Friday, December 30, 2011

આ વર્ષનું Resolution નક્કી કર્યું?

૨૦૧૧ વર્ષ અંતને આરે છે અને ૨૦૧૨ બાથ ભરવા સામે જ ઉભું છે
રીઝોલ્યુશન એટલેકે સંકલ્પ કરવાની મોસમ પાછી આવી ગઈ, ઘણા લોકો આજે અને કાલે ઘણા બધા સંકલ્પ કરશે કે ૨૦૧૨માં શું કરવું અને શું ન કરવું.
મોટાભાગના લોકો એક સંકલ્પ ખાસ કરતા હોય છે:"આ વર્ષે મારે કોઈ રીઝોલ્યુશન નથી લેવું!"
બહુ સારું રીઝોલ્યુશન છે! કારણકે જે થવાનું નથી એ જ વાતનું રીઝોલ્યુશન લોકો લેતા હોય છે. 
જે આજ સુધી કોઈ કરી ના શક્યું એ રીઝોલ્યુશન લેવાથી ક્યારેય ના થાય.
અને મને આજ સુધી એ વાત સમજાઈ નથી કે લોકો વર્ષના અંતે જ કેમ રીઝોલ્યુશન લે છે?
આવતા વર્ષે નવું ગપગોડું નક્કી કરવા માટે? એટલીસ્ટ એટલા સમય પૂરતું તો એ કુટેવ ઉપર કંટ્રોલ આવશે! જે લોકો ખરેખરમાં પોતાનામાં ચેન્જ લાવવા માંગતા હોય છે એમને આ રીઝોલ્યુશન લેવાની જરૂર નથી હોતી. આજકાલના રીઝોલ્યુશન તો માત્ર પલાયનવૃત્તિ છે એ કામ ન કરવાની અને એને થોડા સમય માટે ટાળવાની.
મોટેભાગે મેં લોકોને એમની કુટેવ ને રોકવા માટે રીઝોલ્યુશન લેતા જોયા છે, અમુક લોકો ખાવાપીવા ઉપર રોક રાખવાનું રીઝોલ્યુશન લેતા હોય છે(કેટલા કલાક માટે એ ખબર નહિ!)
જો રીઝોલ્યુશન લેવા જ હોય તો એક વર્ષ પૂરતા જ કેમ જીવનપર્યંત લેવા જોઈએ.
૧) આખા દિવસમાં કોઈએકને ખુશ કરી શકો એનું રીઝોલ્યુશન.
૨)કોઈ ના મળે તો પોતાને ખુશ રાખવાનું રીઝોલ્યુશન.
૩)જીવનની કોઈ પણ પરિસ્થતિમાં પોઝીટીવ વિચારસરણી રાખવાનું રીઝોલ્યુશન.
૪)ભૂતકાળની પળો સાથે થોડો સમય વિતાવીને કંઇક શીખવાનું રીઝોલ્યુશન.
૫)ક્યારેક "બાળક" બનીને બધું ભૂલવાનું ને મજ્જા કરવાનું રીઝોલ્યુશન.
૬)ભગ્ગુંજી હમેશા આપણી સાથે છે એ ન માનવાની ભૂલ ન કરવાનું રીઝોલ્યુશન
૭)જીવન એક પાર્ટી છે એમાં હમેશા મસ્તીથી નાચીને એન્જોય કરવાનું રીઝોલ્યુશન.
૮)એવા લોકો જેમને ખરેખરમાં તમારી જરૂર છે એમની સાથે રહીને એમને કીપ મુસ્કુરાના કહેવાનું રીઝોલ્યુશન.
૯)આપની અંદરના "માનવ"ને દરેક અનુભવમાં કંઇક નવું અને શીખવા લાયક શોધવા માટે પ્રેરિત કરવાનું રીઝોલ્યુશન.
૧૦)ક્યારેક એકલા ફરવા જઈને પોતાની લાઈફને એકલતામાં નહિ પણ એકાંત સાથે જીવી લેવાનું રીઝોલ્યુશન.
૧૧)ભૂતકાળની કડવી ઘટનાઓ આપણને કંઇક શીખવવા આવી હતી જે ચાલી ગઈ છે એ માનીને એમાંથી કંઇક શીખવાનું રીઝોલ્યુશન.
૧૨)દરેક અનુભવને માનવની નજરે. જોવાનું રીઝોલ્યુશન :)

બોલો હવે કોઈ રીઝોલ્યુશનની જરૂર છે?
નવા વર્ષને આવા રીઝોલ્યુશનથી સજાવી દો અને જીવન નામની પાર્ટીમાં ૨૦૧૨ને જોરદાર નાચીને વેલકમ કરો :)

Tuesday, December 27, 2011

શું કરું યાર મને મારા માટે જ સમય નથી..


