Monday, November 28, 2011

થેન્ક્યુ મમ્મી પપ્પા! લવ યુ બેટા!

કહેવાય છે ને કે જે લખેલું હોય એ તો થાય જ છે. આવું જ કાંઇક મારી સાથે પણ થયું.
ગઈકાલની વાત છે, હું એકદમ રવિવારની રજાના મૂડમાં હતો , બાઈક ઉપર લટાર મારવા નીકળી પડ્યો, સાથે લેપટોપ અને કેમેરો તો હોય જ. પણ જગ્યા આજે નક્કી ના હતી. ચલાવતા ચલાવતા વિચાર આવ્યો કે ચલો ને આજે મારા બચ્ચાઓ ને મળતો આવુ. એટલે વગર કોઈને કહ્યે હું પહોચ્યો ઓર્ફનેજમાં(શબ્દ માત્ર સમજદારી માટે).
બાઈક પાર્ક કર્યું અને અંદર ગયો તો અંદરથી સન્નાટો જ મળ્યો. રવિવારના દિવસે કોઇજ નહિ. અંદર જઈ ને જોયું તો બધું બંધ હતું. ત્યાના ચોકીદાર કાકા પાસે ગયો તો ખબર પડી કે આજે તો બહુ મોટો કાર્યક્રમ છે જેમાં અત્યાર સુધીમાં જેજે માતા પિતાએ બચ્ચાઓને એડોપ્ટ કર્યા હોય એ બધાનું એક ગેટટુગેધર હતું. મનમાં થયું કે ઈચ્છા તો છે મળવાની તો ચલો જતા આવીએ એ બહાને જે બાળકો એડોપ્ટ થયા છે એમને પણ મળતા આવીશું.(આખરે એ પણ મારા જ બચ્ચાઓ છેને ;))
ત્યાં પહોચ્યો અને જોયું તો જાણે મેળાવડો લાગ્યો હતો. લગભગ ૨૦૦થી પણ વધારે માતા પિતા અને બાળકો હતા. જેમાં અમુક માં-બાપએ સ્ટેજ ઉપર આવીને એમના અનુભવ શેર કરવાના હતા. મને લાગે છે ત્યાં સુધી હું પરફેક્ટ ટાઈમે પહોચ્યો હતો.(એ પરફેક્ટ કેમ એ આગળ વાંચતા ખ્યાલ આવી જશે.)
એક ભાઈ એમના બાળકને ખભે તેડીને આગળ આવ્યા અને એમની વાત શરુ કરી:
“”અત્રે બિરાજમાન સૌને મારા નમસ્કાર, ૧૧ વર્ષના લગ્નજીવન બાદ જયારે અમે બાળક એડોપ્ટ કરવાનું વિચાર્યું ત્યારે મનમાં કોઈ રંજ કે દુઃખ ના હતું. એને ભગવાનનો જ આદેશ કે એનો જ નિર્ણય માનીને અમે અહી આવ્યા. અમારું કાઉન્સેલિંગ થયું, ઇન્ટરવ્યું લેવાયો. અને પહેલા જ ઇન્ટરવ્યુંએ પાસ થઇને અમને “યશ” મળ્યો. યશને એડોપ્ટ કર્યે લગભગ ૧.૫ વર્ષ થશે. (અહી આ ભાઈ ભાવુક થઈને એમની વાત શેર કરી રહ્યા છે ત્યારે એમનો યશ આરામથી એમના ખભા ઉપર સુઈ રહ્યો છે. એ જોઈને યશના મનની શાંતિ મને ફીલ થઇ)
૧.૫ વર્ષ પહેલા જયારે યશ ના હતો અને જયારે યશ આવ્યો એ પછી અમારા જીવનમાં ઘણા પરિવર્તનો આવ્યા છે, એમાંનું મહત્વનું પરિવર્તન છે કે અમને પેરેન્ટહુડ મળ્યું. એ પણ યશને લીધે. જો અમને યશ ના મળ્યો હોત તો આજે અમે માત્ર પતિ પત્ની કહેવાત, પણ માતા પિતા ના હોવાનો અહેસાસ અને રંજ ક્યારેક તો ડંખી જ જાત. પણ યશ મળ્યો તો જાણે કે મન ની સાચી શાંતિ મળી.
અમે જયારે ઇન્ટરવ્યુંમાં પાસ થયા ત્યારે યશ કેવો લાગે છે કેવો નહિ એની જરા પણ વિચારણા કર્યા વગર અમે યશને પોતાનો બનાવ્યો છે ”ભગવાનના મંદિરમાં જયારે પ્રસાદ મળે છે ત્યારે શું આપણે પ્રસાદ મળ્યા પછી એને ચેન્જ કરીએ છીએ? ના! એમ યશ પણ અમારા માટે પરમાત્માનો પ્રસાદ છે.” છેલ્લે એટલું જ કહીશ કે યશના આવ્યા પછી જ માતા પિતા હોવું શું છે એ જાણવા મળ્યું છે, અને એના માટે હું ઓલમાઇટી ગોડ, આ સંસ્થા અને ખાસ યશનો આભાર છું. થેન્ક્યુ”
***
આટલું સંભાળ્યા પછી દરેક માતાપિતા મનોમન પોતાના બાળકને થેંક યુ કહી રહ્યું હશે એમાં કોઈ જ શંકા નથી. યશ કે જે પેલા ભાઈ દ્વારા એડોપ્ટ થયો એ પહેલા મારી જોડે ઘણો રમી ચુક્યો છે એટલે હું એને જાણું છું, એ દિવસે એ એના પપ્પાના ખભા ઉપર જે અદાથી સુઈ રહ્યો હતો, અને મુખ ઉપર જે વિરલ શાંતિ હતી એ એજ વાતનું ચિહ્ન હતું કે યશને પ્રેમાળ ભગવાન દ્વારા આ ખભાનો આશરો મળી ચુક્યો છે. પોતે માતાપિતા ના બની શકવું અને અનાથ હોવું એ બંને એકદમ વિરોધાભાષી છે છતાં બંને પરિસ્થિતિઓમાંથી પસાર થવું ઘણું અઘરું છે.આપણે ઘણા જ ખુશનસીબ છીએ કે આપણને માતાપિતા મળ્યા છે, અને બાળકો મળ્યા છે. કારણકે યશને એના માતાપિતા કોણ છે એની જાણ નથી ચાત એને જયારે એના માતાપિતા મળ્યા ત્યારે એ કેટલો ખુશ હતો સાથે સાથે યશના માતાપિતા યશને પામીને ખુશ થયા છે એ જ વાતને હમેશા ધ્યાનમાં રાખીને આજે એક કામ કરજો.
આજે આપના માતાપિતાને અને આપના બાળકને થેન્ક્યુ જરૂરથી કહેજો કારણકે એમના હોવાથી તમને એક સ્થાન મળ્યું છે. કદાચ એ ના હોત તો આપનું અસ્તિત્વ શુ હોત એની આપણને પણ જાણ ના હોત. તો આજે એમને “પેરેનટહુડ” આપવા બદલ આપના બાળકોને અને સેલ્ફહુડ,ચાઈલ્ડહુડ આપવા બદલ આપણા માતાપિતાને દિલથી જ્હપ્પી આપીને થેન્ક્યુ કહેજો. 
કીપ મુસ્કુરાના 
:)

No comments:

Post a Comment