિવસે તેઓએ બાળકોને ગિફ્ટ્સ આપીને ખુશીઓ આપવાની શરૂઆત કરી હતી.
જાડું અલમસ્ત શરીર,લાંબી સફેદ દાઢી-મૂછો, લાલ કપડા, અને ગોલ્ડન ચશ્માં. જ્યારે બરફ પડતો હોય ત્યારે એમની હરણ વાળી પાલખીમાં હોહોહોહોહોહો મેરી ક્રિસમસ કેહતા કેહતા ખુશીનો વહેચણી કરતા જાય.
સાન્તાક્લોઝનું જીવન ઘણી કલ્પનાઓ, અમુક સત્ય આધારિત ઘટનાઓ, ક્રિસમસની કમાલ અને બાળકોની ખુશી, આ સૌનું મિશ્રણ છે જેમાં માત્ર "કીપ મુસ્કુરાના"નો સંદેશ છે :)
યાદ છે જયારે આપણે નાના હતા ત્યારે ૨૪મિ ડીસેમ્બરની રાતે સુતા સમયે તકિયા નીચે મોજું રાખતા હતા, અને જયારે આપણે સુઈ જઈએ એટલે મમ્મી પપ્પા સાન્તાક્લોઝ બનીને આવે અને એ મોજામાં આપણી બાળ ફરમાઈશો વાંચીને હસે અને આપણને ગીફ્ટ આપીને ચાલ્યા જાય, ત્યારથી આપણે માનતા થઇ જઈએ કે સાન્તા ક્લોઝ તો સાચેમાં આવે છે, પણ આપણા ત્યાં તો ચીમની જ નથી તો ઘરમાં કેવી રીતે આવી ગયા અને જતા રહ્યા? બસ આમ જ આપાને કલ્પનાના ઘોડા દોડાવીએ છીએ. બસ હવે ફરક એ છે કે કલ્પનાના ઘોડામાં આપણે થોડા મોટા થઇ ગયા છીએ અને "નાના હતા ત્યારે આવું કરતા હતા" એ વાત ઉપર હસીએ છીએ.
આજે એક કામ કરીએ.. આપણે ખુદ સાન્તાક્લોઝ બનીએ. એનો પહેરવેશ ધારણ કરવાની જરૂર નથી પણ જેમ સાન્તા ક્લોઝ બધાને ખુશ રાખતા હતા ગિફ્ટ્સ આપીને એમ આજે આપણે પણ સાન્તા ક્લોઝ બનીને ખુશીઓ વેચવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે ઘણી જગ્યાએ બહાર જઈશું, શુભેચ્છાઓ પાઠવીશું તો સાથે એક કામ એ કરીએ કે જરૂરતમંદ ગરીબ બાળકોને આજે રાતે કોઈ ગીફ્ટ આપીએ, જે લોકોને ખરેખરમાં કંઇક જરૂર છે એ આપીએ, સારું કામ કરવાની શરૂઆત કરીએ. અનાથાશ્રમના બાળકો, સ્પેશિયલી એબલ્ડ કિડ્સ સાથે સમય વિતાવીને એમને ખુશી આપીએ. જેમકે આજે હું અમુક ઓર્ફનેજમાં અને ઓલ્દેજ હોમમાં સમય વિતાવીને એ વ્યક્તિઓને ખુશી વહેચવાનો એક નાનકડો પ્રયાસ કરવાનો છું જે હું છેલ્લા ૫ વર્ષ થી કરી રહ્યો છું. આજે આપ પણ આં કંઇક કરીને સાન્તાક્લોઝ બનો, અને રહો કીપ મુસ્કુરાના :) માનવની નજરે. મેરી ક્રિસમસ :)

Sunday, December 18, 2011

ચકલી અને એનું ચી ચી ખોવાયું છે, શું તમે એ નોંધ્યું?

સ્કુલમાં જયારે બાલમંદિરમાં ભણતા હતા ત્યારે એક કવિતા આવતી હતી:

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

બેસવાને પાટલો
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા
આપીશ તને હું આપીશ તને

પહેરવાને સાડી
મોરપીંછાવાળી
ઘમ્મરિયો ઘાઘરો
આપીશ તને હું આપીશ તને

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

***
રવિવારની રજા હું ફોર અ ચેન્જ આરામ કરીને માણી રહ્યો હતો ત્યાજ ગાર્ડનમાં બે ચકલીઓ રમતી રમતી આવી, હજુ તો કેમેરો ઉઠાવ્યો એની પહેલા જ છુમંતર થઇ ગઈ, જાણે પેલું ગીત ગાતી હોય ને "છુ મંતર હો આજા ચલ ગુમ હો જાયે "
ગાતા ગાતા ખ્યાલ આવ્યો કે ચકલી આજે ખરેખરમાં ક્યાંક ગાયબ થઇ ગઈ છે. આજે ૨૦મિ માર્ચ નથી પણ ચકલી અને એના તીણા પણ મધુર અવાજમાં સદાતું ચી ચી બહુ મિસ કરું છું. થોર લેકમાં ક્યારેક ઉડતી ઉડતી દેખાય છે, બાકીતો સાવ અલિપ્ત થઇ ગઈ હોય એમ લાગે છે. આપણા ઘરના ચબુતરાઓ હવે ક્યાં અસ્તિત્વમાં છે? ઘર મોટા થયા છે પણ અમુક વાત તો જાણે ગાયબ જ થઇ ગઈ છે. આપણા ઘરમાં ચબુતરો તો બાજુમાં રહ્યો, પક્ષીઓ માટે દાણા અને પાણી રાખવા માટેના વાસણો પણ અલિપ્ત થઇ ગયા છે. ત્યારે એક જ સવાલ મગજમાં ઝબુક્યો. શું આપણા અંદરથી માણસાઈના થોડા ઘણા અંશો તો અલિપ્ત નથી થઇ રહ્યાને?
ટેકનોલોજીની આ ભાગભાગમાં આપણે ઘણું બધું પાછળ છોડીને તો આગળ નથી વધી રહ્યાને? બહાર થતા કલશોરમાં ક્યારેક સંભળાતું ચી ચી સાવ ભૂતકાળ તો નહિ બની જાય ને? એવું તો નહિ બને ને કે આપણે આવતી પેઢીને ચકલીનો અવાજ યુ ટ્યુબ ઉપર સંભળાવો પડે? કે આપણે લોધેલ ફોટામાં જ ચકલી દર્શન કરાવવું પડે?
ચકલીઓ લુપ્ત થઇ રહી છે એની પાછળના કારણોમાં આપણે પણ ઘણા અંશે કારણભૂત છીએ. આપણને હવે પ્લાસ્ટિક દુનિયામાં વસવું ગમવા લાગ્યું છે. સમયના પરિવર્તન સાથે પ્લાસ્ટિક દુનિયાનું અસ્તિત્વ હરણફાળે વધી રહ્યું છે. નથી જાણતો હું કે અચાનક મેં ચકલી પુરાણ કેમ શરુ કર્યું છે?
કદાચ એક કારણ હોઈ શકે કે હું મારી બાળપણની મિત્ર "ચકી" અને એનું ચી ચી બહુ મિસ કરી રહ્યો છું, માનું છું કે પ્લાસ્ટિક દુનિયાનો હિસ્સો હું પણ છું, પરંતુ મારી માનસકિતા હજુ સીક નથી થઇ કે હું આ બધું ભૂલીને ધીન્કાચિકાના અવાજને પસંદ કરું. સમય સાથે ચાલો પણ સમયને બદલવામાં ખુદ એટલા પણ ના બદલો કે પ્રિય ભૂતકાળ ભૂત બનીને હમેશ માટે અલિપ્ત જ રહે. ચકલી ક્યાંક દેખાય તો એને પાછી લાવવા માટે એક નિર્ણય તો કરજો, બાકીનું કામ આપોઆપ થઇ જશે.

શિયાળો ♥

શિયાળાની સવાર સાંજ અને રાત્રી મને ઘણી ભાવે છે.
શિયાળામાં સવારની ભાત કંઇક અલગ હોય છે. સવારમાં ઠરતા ઠરતા લોકો તાપણું કરતા હાથને શેકતા હોય છે, કેટલાય લોકો બિન્દાસ ફૂટપાથ ઉપર ઉઘાડા શરીરે સુઈ શકતા હોય છે, તો કેટલાયને ઘરમાં રજાઈની અંદર લપાયેલા ગમતું હોય છે. 
પક્ષીઓનો કલરવ એક નવી શરૂઆત કરાવી આપે છે. એક નવો રણકાર, એક નવું ગુંજન અને એક નવી દિવ્યતા સાથે શિયાળાની શરૂઆત થાય છે. 
કુમળો તડકો ઠંડક રોકવામાં મદદ કરે છે, એ સમયે જાણે સુરજ અને શિયાળા વચે એક હોડ જામે છે,ઠંડી રોકવી કે ઠંડીમાં થથરાવવા એ બંને વચ્ચે એક અલગ જ સ્પર્ધા જામે છે. જેમાં મજા તો માનવને જ આવે છે. હાથ પાછળ બાંધીને ચાલતા લોકો જાણે સ્કુલમાં ચાલતા બાળકો જેવા ભાસે છે, ઠંડીથી બચવા લોકો કેવા કેવા નુસ્ખાઓ કરે છે.!!
જરા પણ હાંફ્યા વગર જાણે દિવસ મેરેથોન રેસમાં ભાગતો હોય એમ જલ્દી જલ્દી પસાર થઇ જાય છે. ઉત્સાહ અને ઉમંગ જાળવી રાખતી ઠંડી ધીમે ધીમે ઓછી થઇ જાય છે, પણ પવનની મદદથી એના અસ્તિત્વનો અહેસાસ કરાવી જાય છે.
બપોરે જમ્યા પછી જેમને સુઈ જવાની આદત હોય એમને જાણે આ શિયાળો થોડો કાઠો લાગે છે, અને કેટલાયને ઘણો વહાલો લાગે છે!
દિવસની મેરેથોન જાણે ક્યારેય ન ખત્મ થવાની હોય એમ સમયના ચક્રે એ જ ગતિએ ઘૂમતી રહે છે.
સંધ્યાનો નજરો તો અનેરો હોય છે, આખો દિવસ ઉત્સાહથી કામ કરીને થાકેલ દિવસ જાણે સંધ્યાની સુંદરતા અને શિયાળાની ઠંડીના સહવાસમાં નિરાંતથી આરામ કરે છે.
સાંજે ચા કે કોફીની એક એક ચુસ્કીઓ મારતા ગેલેરીમાં ઉભા ઉભા કે બારીની નાનકડી જગ્યાએ પોતાના શરીરને એડજેસ્ટ કરીને બેસવાની મજા જ કંઇક ઓર છે.
સુરજ દાદા જાણે શિયાળા સામે થાક્યા હોય એમ ધીમે ધીમે અસ્ત પામે છે. એ દ્રશ્ય પણ શિયાળા સાથે પ્રેમમાં પડવા માટે પૂરતું હોય છે. હજુ તો સુરજ દાદા એ ગુડ બાય કહ્યું નથી એની પહેલ અંધકાર સાથે ચંદ્રનો પ્રવેશ અવકાશમાં થઇ ચુક્યો હોય છે. એકદમ શાંતિ અને સુંદરતાથી ભરપુર ચંદ્ર સાથે નિશા ઘણી જ અદભુત લાગે છે. તાપણા કરવાની જાણે હોડ જામવાની હોય એમ શિયાળો એનું તાપમાન ઘટાડતું જાય છે.
ફૂક મારતા મારતા લોકો ઠંડી ઘટાડવાના કેટલાય પ્રયત્નો કરે છે. પક્ષીઓ એમના માળામાં જઈને શાંતિથી એકબીજામાં લપાઈ જાય છે. ઉપરથી ચંદ્ર અને તારાઓ જાણે હસતા હોય એમ ચમકથી નાનકડો પ્રકાશ પાડતા જાય છે. એક નાનકડી ચમક ધાબાની ન વપરાતી ટાંકી ઉપર બેઠેલ માનવના ચહેરા ઉપર પણ પડે છે, આંખો બંધ છે, માથે પેલી કાળી ગરમ ટોપી અને ગાળામાં સફેદ રંગનું મફલર. ગરમ કપડા પહેરીને શિયાળાની મજા માણતો માનવ ઘણો અલગ ભાસે છે કારણકે માનવની નજરે.શિયાળો અને એની ભાત ઘણી અલગ ભાસે છે.

Thursday, December 15, 2011

૧૭ પે ખતરા!

