Tuesday, November 15, 2011

આજે એક વાર્તા કહું...

.એક છોકરાની વાત છે. થોડું ભૂતકાળમાં લઇ જઈને વાત કરીશ એટલે વધારે મજા પડશે. 
જન્મ્યો ત્યારે એકદમ સુકલકડી, જાણે આખી ચામડી જ તરડાયેલી. વજન તો માંડ ૨ કિલો.
બાકી કોઇજ વાંધો નહિ.
થોડો મોટો થયો. છતાં શરીર વળે જ નહિ. થોડા સમય માટે શરીરમાં તંદુરસ્ત થયો પણ બળતણીયા સ્વભાવને લીધે બધું બળી જતું.
સ્કુલમાં પ્રવેશ કર્યો. પહલે નર્સરી, જુનિયર કેજી પછી સીનીયર કેજી હતું. જે હજુ પણ ઘણી શાળાઓમાં છે. પણ આ બાળકને નર્સરીમાંથી એક કૂદકો મારીને શરૂઆત કરી જુનિયર કેજીમાં. જાણેકે બેઝીક ભણવા માટે એ છોકરો રચાયો જ ના હતો. શાળામાં શિક્ષકોને ઘણો વહાલો કારણકે દેખાવથી ઘણો ક્યુટ. પણ ભણવામાં ? વાતજ ના પૂછો. કંઈજ ટપ્પો ના પડે. અને ૬ લખતા તો એને દમ વળી જાય. લગભગ સીનીયર કેજી થી એને ઘરે ટ્યુશન માટે ટીચર્સ બોલવવા પડ્યા પણ તોય કંઈજ ના થયું. શાળાના ટીચરને ટ્યુશન માટે બોલાયા પણ છોકરો તો "ઢ" જ રહ્યો. જેમતેમ કરીને ૧,૨,૩,૪,પાસ કર્યું એ પણ શાળાના શિક્ષકોની દયાથી.
ધોરણ-૫ ની વાત છે એક વિષયમાં નાપાસ થયો. ઘરમાં તો જાણે તોફાન મચી ગયું. ભણવા પાછળ આટ-આટલા ખર્ચાઓ કર્યા, ટ્યુશન કર્યા પણ તોય કંઈજ ખબર ના પડે. બધું માથાની ઉપરથી જ જાય. બીજું કામ એના શિક્ષકોએ કર્યું. આખા ક્લાસમાં બધાની સામે એને વખોડવો, વઢી નાખવો અને ક્યારેક મારવો એ તો બધું એના મતે રોજિંદુ જ બની ગયું . સ્કુલમાં જે પણ લેસન કરવાનું હોય એ કરવું ના ગમે, કારણકે સ્કુલમાં બધી વાતમાં હા એ હા કરવાની પણ અંદર કેટલું ગયું એ તો ખુદ પણ ના જાણે. સ્કુલેથી આવવાનું કપડા બદલ્યા વગર ટીવી ની સામે બેસીને કાર્ટુન જોયે રાખવાનું.
ધોરણ -૭માં આવ્યો. છતાં ભણવામાં ઢંગધડા જ ના આવ્યા. લેસન કરવું ગમે નહિ , એક દિવસ એ છોકરો ગણિતનું ઘરકામ કરવાનું ભૂલી ગયો. અને એના ટીચર તો ખતરનાક ગુસ્સા વાળા. ભાઈએ અંદરથી એક બુક કાઢી અને લખી રજાચીઠી. એ પણ મમ્મીના અક્ષરોમાં, મમ્મીની સાઈન સાથે. (કેવું નહિ? ભણવામાં ઢંગધડા નહિ પણ મમ્મીની સાઈન કરવામાં એક્સપર્ટ!) ભાઈએ ઓફિશિયલી બંક માર્યો. હસતા હસતા સ્કુલમાંથી તો નીકળી ગયા પણ હવે જઈશું ક્યા?
બંને પગને આપી તાકાત અને બધી ગલીઓમાં ફરવાનું શરુ કર્યું, અમુક મંદિરમાં બેઠા, અજાણી જગ્યાઓએ ફરી આવ્યા, પૈસા તો હતા નહિ એટલે બસમાં બેસવાનું જોખમ કરાય નહિ. એટલે ખાલીખમ પેટે અને પૈસે બસસ્ટેડ ઉપર આવતી જતી બધી બસને નિહાળવાની અને બધી બસમાંથી આવતા લોકોને જોયે રાખવું. લગભગ ૨ કલાક પસાર થઇ ગયા પણ ઘરે જઈ શકાય એટલો સમય તો ન'તો થયો. જેમતેમ કરીને બીજી જગ્યાએ ફર્યું અને ચાલતા ચાલતા ઘરે પહોચ્યા અને પછી તૈયાર થઈને ટ્યુશન માટે નીકળી ગયા. રાત્રે પાછા આવ્યા ત્યારે સ્કુલ રીક્ષાવાળા કાકા ઘરે હતા અને એના પપ્પા જોરદાર ગુસ્સામાં.
બહુ પૂછ્યા પછી ભાઈએ કીધું કે આવી રીતે ચીઠી લખી અને બહાર ફર્યા હતા અને લેસન ન'તું કર્યું. ભાઈને મસ્ત માર પડ્યો. પછીતો જેમતેમ કરીને કોપી મારીને લેસન પતાવવાનું શરુ કર્યું અને રેગ્યુલર થયા. છતાં ઘરમાં એક અલગ સવાલ બધાના મન માં ફરી રહ્યો હતો "આ ભાઈને કોઈ 'પ્રોબ્લેમ'તો નથી ને?"