અમુક અનુભવ માણસને ઘણું શીખવી જાય છે પણ બધા એમાંથી એકસરખી વાત ગ્રહણ કરે એ જરૂરી નથી. પોતપોતાની સમજદારી અને અનુભવ તરફ જોવાની નજરથી એ નક્કી થાય છે. અમુક લોકો એક અનુભવમાં જ સમજદારી કેળવી લે છે તો અમુક લોકો એકનોએક અનુભવ વારંવાર કર્યા બાદ પણ ઠેરના ઠેર જ રહે છે.
બસ એ જ વાત ઉપર આજનો માનવ અનુભવ શેર કરવા જઈ રહ્યો છું.
***
મારી એક દોસ્ત એની જોબથી કંટાળી ગઈ હતી, ટેલીમાર્કેટિંગની ફિક્સ અવર્સની જોબ, પગાર પણ સારો હતો, છતાં કંટાળી ગઈ હતી. એનું કારણ એક જ છે કે એ ટેલીમાર્કેટિંગની જોબ હતી જેમાં રોજેરોજ કસ્ટમર્સની ગાળો ખાવી પડે. જે એને પસંદ ના આવે. શરૂઆતના સમયમાં તો એક ગાળ સાંભળેને હેબતાઈ જાય. કેટલાય કોલ્સ અવોઇડ કરે અને વાત પણ ડરીને કરે. સમય જતા જતા એને આ બધાની આદત થઇ ગઈ. પણ અંદરથી એ ખુશ ના હતી. હમેશા એક જ ફરિયાદ એના મોઢે સાંભળવા મળે કે મને મારી લાઈફથી અને મારી જોબ થી કંટાળો આવે છે. મારે આ જોબ બદલવી છે.
"મારે જોબ બદલવી છે" આ વાક્ય લગભગ ૫૦૦+વખત બોલી ચુકી હશે પણ જોબ છોડવાનું નામ ના લે. થોડું અજીબ લાગે કે જોબ છોડવી છે છતાં જોબ છોડતી નથી એવું કેવું?
પછી એક વખત શાંતિથી બેસીને વાત કરી. તો ખબર પડી કે એને એક નાનકડો બ્રેક જોઈએ છે. જોબથી તો હવે જરા પણ પરેશાન નથી. પણ કેટલાય સમયથી બ્રેક ના મળવાથી મેડમ કંટાળ્યા હતા, કોલેજમાં જે રીતે એન્જોય કરતા હતા એ રીતે હવે નથી થઇ શકતું, જાણે કે લાઈફ બંધાઈ ગઈ છે .....
બસ આ જ કારણ હતું જેનાથી મારી દોસ્ત થોડી પરેશાન હતી. એ નાનકડી પરેશાનીની અસર એની પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં દેખાતી હતી.
મેં માત્ર એટલું પૂછ્યું કે આ જોબ સિવાય તું બીજું શું કરે છે?
"બીજું તો કઈ નહિ. કારણકે મને હવે પોતાના માટે ટાઈમ જ નથી મળતો, એવું ફીલ થાય છે કે ક્યાંક ભાગી જવું છે એકલા જ રહેવું છે...."
મેં એક જ વાત કહી"કોલેજમાં તને તારી પસંદગીની એક્ટીવીટી કરવા મળતી હતી એટલે તું મસ્ત મિજાજી હતી પણ જ્યારથી તે અહી બાંધીને કામ કરવાનું શરુ કર્યું છે ત્યારથી તું ખુદ જ ખોવાઈ ગઈ છે"
તો હું શું કરું યાર? મને હવે ડ્રામેટિક્સમાં ભાગ નહિ લેવા મળે કારણકે હવે કોલેજ ખત્મ થઇ ગઈ છે(કોલેજ પાસ કર્યા બાદ મોટાભાગના લોકોને થતો પ્રોબ્લેમ)
મેં કહ્યું કે" તું ડ્રામેટિક્સમાં ના જઈ શકે પણ તારા બીજા પણ શોખ છે એને તો તો શરુ કરી શકે ને... જેમકે તને કુકિંગ ગમે છે, ફોટોગ્રાફી ગમે છે, લખવું ગમે છે તો એ બધુ શરુ કર. કારણકે જીવન જેમ જેમ આગળ વધે છે એમ  આપણને ઘણા બધા કામમાં બીઝી કરતો થાય છે અને ત્યારે એક એવો સમય આવે છે જ્યાં આપણને ખુદને પોતાના માટે સમય નથી મળતો, છેવટે આપણે અફસોસ કરીએ છીએ કે ''શું કરું યાર મને પોતાના માટે જ સમય નથી"
***
માનવની નજરે.: જીવનમાં આપણામાંથી મોટાભાગના લોકોને પોતાના માટે જ સમય નથી મળતો. જે એક છુપું સત્ય છે. આપ જયારે શાંતિથી બેસીને વિચારશો ત્યારે એ છુપું સત્ય પ્રગટ થઇ જ જશે. આપણે જીવન તો પોતાનું જીવીએ છીએ પણ જીવીએ છીએ બીજા માટે.
હમેશા પોતાના માટે એકાદ કલાક ફાળવવાનું રાખો. એમાં તમે બંધ કરેલી એક્ટીવીટીને શરુ કરી શકો. પોતાના શોખ પુરા કરી શકો. અને આ એક કલાકમાં પોતાની જીંદગી જીવી શકો.
હવે એક જ કામ કરવાનું રહે, એ કામ એ છે કે આજે બેસીને નક્કી કરીએ કે પોતાના કામ મતે કે શોખ માટે આપણે કેટલો સમય ફાળવી શકીએ, અને એ પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર કરો અને જીવી લો પોતાના દિવસનો એક કલાક પોતાના માટે. પછી ક્યારેય જીવનથી કે કોઈપણ કામ થી અકળાવવાનો વારો નહિ આવે. પોતાની જીંદગી પોતાના માટે નથી જીવી રહ્યા એ રીયલાઈઝ કરાવવા માટે એક અનુભવ જ કાફી છે, એ અનુભવને જીવનમાં ઉતારી તો જુઓ. યુ વિલ ફ્લાય ઇન યોર લાઈફ વિથ અ સ્માઈલ... કીપ મુસ્કુરાના દોસ્ત :)