લગભગ ગઈકાલની જ વાત છે. માનવની નજરે.પેજ ઉપર એક વાચકમિત્રએ લખ્યું કે "તમારા ૧૭૦૦ ફેન્સમો આંકડો પુરો થયો , કોન્ગ્રેચ્યુલેશન!" 
સ્માઈલ સાથે થેન્ક્યુ કહીને માનવ મગજમાં એક વિચાર ઝબુક્યો! 
૧૭નો આંકડો. બહુ પહેલા સંભાળ્યું હતું "સતરે પે ખતરા!"
આ તો એક સંયોગ છે કે મને ૧૭ના આંકડાની આ અંધશ્રદ્ધાભર્યું વાક્ય યાદ આવ્યું. આના સિવાય બીજા ઘણા અંધશ્રદ્ધાભર્યા વાક્યો આપણે સાંભળતા હોઈએ છીએ અને "ફોલો" પણ કરતા હોઈએ છીએ.
બિચારી બિલાડીએ રસ્તો પસાર કર્યો હોય તો એ અપશુકન કહેવાય એવું અન સાંભળ્યું છે.
એમાં મારો એક અનુભવ કહું . લગભગ ૭-૮ વર્ષ પહેલાની વાત છે. હું અને મારા એક મિત્ર એમના વેહિકલ ઉપર ક્રિકેટ મેચ રમીને પાછા આવી રહ્યા હતા ત્યાં જ એક બિલાડીએ રસ્તો કાપ્યો. મારું ધ્યાન હતું પણ મને અચાનક જ ઝાટકા સાથે બ્રેકનો અહેસાસ થયો. મેં પૂછ્યું કે “ભૈલા અચાનક શું થયું”?
મને કહે કે “યાર પેલી નાલાયક બિલાડીએ રસ્તો કાપ્યો ને એટલે. આપણા પહેલા કોઈ વાહન પસાર થાય પછી જ જઈશું “. મેં કહ્યું “આવું બધું તું ક્યારથી માનવા લાગ્યો?”
ભાઈ કહે“ અરે તને યાદ છે મને બે મહિના પહેલા કુતરો કરડ્યો હતો? એ દિવસે બિલાડીએ મારો રસ્તો કાપ્યો હતો . બસ એ જ દિવસ થી જ મેં આ વાત પર માનવાનું શરુ કરી દીધું છે.”
જોરદાર છે ને? આપણામાંથી ઘણા લોકો આવી “જોરદાર” મેન્ટાલીટી ધરાવતા હશે, સંજોગને જયારે કોઈપણ દુર્ઘટનાનું કારણ માનવામાં આવે ત્યારે જ અંધશ્રદ્ધાનો ઉદભવ થાય છે.
બીજો અનુભવ પણ કંઇક આવો જ છે.
મારા એક ફ્રેન્ડને મેચ રમવાનો ગાંડો શોખ અને સારો બેટ્સમેન. એક મેચમાં ભાઈ બેટિંગ કરી રહ્યા હતા અને ૧૭ રન્સ કર્યા, હજુ પીચ ઉપર હતો ત્યાંજ સ્ટેડીયમમાં કોઈ વ્યક્તિ બોલ્યું “સતરા પે ખતરા”.
અને ત્યાજ ભાઈ આઉટ થઇ ગયા. વિલે મોઢે પાછો આવ્યો. હું હજુ કઈ બોલું એની પહેલા જ પેલા ભાઈ જે સરસ વાક્ય બોલ્યા હતા એ મારા મિત્રને કહે “હું તો હમણાં જ બોલ્યો કે સતરા પે ખતરા” અને તું આઉટ થઇ ગયો. લાગે છે ૧૭ નંબર તારા માટે અનલકી છે!” બસ એ બોલ્યો ત્યારથી મારા દોસ્ત સાહેબ ૧૭ નંબરને પોતાનાથી દુર રાખે છે. અનલકી સાબિત થઇ ગયો ને!
માનવ ના મતે અનલકી અને લકી આપણી ખુદની નજર ઉપર ડીપેન્ડ કરે છે. જો એ ૧૮ રન્સ ઉપર આઉટ થયો હોત તો ૧૮નો આનાકડો પણ એના મતે અનલકી સાબિત થયો હોત એમાં કોઈ શંકા નથી. કારણકે “અઠરા પે ખતરા” એવો પ્રાસ પણ બને.
તો એનાથી સીધી સાબિતી એ મળી કે આપણા ઉપર લકી કે અનલકી પરિસ્થિતિનો આધાર રહે છે. આપણે જો એને લકી બનાવવી હોય તો એ લકી કે નોર્મલ પરિસ્થિતિ હોય છે અને જો એને સંજોગ માનવાની જગ્યાએ માત્ર અનલકી માનવી હોય તો એ પણ આપણા જ હાથમાં છે.
ઘણી વાર એવી પરિસ્થિતિઓ આપણી સાથે ઘટતી હોય છે જે આપણને વિચારવા ઉપર મજબુર કરે છે કે આ તો અનલકી જ છે. પણ થોડું પ્રેક્ટીકલી વિચારો અને માનવની નજર કેળવો તો બધું લકી જ લાગશે. અહી હું લકી અનલકી ની વાત ઉપર વધારે વાત કરી રહ્યો છું એની પાછળ નું કારણ એ છે કે ઘણી વખતે આવી માન્યતાઓને કારણે આપણે ઘણું બધું ચુકી જતા હોઈએ છીએ. જે લોકો માન્યતાઓ કે અંધશ્રદ્ધાઓ ધરાવે છે એ જરા ધ્યાનથી વિચારશે તો એમને ખ્યાલ આવશે કે એમની માન્યતા કે અંધશ્રદ્ધાને લીધે એમણે ઘણું બધું ગુમાવ્યું હશે. જીવનની સારી સારી પળો આવીજ માન્યતાઓને લીધે આપણે ચુકી જતા હોઈએ છીએ અને હમેશા આવીજ માન્યતાઓ માં સપડાયેલા રહીએ છીએ. જરા ધ્યાનથી વિચારજો “તમે તો આવી કોઈ અંધશ્રદ્ધાનો શિકાર નથી ને?” ;)

શું થાય જો માર્કભાઈ ફેસબુક 'હમેશ' માટે ડીલીટ કરી દે?

આજે ધ સોશીયલ નેટવર્ક -૨ નો પ્રોમો જોયો. એ જોઈને પ્રભાવિત થયા સિવાય એક બીજો વિચાર સુઝ્યો.
"શું થાય જો માર્કભાઈ ફેસબુક 'હમેશ' માટે ડીલીટ કરી દે?"
ઊપ્પ્પ્પ્પ્સ ! કેટલાય લોકોને આ વાંચ્યા પછી મસ્ત ઝાટકો લાગ્યો હશે. ફેસબુક કેવું અભિન્ન અંગ બની ગયું છે આપણા સૌ માટે.
તમને એક મીનીટનો સમય મળે જેમાં તમારે એક વિષય ઉપર વિચાર કરવાનો હોય ::
"ફેસબુક વગરનું જીવન"
અઘરું છે. ઘણા લોકો માટે તો ફેસબુક એટલે જીવનનો શ્વાસ છે, જેના વગર લોકો એક કલાક પણ ના ચલાવી શકે એ લોક માટે આખી જીંદગી માટે ફેસબુક નો ઉપયોગ બંધ કરી દેવો કેવું અઘરું કામ બની જાય?
આપણે સૌ ફેસબુક દ્વારા સંપર્કમાં આવ્યા એટલે આપણા સૌએ માટે પણ ફરીથી એજ કોન્ટેક્ટમાં આવવું અઘરું તો બની જ જાય.
ફેસબુક વગરનું જીવન કેવું ફન્ની લાગે નહિ?

-જયારે ફેસબુક અસ્તિત્વમાં હોય ત્યારે:
એક વ્યક્તિ એ ફોટો અપલોડ કર્યો"આ છે મારો કુતરો -બ્રુનો. હમણા જ એને શાવર કરાવીને આવ્યો. બહુ જ મજા આવી!"
હવે આ જ વાત જયારે ફેસબુક વગર વિચારીએ તો:
ચાર રસ્તે એ જ માણસ એના કુતરાને હાથમાં લઈને ઉભો હોય અને કહે કે "જુઓ જુઓ આ છે મારો કુતરો બ્રુનો! એને હમણાં જ શાવર કરવીને આવ્યો!! યપ્પ્પી!"
આ જોઈને રસ્તામાં ચાલતા લોકો એને ગાંડો સમજીને ચાલ્યા જાય. 
આ કેવું નહિ? જો કામ ફેસબુક દ્વારા કરવામાં આવે તો એને અપડેટેડ અને સોશિયલ કહેવાય પણ જો એ જ કામ ફેસબુક વગર કરવામાં આવે તો એને મેન્ટલી સોશિયલ કે સોશીયાળી મેન્ટલ કહી શકાય!
ખરેખરમાં આ વાત વિચારવા જેવી છે. ઘણા બધા કામ આપણે ફેસબુક ઉપર કરીએ છીએ એ જો ફેસબુક નામનો ટેગ નીકળી દઈએ અને કરીએ તો ગાંડપણ જ લાગે. પણ અત્યારે ગાંડપણનો જ જમાનો છે અને આપણે એનો જ હિસ્સો છીએ એટલે એને સ્વીકારવું જ રહ્યું.
પણ હજુ એ વિચારમાંથી માનવ બહાર નથી આવ્યો:
"ફેસબુક વગરનું જીવન કેવું થઇ જાય?"
ઘણા વિચારો આવી જશે, થોડું અઘરું પણ લાગશે, હવે આ જ સવાલને માનવની નજરે.જોઈએ:

આ સવાલ માટે માનવ નો એક જ જવાબ છે,"જીવન ચોક્કસથી અઘરું લાગશે પણ કોઈ મોટો ફરક નથી પડી જતો. કારણકે ફરક પાડનાર આપણે ખુદ છીએ અને ફરક નહિ પાડનાર પણ આપણે ખુદ છીએ"
એક સાદા ઉદાહરણથી આ વાતને સમજીએ: ફેસબુક ઉપર હમણાં ઘણા બદલાવો આવ્યા હતા જેમાંનો એક બદલાવ "વોલ"નો વ્યુ અને એની સિસ્ટમ ઘણી ચેન્જ થઇ ગઈ હતી જે મોટાભાગના લોકોને પસંદ ન'તી આવી. એક મહિના બાદ લોકોએ એને સ્વીકારી લીધી છે. હવે કોઈ એવી પોસ્ટ નથી કરતુ કે "માર્ક ઝુકર બગને કોઈ કહો કે ફેસબુકનો જુનો લૂક પાછો આપો" કારણ લોકો એ સ્વીકારી લીધું છે, માની જ લીધું છે કે ફેસબુકનો નવો લૂક નહિ બદલાય. પોતાની લાઈફને એમાં સેટલ કરી લીધી છે. 

જો ફેસબુક બંધ થઇ જશે તો? 
-અરે કઈ વાંધો નહિ! જીવન કઈ પણ વસ્તુ કે કોઈ એક વ્યક્તિથી પણ અટકી નથી જતું, કઈ પણ વસ્તુનું વિસર્જન થાય છે તો એ વિસર્જન એક ઓપ્શન સાથે જ આવે છે. માત્ર સમય નો કોઈ જ વિકલ્પ નથી. બાકી બધાનો એક વિકલ્પ હોય છે, જયારે એમ લાગે કે આ વાતનો તો કોઈ વિકલ્પ નથી. ત્યારે સમજી 
જેમ પાણી પોતાનું રસ્તો શોધી લે છે એમ કોઈ પણ અઘરી પરિસ્થિતિ એનો રસ્તો આપોઅપ શોધી લે છે , આપણે પેનીક કરવાની જગ્યાએ એ ઓપ્શન ઉપર "નજર" રાખવાની જરૂર છે.

ધારોકે ફેસબુક ડીલીટ પણ થઇ ગયું તો પણ એનો એક ઓપ્શન આવશે, નહિ આવે તો શોધીશું. જીવનમાં જો થોડી પ્રેક્ટીકલ મેન્ટાલીટી રાખીએ તો પેનીક કરવાનો સમય નથી આવતો. કારણકે આપણે જન્મ્યા હતા ત્યારે પહેલાથી આપણે ફેસબુકના બંધાણી ન હતા. હમણાં હમણાં બન્યા છીએ, એનું વિસર્જન થઇ જાય તો પણ કઈ ફરક નથી પડવાનો.
"કારણકે ફરક પાડનાર આપણે ખુદ છીએ અને ફરક નહિ પાડનાર પણ આપણે ખુદ છીએ"

સાથે સાથે ફેસબુક ઉપર બની રહેલી બીજી મુવીનો પ્રોમો આ રહ્યો:
http://www.youtube.com/watch?v=95N3EV4jAoE

(અને હા, જો ભવિષ્યમાં ફેસબુક બંધ થઇ જાય તો આપનું કનેક્શન કદાચ થોડા સમય માટે તૂટી જશે પણ માનવ આપના હૃદયમાં છે એ કોઈ દિવસ ડીલીટ નહિ થાય. કાઈ પણ કરીને એ આપની સાથે કનેક્શન કરી જ લેશે. ;))

Tuesday, December 13, 2011

કોઈ પણ કામ નાનું નથી હોતું, કામ કરો છો એ મહત્વનું છે!


