Sunday, December 18, 2011

શિયાળો ♥

શિયાળાની સવાર સાંજ અને રાત્રી મને ઘણી ભાવે છે.
શિયાળામાં સવારની ભાત કંઇક અલગ હોય છે. સવારમાં ઠરતા ઠરતા લોકો તાપણું કરતા હાથને શેકતા હોય છે, કેટલાય લોકો બિન્દાસ ફૂટપાથ ઉપર ઉઘાડા શરીરે સુઈ શકતા હોય છે, તો કેટલાયને ઘરમાં રજાઈની અંદર લપાયેલા ગમતું હોય છે. 
પક્ષીઓનો કલરવ એક નવી શરૂઆત કરાવી આપે છે. એક નવો રણકાર, એક નવું ગુંજન અને એક નવી દિવ્યતા સાથે શિયાળાની શરૂઆત થાય છે. 
કુમળો તડકો ઠંડક રોકવામાં મદદ કરે છે, એ સમયે જાણે સુરજ અને શિયાળા વચે એક હોડ જામે છે,ઠંડી રોકવી કે ઠંડીમાં થથરાવવા એ બંને વચ્ચે એક અલગ જ સ્પર્ધા જામે છે. જેમાં મજા તો માનવને જ આવે છે. હાથ પાછળ બાંધીને ચાલતા લોકો જાણે સ્કુલમાં ચાલતા બાળકો જેવા ભાસે છે, ઠંડીથી બચવા લોકો કેવા કેવા નુસ્ખાઓ કરે છે.!!
જરા પણ હાંફ્યા વગર જાણે દિવસ મેરેથોન રેસમાં ભાગતો હોય એમ જલ્દી જલ્દી પસાર થઇ જાય છે. ઉત્સાહ અને ઉમંગ જાળવી રાખતી ઠંડી ધીમે ધીમે ઓછી થઇ જાય છે, પણ પવનની મદદથી એના અસ્તિત્વનો અહેસાસ કરાવી જાય છે.
બપોરે જમ્યા પછી જેમને સુઈ જવાની આદત હોય એમને જાણે આ શિયાળો થોડો કાઠો લાગે છે, અને કેટલાયને ઘણો વહાલો લાગે છે!
દિવસની મેરેથોન જાણે ક્યારેય ન ખત્મ થવાની હોય એમ સમયના ચક્રે એ જ ગતિએ ઘૂમતી રહે છે.
સંધ્યાનો નજરો તો અનેરો હોય છે, આખો દિવસ ઉત્સાહથી કામ કરીને થાકેલ દિવસ જાણે સંધ્યાની સુંદરતા અને શિયાળાની ઠંડીના સહવાસમાં નિરાંતથી આરામ કરે છે.
સાંજે ચા કે કોફીની એક એક ચુસ્કીઓ મારતા ગેલેરીમાં ઉભા ઉભા કે બારીની નાનકડી જગ્યાએ પોતાના શરીરને એડજેસ્ટ કરીને બેસવાની મજા જ કંઇક ઓર છે.
સુરજ દાદા જાણે શિયાળા સામે થાક્યા હોય એમ ધીમે ધીમે અસ્ત પામે છે. એ દ્રશ્ય પણ શિયાળા સાથે પ્રેમમાં પડવા માટે પૂરતું હોય છે. હજુ તો સુરજ દાદા એ ગુડ બાય કહ્યું નથી એની પહેલ અંધકાર સાથે ચંદ્રનો પ્રવેશ અવકાશમાં થઇ ચુક્યો હોય છે. એકદમ શાંતિ અને સુંદરતાથી ભરપુર ચંદ્ર સાથે નિશા ઘણી જ અદભુત લાગે છે. તાપણા કરવાની જાણે હોડ જામવાની હોય એમ શિયાળો એનું તાપમાન ઘટાડતું જાય છે.
ફૂક મારતા મારતા લોકો ઠંડી ઘટાડવાના કેટલાય પ્રયત્નો કરે છે. પક્ષીઓ એમના માળામાં જઈને શાંતિથી એકબીજામાં લપાઈ જાય છે. ઉપરથી ચંદ્ર અને તારાઓ જાણે હસતા હોય એમ ચમકથી નાનકડો પ્રકાશ પાડતા જાય છે. એક નાનકડી ચમક ધાબાની ન વપરાતી ટાંકી ઉપર બેઠેલ માનવના ચહેરા ઉપર પણ પડે છે, આંખો બંધ છે, માથે પેલી કાળી ગરમ ટોપી અને ગાળામાં સફેદ રંગનું મફલર. ગરમ કપડા પહેરીને શિયાળાની મજા માણતો માનવ ઘણો અલગ ભાસે છે કારણકે માનવની નજરે.શિયાળો અને એની ભાત ઘણી અલગ ભાસે છે.

No comments:

Post a Comment