એમ વિચારીને સ્પેશિયલ કિડ્સના સેન્ટરમાં પણ લઇ ગયા. ત્યાં એ છોકરાના માતા-પિતાને એમ કહેવામાં આવ્યું કે "તમારું બાળક આમ નોર્મલ છે પણ હા, થોડો પ્રોબ્લેમ તો છે જ, કારણકે એને લખતા વાંચતા લોચા થાય છે સાથે સાથે બહુ વધારે પાડતો જીદ્દી છે. તમે એક કામ કરો પહેલાતો એની બધી જીદ પૂરી કરવાનું બંધ કરો અને એને કોઈ હોસ્ટેલમાં મૂકી દો છોકરો આપોઆપ સીધો થઇ જશે"
છોકરાના માતા-પીતા ચિંતા સાથે ઘરે આવ્યા અને આખી રાત વિચારતા રહ્યા કે આખરે કરવું શું? છેવટે એક હોસ્ટેલમાં જવાનું વિચાર્યું હતું પણ છેલ્લી ઘડીએ એમને શું સુજ્યું એમણે હોસ્ટેલનું કેન્સલ કર્યું.
સમય પસાર થતો ગયો. છોકરો ૮મા ધોરણમાં આવ્યો. એના ટ્યુશન કલાસીસ બદલ્યા. જ્ઞાન ટીચર સખત કડક. એક નાનકડી ભૂલ નજરમાં આવી નથી કે બીજી સેકન્ડે પેલા છોકરાના ગાલ ઉપર ૫ આંગળા પડ્યા નથી. છતાં ભણવામાં એટલો પ્રોગ્રેસ ન'તો થઇ રહ્યો. એના ટીચર જાણતા હતા કે છોકરાને કંઇક તો પ્રોબ્લેમ છે પણ બહાર નથી આવી રહ્યું.
છેવટે એમણે થાકીને એ છોકરાને એમના કલાસીસના બીજા સર પાસે મોકલ્યો જે હતા એકદમ ગરમ મિજાજના પણ છોકરાને સમજવામાં એમણે જરા પણ થાપ ના ખાધી. એમને પણ લાગ્યું કે છોકરામાં કંઇક પ્રોબ્લેમ છે , એમણે ધરપત રાખીને છોકરાને ભણાવવાનું શરુ કર્યું, અને એને પ્રોત્સાહિત કરીને એનામાં રહેલી ખરેખરી ક્ષમતાઓ બહાર આવવા લાગી , હા, જ્યારે જ્યારે એને મેથીપાકની જરુર લાગે ત્યારે એનો સ્વાદ પણ આપતા હતા.
ધીમે ધીમે એ છોકરો દરેક વિષયમાં આગળ આવ્યો અને અંગ્રેજી વિષય અને ગુજરાતી વિષયના સરનો એ સૌથી પ્રિય બની ગયો.
સમયનું ઘોડાપુર થોડું આગળ ચાલ્યું છોકરો ૧૦મા ધોરણમાં આવ્યો.
બોર્ડ માં આવ્યો ! ઓહોહોહો! ઘરમાં તો જાણે જોરદાર માહોલ પણ સાથે સાથે એની મહેનતને જોઈને સૌ ખુશ હતા. ફાઈનલ એક્ઝામમાં એને બધા વિષયોમાં એને ૯૦+ માર્ક્સ હતા. ગુજરાતી અને અંગ્રેજીમાં પણ. (થોડા ફ્લેશબેકમાં જઈએ? એ છોકરાને લખવા વાંચવામાં તકલીફ પડતી હતી, સ્કુલમાં એ ડોબો છોકરો તરીકે ઓળખાતો હતો, ભણવામાં "ઢ", બંક માર્યો હતો.... અને અત્યારે? કદાચ એની અંદર છુપાયેલું વ્યક્તિત્વ બહાર આવી ચૂક્યું હતું? ના હજુ આખી વાત પૂરી નથી થઇ. આગળ વાંચો.)
સારા ટકા આવ્યા, કોમર્સ લીધું ૧૨મા ધોરણમાં પણ સારા ટકા આવ્યા,
ભાઈ કોલેજમાં આવ્યા , દરેક ઈતર પ્રવૃતિમાં અવ્વલ, કોલેજના પ્રોફેસરના દરેક સવાલનો સૌથી પહેલા જવાબ આપવામાં પણ અવ્વલ અને આખી કોલેજમાં બધાનો ચહિતો.
છેવટે એણે એક નવું કામ શરુ કર્યું કંઇક લખવાનું જેને એણે નામ આપ્યું :

"માનવની નજરે." :)

1 comment:

  1. awesome.
    i like it most now days its a common problem for all parents they never try to understand their child and also never try to behave friendly............
    nice story.......
    is it your real story???

    ReplyDelete