હમણાં ઇન્ડિયામાં ટોમ ક્રુઝ અને અનિલભાઈ ચમકી રહ્યા છે.
એમ આઈ-૪: ઘોસ્ટ પ્રોટોકોલ નામની મુવીના પ્રમોશન માટે બંને સુપર સ્ટાર ભારતમાં મોટાભાગની આંખોનું ધ્યાન ખેચી ગયા હતા. એ મુવી વિષે અને એના પ્લોટ વિષે એક આર્ટીકલ વાંચી રહ્યો હતો.
આ એ આર્ટીકલ છે જેમાં હોલીવુડ રિપોર્ટર અને અનીલ કપૂરનું કન્વર્ઝેશન છે. જેમાં એક સવાલ મને બહુ ગમી ગયો. હોલીવુડની રિપોર્ટરએ અનીલ કપૂરને એક સવાલ પૂછ્યો કે આ મુવીમાં તમારો રોલ કેટલો છે?
અનીલ કપૂર:આ મુવીનો હું એક હિસ્સો છું એજ મારો સૌથી મોટો રોલ છે. ઇન્ડિયન મુવીઝની ભાષામાં સમજાવું તો આ મુવીમાં મારો "ગેસ્ટ અપિયરન્સ" છે , પણ એ ગેસ્ટ અપિયરન્સનું મહત્વ માત્ર એ એક્ટર જાણે છે જે એ રોલ કરે છે. કારણકે એ રોલ નાનકડો હોવા છતાં એક જ શોટમાં ડિરેક્ટરને પરફેક્ટ આપવાનો હોય છે, એટલે હું એમ કહી શકું કે આ મુવીમાં મારો ઘણો મહત્વનો રોલ છે."
આ ઇન્ટરવ્યુમાં મને એક અલગ નજરીયો જણાયો જેને માનવની નજરે.આ પ્રમાણે કહી શકું:
 લગભગ ૯૯.૯૯% લોકોએ આ વાક્ય સંભાળ્યું હશે "કોઈ પણ કામ નાનું નથી હોતું"
અગણિત વખત આ વાક્ય સંભાળ્યા બાદ પણ આપણે એ વાક્યને પૂર્ણતાથી ફોલો નથી કરી શકતા. એની પાછળનું કારણ આપણી ખુદની મેન્ટાલીટી! આપણે સ્ટેટ્સ વાળા સમાજમાં રહીએ છીએ જેમાં અમુક હદની નીચેનું કામ આપણાથી ના થાય એવું માનીને રોજબરોજના જીવનમાં ઘણા કામ આપણે નથી કરતા. (માત્ર એમ માનીને કે આ કામ તો નાનું છે હું કેમ કરું?)
એક સાદું ઉદાહરણ આપું. જે વ્યક્તિ ભારતમાં રહેતો હોય છે એટલે કે પોતાના ઘરે રહેતો હોય છે એ ઘરનું કામ લગભગ નથી કરતો. પણ જયારે એને બહાર રહેવાનું આવે છે ત્યારે ટોઇલેટ પણ ગર્વથી સાફ કરે છે.
અહી સાફ કરે છે એ કામમાં વાંધો ઉઠાવું છું એવું ના માનશો.
વાંધો એ વાતનો છે કે પોતાના ઘરે કામ કરવામાં નાનપ કેમ આવે છે?
ઘરમાં મમ્મીને મદદ કરવામાં કેમ નાનપ આવે છે ?
કોઈ પણ કામ નાનું નથી એ વાત જાણતા હોવા છતાં હમેશા એ વાક્યને ફોલો કરતા નાનપ કેમ અનુભવાય છે?
એની પાછળ કારણ એ છે કે આ રીત પહેલાથી ચાલી આવી છે કે અમુક કામ કરીએ તો આપણે નાના ગણાઈએ. આપણાથી આ કામ ના થાય. એના માટે તો પેલા કામવાળા ભાઈ કે બહેન જ આવે. આપણે તો શેઠ કહેવાઈએ.
જેમ જેમ પૈસો વધ્યો છે , સુવિધાઓ વધી છે એમ એમ માણસ એની માનસિકતાથી અને કામ કરવાની વૃતિથી ખોખલો થઇ રહ્યો છે.
માન્યું કે આપણી પાસે ઘણી સુવિધાઓ છે અને આપણે કામ કરવાની જરૂર નથી .
પણ "કામ કરવાની જરૂર નથી" એ વાક્ય જ આપણને ખોખલું કરી દે છે. મેં પોતાના જ કેસમાં નોંધ્યું છે કે જયારે આપણે નાના ગણતા કામને કરીએ છીએ ત્યારે એ આપણને ઘણું બધું શીખવે છે "ડાઉન ટુ અર્થ રહેતા શીખવે છે" જે આજના જમાનામાં ઘણું જ જરૂરી છે, કારણકે જે લોકો ડાઉન ટુ અર્થ નથી રહી શકતા એ લોકો જીવનમાં ઘણું ગુમાવતા હોય છે.
માનવના મતે ડાઉન ટુ અર્થ રહેવાનો એક જ કીમિયો છે:
સૌ પ્રથમ તો નાનું કામ અને સ્ટેટ્સ વાળું કામ, આ બંને શબ્દો વચ્ચેનો ભેદ બાજુમાં મૂકી દો. દરેક કામ મહત્વનું છે કારણકે એ કામ તમે કરો છો. જે કામ કરવામાં નાનપ અનુભવાય એ કામ મનથી અવોઇડ કરવાની જગ્યાએ સૌથી પહેલા કરો. ધીમે ધીમે સ્ટેટ્સવાળા માણસની મનોવૃત્તિ મનની અંદરથી દુર થતી જશે જે હમેશા ડાઉન ટુ અર્થ રાખશે.
આપના રોજબરોજના જીવનમાં ઘણા કામ આપ નહિ કરતા હો એ બધા કામને માનવની નજરે જુઓ અને એ કામ કરવાનું શરુ કરો
હમેશા એક વાત ધ્યાનમાં રાખો :"કોઈપણ કામ નાનું નથી હોતું" :)

COPY PASTE!


આ બંને શબ્દો આપણા મગજમાં કેવા ઝણકાર ઉભા કરે છે.
આપણે કોઈ સ્ટેટ્સ ફેસબુક ઉપર પોસ્ટ કર્યું હોય એ જ સ્ટેટસ જોઈ કોપી કરીને નામ લખ્યા વગર પોતાના જ નામે લખે તો કેવું લાગે?
મોટા ભાગના એક કમેન્ટ તો લખીને જ આવે "એ ભાઈ કોપી પેસ્ટ ના કર!"
કેવું નહિ? પોતે રચેલું કોઈ પણ કાર્ય જયારે કોઈ બીજાના નામે ચઢી જાય એટલે આપણી અંદરની સાચી ભાવનાઓ અને થોડો ગુસ્સો બહાર આવી જાય, અને એ કઈ ખોટું પણ નથી એનું કારણ એ છે કે કે માણસનો 'સ્વભાવ' છે.
મારી ખુદની જ વાત કરું તો જ્યારથી મેં આ પેજ શરૂ કર્યું છે ત્યારથી મોટાભાગના સ્ટેટસ કે માનવ અનુભવ કે માનવ મંત્ર મેં કોપી થતા જોયા છે, હમણાં હમણાં ફેસબુક ઉપર સ્ટેટ્સ શેર કરી શકાય છે એટલે કોપી પેસ્ટનું પ્રમાણ ઓછું છે પણ હા , ઘણા અંશે આ હજુ પણ થઇ રહ્યું છે.
મેં ઘણી વાર નોંધ્યું છે કે ફેસબુક પર મોટાભાગના લોકો કોપી પેસ્ટ કરીને જ તો વાહ વાહ મેળવે છે. ક્યારેક વિચાર આવે છે કે લોકોને પણ કેવી મજા આવતી હશે કોપી પેસ્ટ કરવાની? એ તો લોકોને જ ખબર પણ અહી વાત થોડી અલગ કરવી છે.
અમદાવાદ મિરરમાં જયારે મારો આર્ટીકલ આવ્યો હતો ત્યારે એની જર્નાલીસ્ટે મને પૂછ્યું હતું કે "આપ આપના પેજ ઉપર અને બ્લોગ ઉપર આપની કવિતાઓ , માનવ મંત્ર અને માનવ અનુભવ પોસ્ટ કરો છો, શું એ કોપી થઇ જશે એની ચિંતા નથી?"
મેં કહ્યું "મેડમ ચિંતા કઈ વાતની હોય? "લોકો મારું લખાણ જો પોતાના નામે લખીને પોસ્ટ કરે તો પણ કોઈ જ ફરક નથી પડતો કારણકે હું લખ્યા વગર રહી નહિ શકું અને લોકો કોપી કર્યા વગર રહી નહિ શકે. જો હું લોકોની ચિંતા કરીશ તો પૂરતું ધ્યાન લખવા ઉપર નહીં આપી શકું. અને જો આ જ વાતને હું મારા નજરીયાથી જોઉં તો જે લોકો કોપી કરે છે એ લોકો મારી જ વાતને બીજા લોકો સુધી પહોચાડવામાં મદદ કરે છે
સાથે સાથે માનવ તો એક જ વાત માને છે કે "ક્રિએટીવી એક એવો પારસમણી છે જે સર્જાઈ જાય એમાં જ સર્જકને સંતોષ થઇ જતો હોય છે કારણકે સર્જકનો આશય છે સર્જન કરવાનો. એ સર્જન લોકો કોપી કરીને પોતાના નામે લખશે તો પણ સર્જકની ઓરીજીનાલીટી એ કોપી નહિ કરી શકે"

You can Copy my Manav Anubhav, Manav Mantra but U can not Copy "Manav HIMSELF"!

એટલે આખી વાતને જો માનવની નજરે.કહું તો ...
"સર્જન અને સર્જક બંને અભિન્ન અંગો છે. જેમાં સર્જન થઇ ગયા પછી સર્જકને એ ચોરાઈ જવાની કે કોઈ બીજું એનો ક્રેડીટ લઇ જશે વગેરે ની ચિંતા નથી હોતી જો એ ચિંતા કરે તો એની સર્જનાત્મકતા ઘટતી જાય છે"
આપની અંદર કોઈ સર્જનાત્મકતા હોય તો એને કોઈ પણ ડરથી છુપાઈને અંદર ભરીને ના રાખો. કારણકે એ સર્જનાત્મકતા જ આપની સાચી ઓળખ છે" :)

Sunday, December 11, 2011

સુનીલ ભૈયા કો થેંક યુ બોલો!

હમણાં થોડા કલાકો પહેલાની વાત છે, હું ટીવી જોઈ રહ્યો હતો જેમાં એડ બ્રેક પડ્યો અને એક એડવર્ટાઈઝ આવી. 
જેમાં એક નાના બાળકના મમ્મી , પપ્પા અને એ નાનું બાળક ડાઈનીંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ લઇ રહ્યા હોય છે, બાળકે હજુ શરૂ નથી કર્યું હોતું કારણકે એની ડીશ નથી આવી સાથે સાથે એ ડ્રોઈંગ કરવામાં વ્યસ્ત હોય છે.
થોડી જ વારમાં એમનો રસોઈયો એ બાળકને ડીશ આપતા પ્રેમથી કહે છે "ચલો ખાના ખા લો"
અને પેલું બાળક "હમમમ" કહીને એના જ કામમાં મશગુલ રહે છે. પેલા ભાઈ ડીશ મુકીને નીકળતા જ હોય છે ત્યારે જ એ બાળક પપ્પા એ છોકરાને કહે છે:"રાહુલ, થેંક યુ બોલો!"
બાળક હજુ પણ એ જ કામમાં માથું રાખીને પૂછે છે "કિસકો?"
એના પપ્પા કહે છે "સુનીલ ભૈયા કો"(રસોઈયો)
બાળક પૂછે છે "કયું?"
પપ્પા કહે છે "બ્રેકફાસ્ટ કે લીએ"
બાળક એકદમ નિર્દોષ ભાવથી બોલ્યો: "વો તો રોઝ લાતે હૈ "
પપ્પા "તો આપ ઉનકો થેંક યુ ભી રોઝ બોલેંગે."
પેલું બાળક એની મમ્મી સામે જુએ છે પણ મમ્મીનો જરા પણ પ્રતિભાવ ના મળતા એ પપ્પા સામે જુએ છે
સુનીલભાઈ કહે છે કે "રેહને દીજીએ સા'બ"
છતાં બાળકના પપ્પા જરા પણ ડગતા નથી અને ફાઈનલી બાળક ભોળા મનથી એ પેલા રસોઈયા સુનીલભાઈ ને "થેંક યુ" કહે છે, અને સુનીલભાઈ એક અલગ સ્માઈલ સાથે ત્યાંથી રસોડામાં ચાલ્યા જાય છે. :)
આ એડ આપણામાંથી ઘણા લોકોએ જોઈ હશે અને કેટલાય ને ગમી હશે કેટલાય લોકોએ માત્ર એડ જોઈને નિહાળીને ચેનલ બદલી દીધી હશે.
પણ આ જ એડને માનવની નજરે.જોઈએ તો એ જ એડને એક નવા સંદેશથી આપણે જોઈ શકીશું.
અહી માનવ એમ નથી કહી રહ્યો કે આપણે આપણા બાળકને આ ગુણ શીખવાડવા જોઈએ. કારણકે એ ગુણ ત્યારે જ આવે જયારે એ જ ગુણ આપણામાં હોય.
હવે થોડી રોજ-બરોજની ઘટનાઓ ઉપર નજર કરીએ.
આપણામાંથી ઘણા લોકો સીટી બસમાં સફર કરતા હશે , રીક્ષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે. પણ ૯૯.૯૯ % લોકો બસમાં કંડકટર પાસેથી ટીકીટ લઈને કે પછી રીક્ષાવાળાને પૈસા ચૂકવીને એક કામ કરવાનું ભૂલી જાય છે, અને એ કામ છે:: એમને "થેન્ક્યુ" કહેવાનું!
અહી ઘણા લોકોના મનમાં એક સવાલ ઉભો થતો હશે કે ભાઈ એમને થેંક યુ કહેવાનો શું મતલબ છે? એ લોકો તો એમનું કામ કરી રહ્યા છે તો એમાં આપણે કેમ એમને થેંક યુ કહીએ?
હવે એક કામ કરો એ કંડકટર કે રીક્ષાવાળા ભાઈ કે કામવાળા ભાઈ કે પછી શાકભાજી વેચવાવાળા ભાઈની જગ્યાએ પોતાને ઈમેજીન કરી જુઓ.
તમે રીક્ષા ચલાવતા હો કે બસમાં લોકોને ટીકીટ આપતા હો ત્યારે જો તમને કોઈ "થેંક યુ" કહે તો શું તમને નહિ ગમે?
તો ખરેખરમાં જયારે આપણે ખુદ એમને "થેંક યુ" કહીએ તો એમના ફેસ ઉપર એક સ્માઈલ આવશે એ તો સૌથી પહેલી વાત છે અને બીજી વાત એ કે કોઈ આપણને સર્વિસ આપતું હોય કે આપણી સવલતોમાં સરળતા કરતુ હોય એને થેંક યુ કહેવું એ એક સારી રીતભાત , એટીકેટમાં આવે છે જે આપણામાંથી મોટાભાગના લોકો જાણતા હોવા છતાં અજાણ રહીને એ અનુસરતા નથી.
આપનો માનવ એક જ વાત માને છે કે "થેન્ક્યુ ન કહેવાથી કોઈ ફરક નહિ પડે પણ થેંક યુ કહેશો તો ઘણો ફરક પડી જશે"
એ ફરક ત્યારે જ આપ નોંધશો જયારે આપ એનો અમલ કરશો.
એક વખત એનો અમલ કરી જુઓ, કોઈને થેંક યુ કહી જુઓ. પછી તમારી અંદર જે મેજિક થાય એ જોવું રહ્યું.
સાથે સાથે એ એડ જેનાથી માનવ પ્રભાવિત થયો છે એ જોવી હોય તો આ રહી એની લીંક:
http://www.youtube.com/watch?v=X9Hc7JcNLuc
"કીપ મુસ્કુરાના :)"

Tuesday, December 6, 2011

સતયુગનો શ્રવણ કલયુગમાં જન્મ્યો!


આજે હું એક વ્યક્તિનું જીવન અને એની દિનચર્યા શેર કરવા જઈ રહ્યો છું.
ઘરમાં માત્ર ૩ જણા રહે - એના પપ્પા, એના ફઈ અને એ ખુદ.સવારે શાર્પ ૫.૩૦ વાગે ઉઠી જવાનું. સૌથી પહેલા તૈયાર થઇ ને ઘરના લોકો માટે ચા નાસ્તો બનાવવાનો, પછી મેલા કપડા ધોવાના. પછી ઘરના લોકો માટે અને પોતાના માટે જમવાનું બનાવવાનું, ટીફીન બનાવવાનું. આ કાર્યક્રમ ૮:૩૦ વાગ્યા સુધીચાલે. પછી બસ પકડીને લગભગ ૨૦કી.મી દુર ઓફીસ જવાનું. પહોચતા પહોચતા ૧૦.૩૦ વાગી જાય. ઓફીસ પહોચીને કામકાજ કરવાનું.
લગભગ ૨ વાગે એટલે ટીફીન ખોલીને જમવાનું, ભાણું પતાવીને પાછું કામે લાગી જવાનું. ૬ વાગતા પોતાના ભણવાના કલાસીસ ઉપર જવાનું. ત્યાં ૯ વાગ્યા સુધી મગજના તંતુઓ સાથે મારા-મારી કરવાની. પછી બસ પકડીને ઘરે પહોચવાનું, જમવાનું બનાવવાનું અને બધાની સાથે જ જમવાનું. રાત્રે સુતા પહેલા ફઈના પગ દબાવવાના અને પછી પિતાના પગ દબાઈને સુવા જવાનું. અને સવારે પાછા ૫.૩૦ વાગ્યે ઉઠીને જીવનની છુકછુક ગાડીમાં દોડવાનું શરૂ.
(અને આ કોઈ રચાયેલી વાર્તા નથી , સત્ય ઘટના છે જે મારી નજર સામે દરરોજે ઘટાય છે. એ વ્યક્તિને હું દરરોજ મળું છું.)
અહી આ વાત શેર કરવા પાછળનો હેતુ એ છે કે પહેલાના જમાનામાં બાળકો એમના માતા પિતાના પગ દબાવીને એમને આરામ આપીને જ સુવા જતા હતા. પણ સમયના વહેણની સાથે આ વાત પણ વહી ગઈ.
"માતાપિતાના ચરણોમાં સ્વર્ગ" એવું વાક્ય ઘણું પ્રચલિત છે , જે માત્ર આપણા જુના જમાનાના આ કર્મને લીધે પ્રચલિત છે.
આજની જ વાત કરીએ, આપણામાંથી કેટલા લોકો એમના મા બાપના પગ દબાવે છે?
કદાચ નહીવત. એનું કારણ શું? આપણે સમયની સાથે સાથે શરીરથી મોટા થયા પણ ભાવનાથી ઘણા નાના થઇ ગયા. કદાચ હવે આપણને માતા પિતાના પગ દબાવતા નાનપ અનુભવાય છે, કદાચ કેટલાયને શરમ પણ આવે છે. એનો સીધો અર્થ એ છે કે માબાપ સાથેનું ટ્યુનીંગ ઘણું જ કાચું છે, સંબંધ એટલો પણ ગાઢ નથી.
આજે એક નવું કામ કરીએ, (ચિંતા ના કરો હું એમ નહિ કહું કે અમારા આ શ્રવણની જેમ દોડભાગ કરો પણ આ કામ થોડું અલગ છે)
આજે રાત્રે સુતા પહેલા મમ્મી પપ્પાની પાસે બેસીને એમના પગ વિના કોઈ સંકોચે લઈએ અને એને પ્રેમથી દબાવીએ, મનમાં એમના આખા દિવસનો થાક દુર કરવો છે એવી ભાવના રાખીએ. (અહી એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે શરૂઆતમાં થોડો સંકોચ થશે, પણ "આ પોતાના જ માતા-પિતા છે એટલે સંકોચ ના હોય" એમ વિચારીને પગ દબાવજો)
આજે કલયુગના શ્રવણ બનીએ. માતાપિતાને રાખીએ મુસ્કુરાના અને તમે પણ કીપ મુસ્કુરાના :)
***
માનવનું ઓફોશીયલ ફેસબુક પેજ આપ અહી જોઈ શકો છો:
https://www.facebook.com/manavninajare

Thursday, December 1, 2011

આજના દિવસમાં તમે શું શીખ્યા? :)

આજે થોડી હટકે વાત કરીએ...
જે ફોટો મેં અપલોડ કર્યો  છે એ અમારી ઓફીસની નીચે બેસતો ચા વાળો છે. હવે એ માણસની થોડી ખાસિયતો વિષે જણાવું:
૧)સરસ ચા બનાવે છે એમાં કોઈ શંકા નથી.
૨)રોજે સવારે "ટાઈમ્સ ઓફ ઇન્ડિયા" વાંચે છે અને "અમદાવાદ મિરર" પણ વાંચે છે
૩)ગુજરાતી છાપામાં આવતી દરેક ક્રોસ વર્ડને પૂરી કરે છે.
૪)આ માણસ ડુંગરપુર(રાજસ્થાન)નો છે. વગેરે ..
છેલ્લું વાક્ય ખાસિયત તરીકે લો કે એક અચરજ તરીકે લો બંને સરખું છે. અચાનક મને આ માણસ વિષે લખવાનું સુજ્યું એની પાછળ એક ખાસ કારણ છે.
આપણે સવારે વહેલા ઉઠીએ છીએ, તૈયાર થઈને કામકાજ શરૂ કરીએ છીએ અને દિવસના અંતે ખાઈ પી ને સુઈ જવાનું.
આ વ્યક્તિ જે રોજે સવારે ચા બનાવવાની સાથે સાથે રોજે અંગ્રેજી છાપું વાંચીને કાંઇક નવું શીખે છે અને દુનિયાની ખબર રાખે છે, કદાચ એણે એ સમાચાર ક્યારેય કામ નહિ આવે પણ છતાં એ માણસ ઉત્સુકતા રાખીને નવું નવું વાંચતો રહે છે અને સાથે સાથે ગુજરાતી પઝલ્સ સોલ્વ કરીને પોતાનું જ્ઞાન વધારે છે.
અહી આ વાત માનવની નજરે.જોઈએ તો એમ કહી શકું કે આપણા રોજ-બરોજનાજીવનમાં આપણે પોતાનું શિડ્યુલ એટલું બાંધી દીધું છે કે આપણને કઈ પણ નવું શીખવાનો ,મોકો જ નથી મળતો. અથવા તો એવું કહી શકીએ કે આપણે ખુદ પોતાને મોકો નથી આપતા.
સમયની સાથે સાથે જમાનો બદલાયો છે. એ પ્રમાણે ચાલવું પણ એટલુંજ જરૂરી છે.
માનવ આ કીટલીવાળા પાસેથી એટલું શીખ્યો કે જો એ માણસ ચા બનાવતા બનાવતા કઇક નવું શીખી શકતો હોય અને પોતાનું કામ સારી રીતે કરી શકતો હોય તો આપણે કેમ નહિ?
મેં ક્યાંક વાંચ્યું હતું:"રાત્ર સુતા પહેલા જો તમે પોતાને પૂછો કે આજના દિવસમાં તે શું શીખ્યું, અને જો એનો સામે કઈ જવાબ ના મળે તો સમજી લેવું કે આજ નો દિવસ વ્યર્થ ગયો છે."
જીવનમાં શીખવા લાયક ઘણું બધું છે જેની સામે જીવન ઘણું જ ટૂંકું છે. જેટલું પોતાના થેલામાં ભરી શકો એટલું તમારું છે. એમ કહીએ તો પણ ચાલે કે તમારી સામે સાગર પડ્યો છે અને છુટ્ટી છે જેટલા ખોબા ભરવા હોય એટલા ભરો લો.
એવી જ રીતે સવારે ઉઠીને કંઇક શીખવા જઈ રહ્યો છું એવા નિર્ધાર સાથે તમારો દિવસ શરૂ કરો. કદાચ શરૂઆતમાં જવાબ ના મળે. પણ જયારે શીખવાની ભુખ જાગશે ત્યારે રાત્રે સુતા પહેલા પોતાના સવાલનો જવાબ મળી જ જશે.
"આજના દિવસમાં તમે શું શીખ્યા?" :)

Monday, November 28, 2011

થેન્ક્યુ મમ્મી પપ્પા! લવ યુ બેટા!

કહેવાય છે ને કે જે લખેલું હોય એ તો થાય જ છે. આવું જ કાંઇક મારી સાથે પણ થયું.
ગઈકાલની વાત છે, હું એકદમ રવિવારની રજાના મૂડમાં હતો , બાઈક ઉપર લટાર મારવા નીકળી પડ્યો, સાથે લેપટોપ અને કેમેરો તો હોય જ. પણ જગ્યા આજે નક્કી ના હતી. ચલાવતા ચલાવતા વિચાર આવ્યો કે ચલો ને આજે મારા બચ્ચાઓ ને મળતો આવુ. એટલે વગર કોઈને કહ્યે હું પહોચ્યો ઓર્ફનેજમાં(શબ્દ માત્ર સમજદારી માટે).
બાઈક પાર્ક કર્યું અને અંદર ગયો તો અંદરથી સન્નાટો જ મળ્યો. રવિવારના દિવસે કોઇજ નહિ. અંદર જઈ ને જોયું તો બધું બંધ હતું. ત્યાના ચોકીદાર કાકા પાસે ગયો તો ખબર પડી કે આજે તો બહુ મોટો કાર્યક્રમ છે જેમાં અત્યાર સુધીમાં જેજે માતા પિતાએ બચ્ચાઓને એડોપ્ટ કર્યા હોય એ બધાનું એક ગેટટુગેધર હતું. મનમાં થયું કે ઈચ્છા તો છે મળવાની તો ચલો જતા આવીએ એ બહાને જે બાળકો એડોપ્ટ થયા છે એમને પણ મળતા આવીશું.(આખરે એ પણ મારા જ બચ્ચાઓ છેને ;))
ત્યાં પહોચ્યો અને જોયું તો જાણે મેળાવડો લાગ્યો હતો. લગભગ ૨૦૦થી પણ વધારે માતા પિતા અને બાળકો હતા. જેમાં અમુક માં-બાપએ સ્ટેજ ઉપર આવીને એમના અનુભવ શેર કરવાના હતા. મને લાગે છે ત્યાં સુધી હું પરફેક્ટ ટાઈમે પહોચ્યો હતો.(એ પરફેક્ટ કેમ એ આગળ વાંચતા ખ્યાલ આવી જશે.)
એક ભાઈ એમના બાળકને ખભે તેડીને આગળ આવ્યા અને એમની વાત શરુ કરી:
“”અત્રે બિરાજમાન સૌને મારા નમસ્કાર, ૧૧ વર્ષના લગ્નજીવન બાદ જયારે અમે બાળક એડોપ્ટ કરવાનું વિચાર્યું ત્યારે મનમાં કોઈ રંજ કે દુઃખ ના હતું. એને ભગવાનનો જ આદેશ કે એનો જ નિર્ણય માનીને અમે અહી આવ્યા. અમારું કાઉન્સેલિંગ થયું, ઇન્ટરવ્યું લેવાયો. અને પહેલા જ ઇન્ટરવ્યુંએ પાસ થઇને અમને “યશ” મળ્યો. યશને એડોપ્ટ કર્યે લગભગ ૧.૫ વર્ષ થશે. (અહી આ ભાઈ ભાવુક થઈને એમની વાત શેર કરી રહ્યા છે ત્યારે એમનો યશ આરામથી એમના ખભા ઉપર સુઈ રહ્યો છે. એ જોઈને યશના મનની શાંતિ મને ફીલ થઇ)
૧.૫ વર્ષ પહેલા જયારે યશ ના હતો અને જયારે યશ આવ્યો એ પછી અમારા જીવનમાં ઘણા પરિવર્તનો આવ્યા છે, એમાંનું મહત્વનું પરિવર્તન છે કે અમને પેરેન્ટહુડ મળ્યું. એ પણ યશને લીધે. જો અમને યશ ના મળ્યો હોત તો આજે અમે માત્ર પતિ પત્ની કહેવાત, પણ માતા પિતા ના હોવાનો અહેસાસ અને રંજ ક્યારેક તો ડંખી જ જાત. પણ યશ મળ્યો તો જાણે કે મન ની સાચી શાંતિ મળી.
અમે જયારે ઇન્ટરવ્યુંમાં પાસ થયા ત્યારે યશ કેવો લાગે છે કેવો નહિ એની જરા પણ વિચારણા કર્યા વગર અમે યશને પોતાનો બનાવ્યો છે ”ભગવાનના મંદિરમાં જયારે પ્રસાદ મળે છે ત્યારે શું આપણે પ્રસાદ મળ્યા પછી એને ચેન્જ કરીએ છીએ? ના! એમ યશ પણ અમારા માટે પરમાત્માનો પ્રસાદ છે.” છેલ્લે એટલું જ કહીશ કે યશના આવ્યા પછી જ માતા પિતા હોવું શું છે એ જાણવા મળ્યું છે, અને એના માટે હું ઓલમાઇટી ગોડ, આ સંસ્થા અને ખાસ યશનો આભાર છું. થેન્ક્યુ”
***
આટલું સંભાળ્યા પછી દરેક માતાપિતા મનોમન પોતાના બાળકને થેંક યુ કહી રહ્યું હશે એમાં કોઈ જ શંકા નથી. યશ કે જે પેલા ભાઈ દ્વારા એડોપ્ટ થયો એ પહેલા મારી જોડે ઘણો રમી ચુક્યો છે એટલે હું એને જાણું છું, એ દિવસે એ એના પપ્પાના ખભા ઉપર જે અદાથી સુઈ રહ્યો હતો, અને મુખ ઉપર જે વિરલ શાંતિ હતી એ એજ વાતનું ચિહ્ન હતું કે યશને પ્રેમાળ ભગવાન દ્વારા આ ખભાનો આશરો મળી ચુક્યો છે. પોતે માતાપિતા ના બની શકવું અને અનાથ હોવું એ બંને એકદમ વિરોધાભાષી છે છતાં બંને પરિસ્થિતિઓમાંથી પસાર થવું ઘણું અઘરું છે.આપણે ઘણા જ ખુશનસીબ છીએ કે આપણને માતાપિતા મળ્યા છે, અને બાળકો મળ્યા છે. કારણકે યશને એના માતાપિતા કોણ છે એની જાણ નથી ચાત એને જયારે એના માતાપિતા મળ્યા ત્યારે એ કેટલો ખુશ હતો સાથે સાથે યશના માતાપિતા યશને પામીને ખુશ થયા છે એ જ વાતને હમેશા ધ્યાનમાં રાખીને આજે એક કામ કરજો.
આજે આપના માતાપિતાને અને આપના બાળકને થેન્ક્યુ જરૂરથી કહેજો કારણકે એમના હોવાથી તમને એક સ્થાન મળ્યું છે. કદાચ એ ના હોત તો આપનું અસ્તિત્વ શુ હોત એની આપણને પણ જાણ ના હોત. તો આજે એમને “પેરેનટહુડ” આપવા બદલ આપના બાળકોને અને સેલ્ફહુડ,ચાઈલ્ડહુડ આપવા બદલ આપણા માતાપિતાને દિલથી જ્હપ્પી આપીને થેન્ક્યુ કહેજો. 
કીપ મુસ્કુરાના 
:)

Saturday, November 26, 2011

26/11/2008-જખમ હજુ પણ રૂઝાયા નથી.

૨૬/૧૧/૨૦૦૮
સાચું કહું તો આજે આ દિવસ વિશે વાત કરવાનું મન નથી.
કારણ એ છે કે ૨૦૦૮માં જે કારમી ઘટના થઇ એના જખ્મો ક્યારેય રુઝાશે નહિ, અને કદાચ રુઝાઈ ગયા હશે તો એના ડાઘા તો હમેશા આપણા હૃદય ઉપર અંકિત થયેલા જ રહેશે.
આજે ફરીથી લોકોમાં એજ રોષ ઉભરાઈ આવશે, શ્રદ્ધાંજલિ અપાશે, ફરીથી કસાબ નામનું તુચ્છ પ્રાણી લોકોની ગાળોનો શિકાર થશે.ફેસબુક ઉપર કસાબને લાતો મરાતા ફોટા અપલોડ અને શેર થશે.
પણ આનું પરિણામ શું? પેલું 'તુચ્છ પ્રાણી' છેલ્લા ૩.૫ વર્ષથી ભારતીય નાગરિક બનીને બેઠું છે, એના કારણે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે માત્ર એની 'સલામતી'(!) પાછળ , એ જાહોજલાલીમાં જીવી રહ્યો છે,એની જાહોજલાલી જોઇને તો ક્યારેક હસતા હસતા વિચાર આવે છે કે ઘણા બધા લોકો આ કસાબને જોઇને આતંકવાદી બનવાનું વિચારતા હશે. ("આવી જાહોજલાલી ભારતમાં મળે અને એ પણ મફતમાં, તો તો મારે કરિયર તરીકે આતંકવાદી જ પસંદ કરવું જોઈએ!")
પણ માનવને તરત વિચાર આવ્યો કે આજે આ ડિસ્કશનનો પણ કોઈ જ અર્થ નથી કારણકે આજે તો કસાબનો જન્મદિન છે ને, એટલે જેલમાં તો મજાનું સેલિબ્રેશન ચાલી રહ્યું હશે, જયારે આ બાજુ આપના અને મારા લોહી ઉકળી રહ્યા છે.
એના કરતા તો આજે એક જ કામ કરાય, લોહી ઉકાળવાની જગ્યા એ તુચ્છ જીવ કસાબને સંબંધિત જેટલી પણ પોસ્ટ છે એને "અવોઇડ" કરો.
કારણકે સરકાર આપણને કસાબ એટલેકે તુચ્છ જીવને મારવાની પરવાનગી નથી આપતી તો પછી એની એજ વાતો યાદ કરીને જીવ ઉકાળવાની  શું જરૂર છે?
(જો પરવાનગી મળી હોત તો પહેલી ગોળી આપણી જ વાગી હોત, પણ આ તો આપના અને મારા જ પૈસે એની સિક્યોરીટી થઇ રહી છે તો કઈ થઇ નહિ શકે, હા એ વાત પણ અલગ છે કે જેમ શરદ પવારને લાફો પડ્યો એમ કસાબને ઉડાડી દો તો વાંધો નથી પણ વાંધો એ છે કે એને શરદ પાવર કરતા વધુ સલામતી મળે છે ;))
હવે થોડી ગંભીર વાત કરું, ૨૬/૧૧ ના દિવસે જે લોકો 'શહીદ' થયા હતા એ તમામ રીયલ લાઈફ ફાઈટર્સ ને માનવ દિલથી શ્રદ્ધાંજલિ આપે છે અને એમાંથી પ્રેરણા લઈને અનેક  રીયલ લાઈફ ફાઈટર્સ જન્મ લે અને તુચ્છજીવની ગટર સમાન 'આતંકવાદ'ને દુર કરે એવી ભગ્ગુંને પ્રાર્થના કરે છે.:)

Tuesday, November 22, 2011

UNANSWERABLE QUESTION:જીવનનો અર્થ શું છે?


રવિવારની સાંજે હું મારી ફેવરીટ જગ્યાએ બેઠો હતો, મોટેભાગે એવું થાતું હોય છે કે કાંઇક લખવું છે એમ વિચારીને જ જાઉં છું પણ આ દિવસ થોડો અલગ હતો, મગજમાં એક પણ વિચાર નહિ, માત્ર પોતાનીસાથે વાતો કરવા જઈ ર્રહ્યો છું એમ જ વિચાર હતો.
ત્યારે અચાનક જ મારા મગજમાં એક વિચાર ઝબુક્યો.
"આ દુનિયામાં એવા કયા સવાલો છે જેનો કોઈ જ જવાબ નથી?"
આપણે ગૂગલ ભાઈને પૂછ્યું તો બહુ બધા એવા સવાલો મળ્યા જેના જવાબ આપણી પાસે નથી. એમનો એક સવાલ મને અલગ વિચારે ચઢાવી ગયો જે છે::
જીવનનો અર્થ શું છે?
અત્યાર સુધી ઘણું રીસર્ચ કર્યું ઘણા ધર્મ ગ્રંથો વાંચ્યા પણ આ સવાલનો પરફેક્ટ જવાબ તો હજુ નથી જ મળ્યો. છતાં મેં દરેક ધર્મ આ સવાલ વિષે શું કહે છે એ જાણવાનો પ્રયાસ કર્યો:

કેથલિકના મતે:
જીવનનો અર્થ એ છે કે આપણને જે લાઈફ મળી છે એ દરમ્યાન પોતાને મૃત્યુ મતે માનસિક રીતે તૈયાર કરવું. અહી એક વાતને ખાસ નોંધવામાં આવે કે કેથલિક લોકો મૃત્યુને ડર કે નેગેટીવ શબ્દ તરીકે નથી જોતા. તેઓ એને સર્વસ્વીકૃત માનીને એને સ્વીકારે છે અને એને જીવનના અંત માટેનું બિંદુ માને છે.

બુદ્ધિસ્ટના મતે:
જીવનનો અર્થ છે નિર્વાણ સુધી પહોચવું .નિર્વાણનો સામાન્ય અર્થ જોઈએ તો 'મોક્ષ' થાય.
તેઓ માને છે કે તમારા જીવન દરમ્યાન તમે કર્મ કરો , મૃત્યુ પામો , અને ફરીથી જન્મ પામો, કર્મ કરો અને ફરીથી મૃત્યુ પામો અને ફરીથી જન્મ પામો. આમ આ જીવન મૃત્યુની ભાગભાગમાંથી આપ ક્યારેય નથી છુટતા. પણ જીવન નો સાચો અર્થ ત્યારેજ સાર્થક થાય છે જયારે એ જીવન મૃત્યુની સાઈકલમાંથી આપ છુટો અને નિર્વાણને પામો.

મુસ્લીમના મતે:
જીવનનો અર્થ છે કે બંદગીની પ્રાપ્તિ કરવી , બંદગી કમાવવી. એને થોડા વધારે લંબાણ સાથે જોઈએ તો આપણને મળેલ જીવન દરમ્યાન એવા કર્મ કરવા જેથી અલ્લાહ તમારા છેલ્લા દિવસે તમને સ્વર્ગમાં મોકલવા કે નર્કમાં મોકલવા એ નક્કી કરે, જીવનના છેલ્લા દિવસને તેઓ કયામત કા દિન કહે છે , જજમેન્ટ ડે પણ કહેવાય છે. એ દિવસે ખુદા, અલ્લાહ તમરા કરેલ કર્મની યાદી તપાસે છે અને એ કર્મદ્વારા તમારું સ્થાન નક્કી થાય છે. એટલી મુસ્લીમોના મતે જીવનનો અર્થ છે સારા કર્મ કરીને સ્વર્ગમાં સ્થાન પામો.

હિંદુના મતે:
મૃત્યુ અને જન્મના બંધનમાંથી છૂટવું એ જ જીવનનો મર્મ. એ સર્કલ ઓફ લાઈફ માંથી છૂટવાનો એક જ રસ્તો છે કે તમને મળેલ જીવન દરમ્ય સારા કર્મો કરો અને તમારા પહેલાના જન્મના પાપ ધોઈ નાખો. કારણકે તમને મળેલ જન્મ એ ગયા જન્મ નું પરિણામ છે. અમુક કામ બાકી રહી ગયા છે જેને પૂર્ણ કરવા માટે તમારે આ જન્મ લેવો પડ્યો છે, બસ એ જ જન્મ હવે ફરીથી ના લેવો હોય તો આધ્યાત્મ તરફ વાળો અને પોતાના કર્મ પૂર્ણ કરી મોક્ષની પ્રાપ્તિ કરો.
***

આ બધું વાંચ્યા પછી બધું ઓલમોસ્ટ સરખું જ લાગે છે કારણકે દરેક ધર્મ આ જ શીખવે છે, માત્ર એના વર્ઝન અલગ અલગ છે. છતાં માનવ મન ને શાંતિ નથી મળી કારણકે એ સવાલનો જવાન તો હજુ પણ વણકહ્યો છે. તો જીવન નો અર્થ છે શું???????

"જીવન નો સાચો અર્થ- દરેકનું જીવન અલગ અલગ એટલે  દરેક ના જીવન ના અર્થ એમના મુજબ અલગ અલગ. આપણે ખુદના જીવન નો અર્થ શોધવા અહી આવ્યા છીએ અને એને સાર્થક કરવા માટે ભગ્ગું એ આપણને એક મોકો આપ્યો છે"
એનો સીધો અર્થ છે કે જીવન નો અર્થ પોતના મુજબ જ હોય છે અમુક લોકોને એનો ખ્યાલ આવે છે અને અમુક લોકો બીજાના જીવન નો અર્થ પોતાનો માનીને ફોલો કરતા હોય છે.
માનવ માને છે કે "પોતાના" જીવનનો અર્થ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણકે એ જરૂરી છે છતાં જો અર્થ ના મળે તો છડ્ડો જી , લીવ યોર લાઈફ વિથ પેશન એન્ડ હેપીનેસ. ધેટ્સ ધરીયલ મીનીંગ ઓફ લાઈફ. :) કીપ મુસ્કુરાના :)

Monday, November 21, 2011

કંઇક રચેલું અચાનક જ નષ્ટ પામે તો?

એક લેખક માટે એનો લેખ ઘણો જ અગત્યનો હોય છે, અને જયારે એ લેખ ઘણા રીસર્ચ પછી લખાયો હોય ત્યારે અચાનક એ એની નજર સામે એક સેકંડની અંદર નષ્ટ થઇ જાય તો કેવું લાગે?
કદાચ કોઈ એવું કહે કે "એમાં શું છે? ફરીથી લખાઈ જશે! ફરીથી રીસર્ચ કરીને લખી લેવાનો!"
તો એમને માત્ર એટલું કહેવાની જરૂર છે કે એ લેખ તો કદાચ લખી જશે પણ પહેલાનો લેખ નષ્ટ થઇ ગયો એનું શું?એક વખત શાંતિથી બેસીને કંઇક અગત્યની વાત લખી જુઓ અને પછી એ જ લખાણ તમારી નજર સામે જ્યારે નષ્ટ પામે ત્યારે એણે ફરીથી લખી જોજો, એવું તો નહિ જ લખાય!
ઘણા બધાને એવો વિચાર પણ આવે કે અચાનક આ વાતે હું કેમ ચઢ્યો છું! તો એનું કારણ એ છે કે મારી સાથે આ જ ઘટના ઘટી છે. લગભગ ૩-૪ કલાક મેં જે લેખ બનાવવા માટે ગાળ્યા હતા, જે લેખ આખો તૈયાર થઇ ગયો હતો એ અચાનક જ નષ્ટ થઇ ગયો.
વાત એમ છે કે ગઈકાલે સાંજે હું એક ટોપી ઉપર વિચારી રહ્યો હતો અને એ જ ટોપિક ઉપર મેં રીસર્ચ કરીને ૪-૫ પાનાંનું લખાણ લખ્યું. મારી આદત છે કે હમેશા મારું લખાણ લેપટોપમાં જ લખું છું. ગઈ કાલે એ જ કરી રહ્યો હતો. લખતા લખતા મારું ધ્યાન મારા લેપટોપની બેટરી સામે ગયું જ નહિ , જ્યારે લેખ લખાઈ ગયો ત્યારે ધ્યાન ગયું તો ખબર પડી કે બેટરી તો ઓલમોસ્ટ ખતમ ગઈ છે (કહેવાય છે ને કે એક કામમાં તમે જો ગળાડૂબ ખોવાઈ જાઓ તો આજુબાજુ શું થઇ રહ્યું છે એની ખબર ના પડે.)
મને થયું કે પહેલા જ સેવ કરી નાખું નહીતર બધી મહેનત પાણી માં જશે. "" હું પ્રેસ કરવા ગયો એની પહેલા જ લેપટોપની આંખો બંધ થઇ ગઈ! અને મારી આંખો ખુલ્લી રહી ગઈ! આને કહેવાય 'કલર' થઇ ગયો.(અને અહી બેટરી ચાર્જ કરવાનો મતલબ ન હતો કારણકે હું એક કેફેમાં બેઠો હતો અને ડેટા તો નાશ પામી ચુક્યો હતો)
અફસોસ અને થોડા ગુસ્સ્સાની લાગણી સાથે મેં લેપટોપ બંધ કર્યું, છતાં મનને ચેન ના પડયું એટલે થયું કે જેટલું યાદ છે એટલું તો ડાયરી ઉપર ટપકાવું, કેટલું લખાય એ સાચું, પછી જોયું જશે.
એમ કરતા કરતા એ જ ટોપિક ઉપર એક અલગ લેખ લખાઈ ગયો, હા એમ ના કહી શકાય કે એ લેખ પહેલા લખેલા લેખ કરતા ઘણો સારો હતો પણ નવો લેખ કઈક નવા વિચારો સાથે હતો.

હવે આ જ અનુભવને માનવની નજરે.જોઈએ:
મારી મહેનત પાણીમાં જતી રહી , મારો કેટલો સમય વેડફાઈ ગયો વગેરે વગેરે.. જો આવા જ વિચારો કરીને મેં મૂડ બગાડી નાખ્યો હોત અને જો હું કેફેથી નીકળી ગયો હોત તો મને એક અલગ લેખ ના મળ્યો હોત.
જીવનનું પણ એવું જ છે, આપણી સાથે ઘણી વખત એવું બને છે આપણે કોઈ કામ પાછળ સખત્ત મહેનત કરી હોય અને એ કામ સંપૂર્ણ રીતે કર્યું પણ હોય , અચાનક એ જ કામ નિષ્ફળ થઇ જાય અથવા તો એનું રીઝલ્ટ આપણને ૧%પણ ના મળ્યું હોય ત્યારે નિરાશા અને ગુસ્સાની લાગણી ફરતી રહે છે અને પછી કદાચ એજ કામ ફરીથી એજ કામ કરવાની ઈચ્છા જ ના થાય. પણ ...
પણ જો એ જ સમયે આપણે એમ સમજદારી રાખીએ કે જે નષ્ટ થઇ ગયું છે કે જેનું રીઝલ્ટ નથી મળ્યું એ પાછું તો નથી આવવાનું તો એને ફરીથી કરવાનો એક પ્રયાસ કરી જોઈએ. કદાચ કંઇક નવું પ્રાપ્ત થાય.
જે વિચારો કે જે રચના કે જે પણ કામ આપે કર્યું હોય એની નિષ્ફળતા બાદ જયારે ફરીથી એ જ કામ કરવામાં આવે છે ત્યારે એમાં નવા વિચારોનો ઉમેરો થાય છે જે ચોક્કસથી તમને કંઇક નવી રચના કે નવી સફળતા અપાવે છે.
"I KEPT ON WRITING, KEPT ON DIGGING MY THOUGHTS & GOT NEW DIAMOND.! :)"
SAME HAPPENS WITH LIFE, KEEP ON WORKING EVEN OF YOU LOOSE 'EVERYTHING'. IF YOU LOOSE HOPE, YOU WON'T LOOSE MUCH BUT IF YOU KEEP HOPES & KEEP ON WORKING, YOU'LL GAIN THE DIAMOND OF YOU STRUGGLE :)(અને હા, આજના આ માનવ અનુભવ સાથે સાથે માનવનો લેખ શેર કરી રહ્યો છું, જે નેક્સ્ટ પોસ્ટમાં આપ વાંચી શકો છો. :))

Friday, November 18, 2011

૪ રસ્તે મળી એક નવી દોસ્ત!

મુળ હું વાત કરી રહ્યો છું I.I.M ૪ રસ્તા ની!
મારે એ રસ્તા પર લગભગ રાજે આવવા જવાનું હોય અને એ ચાર રસ્તા પર લગભગ ઉભા જ રહેવાનું હોય! 
આપણે ટ્રાફિકના નિયમો નું પાલન કરીએ ને!!!!
ઘણી બધી મુવીઝમાં તમે જોયું જ હશે કે ચાર રસ્તા પર જેવા વાહનો આવે એટલે નાના નાના બાળકો અને થોડા યુવાન અને વૃદ્ધ ગરીબો આવી જાય અને આપણા વાહનો ની નજીક આવી જાય અને ભીખ માંગતા જાય! 
"ભીખ" શબ્દ આમ તો ખોટો જ છે પણ "સમજણ" માટે વાપરવો પડે!
જ્યારે આ દરિદ્રો આપણી નજીક આવે આપણા વાહનો ને અડે આપણને અડે એ ના જ ગમે એ સ્વાભાવિક છે.
એટલે આપણે એમને હડસેલી દઈએ અને ક્યારેક ગાળો પણ બોલી દઈએ છીએ!
ખરું ને!
ક્યાંક ને ક્યાંક એમાં હું પણ આવી ગયો!
આવો જ રોજીંદો અનુભવ મને બે જ દિવસ પહેલા થયો.
હું ૪ રસ્તા આગળ ટ્રાફિકમાં ઉભો અને એક છોકરી , લગભગ ૭ કે ૮ વર્ષ ની હશે , એ આવી અને કહે " સાહેબ ૫ રૂપિયા આપો ને!"
મુડ ઓલ્વેઝ સારો જ હોય છે એટલે મસ્ત સ્માઈલ સાથે પૂછ્યું "તારે પૈસા કેમ જોઈએ છે? હું તને બિસ્કીટ અપાવી દઉં."
સામે કોઈજ જવાબ નહિ!
કોઈ દરિદ્ર ને તમે પૈસા માંગવાનું કારણ પૂછો તો એ શું જવાબ આપી શકવાનો?
પણ આ તો એક નાની છોકરી હતી એટલે પૂછી જ લીધું!
પછી મેં એને પૂછ્યું કે "તારું નામ શું છે?"
"મંજુલા"
"મંજુલા, તું ક્યાં રહે છે?"
"પેલી મોટી કોલેજ છે ને iim, એની બહાર ચાલી માં!"
"તું ભણે છે?"
"હા, અમારી સામે એક સ્કુલ છે એમાં."
"સરસ. તો પછી કેમ માંગવા આવે છે અહી?"
કોઈ જ જવાબ નહિ.
"મંજુલા, ચાલ મને એમ કહે તું આખો દિવસ શું કરે?
"સાહેબ સવારે ઉઠી ને બ્રહ કરી ને સ્કુલે જવાનું પછી સાંજે પાછા આવીને અહિયાં "કામ" કરવાનું!"
"તું ક્યાય રમવા નથી જતી?"
કોઈ જ જવાબ નહિ.
"મંજુલા તારે ભણી ગણી ને આગળ નથી વધવાનું?"
"વધવું છે ને સાહેબ"
"પહેલી વાત! મને સાહેબ નહિ કહેવાનું. બીજી વાત આજ પછી ભીખ નહિ માંગવાની. કંઈક શીખવાનું પણ ભીખ નહિ માંગવાની. તારી સ્કુલ માં ટીચર ને પૂછવાનું. પણ ભીખ નહિ માંગવાની. મને પ્રોમિસ આપ કે તું હવે થી ભીખ નહિ માંગે."
થોડા ટાઇમ સુધી તો જોતી જ રહી.
"બોલ પ્રોમિસ આપીશ મને?"
એ જ સમયે પાછળ થી હોર્ન ના અવાજો શરુ થઇ ગયા. મને ખ્યાલ આવ્યો કે સિગ્નલ તો ઓન થઇ ગયું છે.
પણ હું ત્યાં જ ઉભો રહ્યો. અને ત્યારે જ ૭ કે ૮ વર્ષ ની મંજુલા એ મારા હાથ માં હાથ મૂકી ને કહ્યું "પ્રોમિસ સાહેબ. ઓહ શોરી શોરી! પ્રોમિસ ભાઈ"

બસ ત્યારે જ હું ત્યાંથી નીકળ્યો. એક મસ્ત અને સંતુષ્ટ સ્મિત સાથે.

આ જ વાત માનવ ની નજરે:
મંજુલા જેવા અનેક ગરીબ બાળકો આજે તમને ૪ રસ્તા પર મળતા હશે અને તમે એને અચૂક ધિક્કારતા પણ હશો.
જયારે પણ આવા ગરીબ બાળકો તમારી પાસે આવે અને માંગવાનું કે તમને "હેરાન" કરવાનું શરુ કરે ત્યારે એક સ્મિત સાથે અથવા તો શાંતિ થી એમની સાથે વાતો કરવાનું શરુ કરજો.
કદાચ તમને તમારું સ્ટેટસ નડશે.
પણ એને ૨ કે ૩ મિનીટ માટે ભૂલવાનો પ્રયાસ કરજો. બહુ સહેલું કામ છે.
અને એમની જોડે થોડી વાતો કરજો.
બહુ મજા આવશે.
કારણકે હડસેલ્વામાં તો આપણને મજા નથી જ આવતી એ પણ સત્ય છે તો પછી વાતો કરી ને દુનિયા ના આ ધુમાડા માંથી થોડી શાંતિ લઈએ અને આપીએ તો કેવું?
જરા શાંતિ થી વિચારજો.
તમને પણ કોઈ ૪ રસ્તે મળી જશે મસ્ત અને સંતુષ્ટ સ્માઈલ
કીપ મુસ્કુરાના & ટ્રાય ટુ કીપ સમ૧ મુસ્કુરાના :-).

Tuesday, November 15, 2011

આજે એક વાર્તા કહું...

.એક છોકરાની વાત છે. થોડું ભૂતકાળમાં લઇ જઈને વાત કરીશ એટલે વધારે મજા પડશે. 
જન્મ્યો ત્યારે એકદમ સુકલકડી, જાણે આખી ચામડી જ તરડાયેલી. વજન તો માંડ ૨ કિલો.
બાકી કોઇજ વાંધો નહિ.
થોડો મોટો થયો. છતાં શરીર વળે જ નહિ. થોડા સમય માટે શરીરમાં તંદુરસ્ત થયો પણ બળતણીયા સ્વભાવને લીધે બધું બળી જતું.
સ્કુલમાં પ્રવેશ કર્યો. પહલે નર્સરી, જુનિયર કેજી પછી સીનીયર કેજી હતું. જે હજુ પણ ઘણી શાળાઓમાં છે. પણ આ બાળકને નર્સરીમાંથી એક કૂદકો મારીને શરૂઆત કરી જુનિયર કેજીમાં. જાણેકે બેઝીક ભણવા માટે એ છોકરો રચાયો જ ના હતો. શાળામાં શિક્ષકોને ઘણો વહાલો કારણકે દેખાવથી ઘણો ક્યુટ. પણ ભણવામાં ? વાતજ ના પૂછો. કંઈજ ટપ્પો ના પડે. અને ૬ લખતા તો એને દમ વળી જાય. લગભગ સીનીયર કેજી થી એને ઘરે ટ્યુશન માટે ટીચર્સ બોલવવા પડ્યા પણ તોય કંઈજ ના થયું. શાળાના ટીચરને ટ્યુશન માટે બોલાયા પણ છોકરો તો "ઢ" જ રહ્યો. જેમતેમ કરીને ૧,૨,૩,૪,પાસ કર્યું એ પણ શાળાના શિક્ષકોની દયાથી.
ધોરણ-૫ ની વાત છે એક વિષયમાં નાપાસ થયો. ઘરમાં તો જાણે તોફાન મચી ગયું. ભણવા પાછળ આટ-આટલા ખર્ચાઓ કર્યા, ટ્યુશન કર્યા પણ તોય કંઈજ ખબર ના પડે. બધું માથાની ઉપરથી જ જાય. બીજું કામ એના શિક્ષકોએ કર્યું. આખા ક્લાસમાં બધાની સામે એને વખોડવો, વઢી નાખવો અને ક્યારેક મારવો એ તો બધું એના મતે રોજિંદુ જ બની ગયું . સ્કુલમાં જે પણ લેસન કરવાનું હોય એ કરવું ના ગમે, કારણકે સ્કુલમાં બધી વાતમાં હા એ હા કરવાની પણ અંદર કેટલું ગયું એ તો ખુદ પણ ના જાણે. સ્કુલેથી આવવાનું કપડા બદલ્યા વગર ટીવી ની સામે બેસીને કાર્ટુન જોયે રાખવાનું.
ધોરણ -૭માં આવ્યો. છતાં ભણવામાં ઢંગધડા જ ના આવ્યા. લેસન કરવું ગમે નહિ , એક દિવસ એ છોકરો ગણિતનું ઘરકામ કરવાનું ભૂલી ગયો. અને એના ટીચર તો ખતરનાક ગુસ્સા વાળા. ભાઈએ અંદરથી એક બુક કાઢી અને લખી રજાચીઠી. એ પણ મમ્મીના અક્ષરોમાં, મમ્મીની સાઈન સાથે. (કેવું નહિ? ભણવામાં ઢંગધડા નહિ પણ મમ્મીની સાઈન કરવામાં એક્સપર્ટ!) ભાઈએ ઓફિશિયલી બંક માર્યો. હસતા હસતા સ્કુલમાંથી તો નીકળી ગયા પણ હવે જઈશું ક્યા?
બંને પગને આપી તાકાત અને બધી ગલીઓમાં ફરવાનું શરુ કર્યું, અમુક મંદિરમાં બેઠા, અજાણી જગ્યાઓએ ફરી આવ્યા, પૈસા તો હતા નહિ એટલે બસમાં બેસવાનું જોખમ કરાય નહિ. એટલે ખાલીખમ પેટે અને પૈસે બસસ્ટેડ ઉપર આવતી જતી બધી બસને નિહાળવાની અને બધી બસમાંથી આવતા લોકોને જોયે રાખવું. લગભગ ૨ કલાક પસાર થઇ ગયા પણ ઘરે જઈ શકાય એટલો સમય તો ન'તો થયો. જેમતેમ કરીને બીજી જગ્યાએ ફર્યું અને ચાલતા ચાલતા ઘરે પહોચ્યા અને પછી તૈયાર થઈને ટ્યુશન માટે નીકળી ગયા. રાત્રે પાછા આવ્યા ત્યારે સ્કુલ રીક્ષાવાળા કાકા ઘરે હતા અને એના પપ્પા જોરદાર ગુસ્સામાં.
બહુ પૂછ્યા પછી ભાઈએ કીધું કે આવી રીતે ચીઠી લખી અને બહાર ફર્યા હતા અને લેસન ન'તું કર્યું. ભાઈને મસ્ત માર પડ્યો. પછીતો જેમતેમ કરીને કોપી મારીને લેસન પતાવવાનું શરુ કર્યું અને રેગ્યુલર થયા. છતાં ઘરમાં એક અલગ સવાલ બધાના મન માં ફરી રહ્યો હતો "આ ભાઈને કોઈ 'પ્રોબ્લેમ'તો નથી ને?"
એમ વિચારીને સ્પેશિયલ કિડ્સના સેન્ટરમાં પણ લઇ ગયા. ત્યાં એ છોકરાના માતા-પિતાને એમ કહેવામાં આવ્યું કે "તમારું બાળક આમ નોર્મલ છે પણ હા, થોડો પ્રોબ્લેમ તો છે જ, કારણકે એને લખતા વાંચતા લોચા થાય છે સાથે સાથે બહુ વધારે પાડતો જીદ્દી છે. તમે એક કામ કરો પહેલાતો એની બધી જીદ પૂરી કરવાનું બંધ કરો અને એને કોઈ હોસ્ટેલમાં મૂકી દો છોકરો આપોઆપ સીધો થઇ જશે"
છોકરાના માતા-પીતા ચિંતા સાથે ઘરે આવ્યા અને આખી રાત વિચારતા રહ્યા કે આખરે કરવું શું? છેવટે એક હોસ્ટેલમાં જવાનું વિચાર્યું હતું પણ છેલ્લી ઘડીએ એમને શું સુજ્યું એમણે હોસ્ટેલનું કેન્સલ કર્યું.
સમય પસાર થતો ગયો. છોકરો ૮મા ધોરણમાં આવ્યો. એના ટ્યુશન કલાસીસ બદલ્યા. જ્ઞાન ટીચર સખત કડક. એક નાનકડી ભૂલ નજરમાં આવી નથી કે બીજી સેકન્ડે પેલા છોકરાના ગાલ ઉપર ૫ આંગળા પડ્યા નથી. છતાં ભણવામાં એટલો પ્રોગ્રેસ ન'તો થઇ રહ્યો. એના ટીચર જાણતા હતા કે છોકરાને કંઇક તો પ્રોબ્લેમ છે પણ બહાર નથી આવી રહ્યું.
છેવટે એમણે થાકીને એ છોકરાને એમના કલાસીસના બીજા સર પાસે મોકલ્યો જે હતા એકદમ ગરમ મિજાજના પણ છોકરાને સમજવામાં એમણે જરા પણ થાપ ના ખાધી. એમને પણ લાગ્યું કે છોકરામાં કંઇક પ્રોબ્લેમ છે , એમણે ધરપત રાખીને છોકરાને ભણાવવાનું શરુ કર્યું, અને એને પ્રોત્સાહિત કરીને એનામાં રહેલી ખરેખરી ક્ષમતાઓ બહાર આવવા લાગી , હા, જ્યારે જ્યારે એને મેથીપાકની જરુર લાગે ત્યારે એનો સ્વાદ પણ આપતા હતા.
ધીમે ધીમે એ છોકરો દરેક વિષયમાં આગળ આવ્યો અને અંગ્રેજી વિષય અને ગુજરાતી વિષયના સરનો એ સૌથી પ્રિય બની ગયો.
સમયનું ઘોડાપુર થોડું આગળ ચાલ્યું છોકરો ૧૦મા ધોરણમાં આવ્યો.
બોર્ડ માં આવ્યો ! ઓહોહોહો! ઘરમાં તો જાણે જોરદાર માહોલ પણ સાથે સાથે એની મહેનતને જોઈને સૌ ખુશ હતા. ફાઈનલ એક્ઝામમાં એને બધા વિષયોમાં એને ૯૦+ માર્ક્સ હતા. ગુજરાતી અને અંગ્રેજીમાં પણ. (થોડા ફ્લેશબેકમાં જઈએ? એ છોકરાને લખવા વાંચવામાં તકલીફ પડતી હતી, સ્કુલમાં એ ડોબો છોકરો તરીકે ઓળખાતો હતો, ભણવામાં "ઢ", બંક માર્યો હતો.... અને અત્યારે? કદાચ એની અંદર છુપાયેલું વ્યક્તિત્વ બહાર આવી ચૂક્યું હતું? ના હજુ આખી વાત પૂરી નથી થઇ. આગળ વાંચો.)
સારા ટકા આવ્યા, કોમર્સ લીધું ૧૨મા ધોરણમાં પણ સારા ટકા આવ્યા,
ભાઈ કોલેજમાં આવ્યા , દરેક ઈતર પ્રવૃતિમાં અવ્વલ, કોલેજના પ્રોફેસરના દરેક સવાલનો સૌથી પહેલા જવાબ આપવામાં પણ અવ્વલ અને આખી કોલેજમાં બધાનો ચહિતો.
છેવટે એણે એક નવું કામ શરુ કર્યું કંઇક લખવાનું જેને એણે નામ આપ્યું :

"માનવની નજરે." :)

Saturday, November 12, 2011

જિવ=જિવ=સંબંધી.

આજે થોડી નવી વાત.
હું મારા દોસ્તો સાથે જઈ રહ્યો હતો અને રસ્તા માં થોડા માણસોની ભીડ જોઈ . 
ત્યાં જઈ ને જોયું તો એક વાંદરા નું બચ્ચું રસ્તા માં લોહીલુહાણ હાલત માં પડ્યું હતું.
આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા.
બીજી બાજુ એને જોઈને મારા દોસ્તોને થોડી સુગ ચઢી એટલે રસ્તામાં મોઢું થોડું બગાડીને વાહન આગળ ભગાયું. આમાં મારા મિત્રનો પણ વાંક નથી. એ સ્વાભાવિક છે
આવું મેં હમેશા જોયું છે કે જયારે પણ કોઈ કુતરું કે કોઈ પ્રાણી ઘાયલ હાલતમાં રસ્તામાં પડ્યું હોય તો મોટા ભાગના લોકો મોઢું બગાડીને કે ચીતરી ચઢી હોય એમ ચાલ્યા જાય છે.
એ સ્વાભાવિક છે કે આવી હાલત જોવી ગમે જ નહિ. અને એ પણ એક પ્રાણીની. તો તો જરા પણ નહિ.
એ સમયે આપણે એને એક તુચ્છ જિવની કે એક પ્રાણીની નજરે જોઈશું.
એ પણ એક સ્વાભાવિક વાત છે.

મારું ધ્યાન એ વાંદરાના બચ્ચા પર ગયું એટલે શરૂઆતની ક્ષણે તો હું પણ મારા દોસ્તોની જેમ આગળ જવા લાગ્યો નાક ટીચકું કરીને.(!)
એ તો સ્વાભાવિક જ છેને.. આવું જોવું આપણને ના ગમે. એટલે આપણે તો ચાલ્યા આગળ.
પણ ત્યારે જ મને એક વિચાર આવ્યો કે આવું તો બધા લોકો કરતા હોય છે.
હું પણ કેમ એ જ લોકો જેવો બનું.
આ માનવમાં પણ થોડી માનવતા રહેલી છે, એને દેખાડવાનો એક પ્રયાસ તો કરી જોઉં.
એટલે કંઈજ વિચાર્યા વગર હું પાછો વાળ્યો અને ત્યાં જઈ ને જોયું.
ત્યાં જ મારા મનમાં એક ઘટના સર્જાઈ.
હું પોતાની જ જાતને હિંમત આપતો રહ્યો "જરા પણ મોઢું ફેરવતો નહિ. ચીતરી ચઢે તો પણ મન કાઠું કરીને એને એક વખત જોવાનો પ્રયાસ કરજે."
આ જ વાતો મારા મનમાં જોર જોર થી બોલતો રહ્યો અને ત્યાં પહોચ્યો.
ત્યાં જોયું તો વાંદરાનું બચ્ચું એક મુડદાની જેમ પડતું હતું.
એની હાલત અહી વર્ણવા જેવી જ નથી.કારણકે એના શરીરમાંથી ચારે બાજુ લોહીની ધારો નીકળતી હતી.
ત્યાં જ ઉભા રહેલા એક રિક્ષાવાળાએ એની બોટલ માંથી એના શરીર પર થોડું પાણી રેડ્યું.
થોડું હલનચલન થયું એટલે લાગ્યું કે હજુ જિવ તો છે.
એટલે તરત જ એનિમલ હેલ્પલાઈન માં ફોન કર્યો પણ.. નંબર બંધ હતો.
આપણા જીવન માં અમુક એવી પળો આવે જ છે જેમાં આપણને જે સમયે જે વ્યક્તિ, વસ્તુ ની જરૂર હોય એ ના જ હોય.
એ સમયે આપણે થોડા હતાશ અને નિરાશ થઇ જઈએ છે, કદાચ પીછેહટ પણ કરીએ.
અને આ ઘટના માં પીછેહટ કરવાની ઈચ્છા પણ થઇ હતી એ પણ હું સ્વીકારું છું.
મારા મન માં કઈક આવું યુદ્ધ ચાલવા લાગ્યું.
(એક બાજુ:"ચલ ને યાર જઈએ. એમજે એના માં વધારે જિવ નથી રહ્યો અને નંબર પણ બંધ છે. ત્યાં બધા રાહ પણ જોઈ ત્યાં છે. ")
(બીજી બાજુ:"ના ના યાર હજુ જિવ છે. એક ટ્રાય તો કરી જોઈએ.")
એક અજીબ પ્રકારનું દ્વન્દ્વ યુદ્ધ થયું.
પણ ત્યાજ મને યાદ આવ્યું કે એનિમલ હેલ્પ લાઈન હોસ્પિટલ(જીવદયા) તો અહી પાસે જ છે.
તરત જ બાઈક ચાલુ કરીને ભાગ્યો ત્યાં.
મન માં પાછા "પીછે હટ" ના અને "માનવતા"ના વિચારોનું દ્વન્દ્વ યુદ્ધ ચાલવા લાગ્યું.
પણ મન તો કાઠું હતું.
ત્યાં પહોચ્યો અને એનિમલ ડોક્ટર ને આખી વાત હાંફતા હાંફતા કહી. (બાઈક પર આવ્યો હતો છતાં!!!)
ડોક્ટર તરતજ સમજી ગયો અને એની સાથે એક માણસ લઈને મારી જોડે આવ્યો.
અમે એ જગ્યા એ પહોચ્યા.
ડોક્ટર એ એને ઉપાડ્યું અને તપાસ્યું.
પણ...
અમે થોડી સેકન્ડ્સ મોડા પડ્યા એવું કહેવાય.
'પંખીડા ને આ પીંજરું જુનું જુનું લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પીંજરું માંગે.'
એમ આ જિવ પણ નવા પિંજારામાં જવા માટે શરીર છોડી ચુક્યું હતું.
જ્યારે ડોક્ટર એ એને મૃત જાહેર કર્યું ત્યારે અજીબ અફસોસ અને અલગ અનુભવ થયો.
મુવીઝ માં જ્યારે આવું જ દ્રશ્ય આવે છે કે કોઈ આપ્તજન હોસ્પિટલ માં એડમીટ હોય અને એને મૃત જાહેર કરે ત્યારે કઈ ખાસ ફિલ નથી થતું કારણકે આપણને ખબર જ છે કે એ માત્ર એક મુવી છે.
પણ એ ભૂલી જઈએ છે કે એ પણ કોઈનું કલ્પનાજીવન જ છે.
બસ એ જ વાત નું ત્યારે ભાન થયું. બરાબર એવું જ જ્યારે આપણે સ્મશાનગૃહમાં અનુભવતા હોઈએ છીએ.(ક્યારેક આપણે પણ આવી જ રીતે ચાલ્યા જ જવાનું છે)
પણ એ જ અજીબ અનુભવ સાથે એક વાત ની ખુશી પણ થઇ. અને એ ખુશી હવે માનવની નજરે જોઈએ ...

માનવ ની નજરે:

વાંદરાના બચ્ચાને અથવા તો એ જિવ ને બચાવવા માટે મેં જે પણ ભાગદોડી કરી, પોતાના રેગ્યુલર જીવન માં થી યુદ્ધ લડીને બહાર આવીને જે પણ પ્રયત્નો કર્યા એમાં ભલે ને હું એ જિવ ને ના બચાવી ના શક્યો. પણ મેં એ જિવ ને રસ્તે રખડતું ના મુક્યું.
જો એમ નું એમ મૂકી દીધું હોત તો એની ઉપર કેટકેટલાય વાહનો ચાલી ગયા હોત અને એ મૃત શરીરની કઈ હાલત થઇ હોત એ આપણને જ ખબર છે.
વાંદરા ની માં એમાં કંઈજ ના કરી શકી હોત. કારણકે એનામાં માતૃત્વ સમાયેલું છે પણ બુદ્ધિ નહિ.
આપણને , "માનવીઓને" ભગવાને ભાવનાઓ અને સમજણ બંને આપ્યા છે.
તો આપણે એ બુદ્ધિ અને સમજણ નો આવો ઉપયોગ કેમ ના કરીએ.
વ્યાવ્હારુ રીતે જોવા જાઓ તો આ વાત થોડી ના પણ માની શકાય.
આપણે હવે બીઝી અને સ્ટેટસ વાળા થઇ ગયાને!
આપણે શું કામ એ જાનવરને જોઈએ?.
એ કચડાઈ ગયો તો આપણે કેટલા?
હવે આ જ વાતમાં સમજદાર અને સ્ટેટસવાળા માણસનું મહોરું કાઢીને એક માનવની નજરે આ વાત જુઓ.
તમારું કોઈ "સંબંધી" આવી હાલતમાં પડ્યું હોત તો શું તમે મોઢું બગાડીને કે જોવાની દરકાર કર્યા વગર ચાલ્યા ગયા હોત?
તમે પણ એક જિવ અને એ પણ એક જિવ.
જિવ=જિવ=સંબંધી.
હવે તમે આ સંબંધીને રસ્તે જ પડ્યું રહેવા દીધું હોત કે એને બચાવવાના પ્રયત્નો કર્યા હોત?
હવે તમને જે પણ જવાબ મળે એ તમારી માનવતા નું સ્તર.

Thursday, November 10, 2011

હેપ્પી દેવ દિવાળી અને गुरु नानक जयंतीदी लख लख वधाइयु ... :)

આજે છે પૂનમ.
દેવદિવાળી.
ગુરુનાનક જયંતી/ગુરપૂરબ.
ઇન શોર્ટ મજ્જાનો પવિત્ર દિવસ. જીવનમાં ઘણા દિવસો આવે છે જે આજની જેમ પવિત્ર હોય છે. આવા દિવસે આપણા પ્રિય મિત્ર "ભગ્ગું" સાથે વાતચીત કરવાનો મોકો ચૂકવાનો નહિ. એમને મળી આવવાનું.
માનવની વાત કરું તો આજે કૃષ્ણજીને પણ મળવાનું અને ગુરુ નાનકજીને પણ મળવાનું. આપણામાંથી ઘણા લોકો માત્ર મંદિર, માત્ર દેરાસર કે માત્ર ચર્ચમાં જતા હોય છે, હું એમ નથી કહી રહ્યો કે એ ખોટું કરી રહ્યા છે. સારું જ છે. પણ જયારે બીજા ધર્મને થોડું અજુકતું કરવામાં આવે ત્યારે ખોટું છે. અને એ બાબતે ભગ્ગુંની કૃપા હમેશા માનવ ઉપર હમેશા રહી છે.
દરેક ધર્મના પૂજા સ્થાનકોમાં હું જઉં છું(માત્ર મસ્જીદમાં જવાનું બાકી છે જે હું ટૂંક સમયમાં જઈશ). દરેક ધર્મ વિશે જાણવાની ઈચ્છા અને એમાં કંઇક સારું પ્રાપ્ત કરવાની મજા જ કઈ અલગ છે. કારણકે એમાજ સાચો "માનવધર્મ" રહેલો છે.
હવે આજની જ વાત કરું...
આજે ગુરુદ્વારામાં જવાનું, વિધિવત બાબાજીને અને બાબાગ્રંથ સાહેબને નમવાનું અને થોડી ઘણી ફરમાઈશો કરીને આવવાનું ;)
પછી ઇસ્કોન મંદિર જઈને કૃષ્ણમય થઇ જવાનું. :) એમાં પણ એક અલગ આનંદ છે.
ભગ્ગું હમેશા આપણને આનંદ આપવા તૈયાર હોય છે, બસ આપણે એ તરફ જોવાની જરૂર છે.
આજે એક કામ કરજો. આપના ઘરની આજુબાજુ ગુરુદ્વારા તો હશે જ, ત્યાં આજે જતા આવજો. થોડી ભીડમાં ભીડાવવું પડે તો પણ જજો. એક અલગ શાંતિનો અનુભવ થશે. પછી મારા કાન્હાને પણ મળતા આવજો. :) આજનો દિવસ માનવની નજરે.ઉજવીએ.
હેપ્પી દેવ દિવાળી અને गुरु नानक जयंतीदी लख लख वधाइयु ... :)
કીપ મુસ્કુરાના :)