Monday, December 26, 2011

હોહોહોહોહોહો મેરી ક્રિસમસ !

મેરી ક્રિસમસ દોસ્તો....
આજે બધા લોકો આ વાક્ય બોલીને એકબીજાને ઈસુ ખ્રિસ્તના જન્મની શુભેચ્છાઓ પાઠવે છે અને ચર્ચમાં પ્રાર્થના કરે છે. પણ મોટાભાગના લોકોને આ દિવસ કેમ મનાવવામાં આવે છે એની જાણ નથી, જાણેકે "મેરી ક્રિસમસ" કહેવાનો એક ટ્રેન્ડ બની ગયો છે.
લગભગ ચોથી સદીમાં સંત નિકોલસના અવતારને સાન્તાક્લોઝ માનવામાં આવે છે. સંત નિકોલસને બાળકો ઘણા પસંદ હતા, અને ઈસુ ખ્રિસ્તના જન્મદિનના પાવન દિવસે તેઓએ બાળકોને ગિફ્ટ્સ આપીને ખુશીઓ આપવાની શરૂઆત કરી હતી.
જાડું અલમસ્ત શરીર,લાંબી સફેદ દાઢી-મૂછો, લાલ કપડા, અને ગોલ્ડન ચશ્માં. જ્યારે બરફ પડતો હોય ત્યારે એમની હરણ વાળી પાલખીમાં હોહોહોહોહોહો મેરી ક્રિસમસ કેહતા કેહતા ખુશીનો વહેચણી કરતા જાય.
સાન્તાક્લોઝનું જીવન ઘણી કલ્પનાઓ, અમુક સત્ય આધારિત ઘટનાઓ, ક્રિસમસની કમાલ અને બાળકોની ખુશી, આ સૌનું મિશ્રણ છે જેમાં માત્ર "કીપ મુસ્કુરાના"નો સંદેશ છે :)
યાદ છે જયારે આપણે નાના હતા ત્યારે ૨૪મિ ડીસેમ્બરની રાતે સુતા સમયે તકિયા નીચે મોજું રાખતા હતા, અને જયારે આપણે સુઈ જઈએ એટલે મમ્મી પપ્પા સાન્તાક્લોઝ બનીને આવે અને એ મોજામાં આપણી બાળ ફરમાઈશો વાંચીને હસે અને આપણને ગીફ્ટ આપીને ચાલ્યા જાય, ત્યારથી આપણે માનતા થઇ જઈએ કે સાન્તા ક્લોઝ તો સાચેમાં આવે છે, પણ આપણા ત્યાં તો ચીમની જ નથી તો ઘરમાં કેવી રીતે આવી ગયા અને જતા રહ્યા? બસ આમ જ આપાને કલ્પનાના ઘોડા દોડાવીએ છીએ. બસ હવે ફરક એ છે કે કલ્પનાના ઘોડામાં આપણે થોડા મોટા થઇ ગયા છીએ અને "નાના હતા ત્યારે આવું કરતા હતા" એ વાત ઉપર હસીએ છીએ.
આજે એક કામ કરીએ.. આપણે ખુદ સાન્તાક્લોઝ બનીએ. એનો પહેરવેશ ધારણ કરવાની જરૂર નથી પણ જેમ સાન્તા ક્લોઝ બધાને ખુશ રાખતા હતા ગિફ્ટ્સ આપીને એમ આજે આપણે પણ સાન્તા ક્લોઝ બનીને ખુશીઓ વેચવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે ઘણી જગ્યાએ બહાર જઈશું, શુભેચ્છાઓ પાઠવીશું તો સાથે એક કામ એ કરીએ કે જરૂરતમંદ ગરીબ બાળકોને આજે રાતે કોઈ ગીફ્ટ આપીએ, જે લોકોને ખરેખરમાં કંઇક જરૂર છે એ આપીએ, સારું કામ કરવાની શરૂઆત કરીએ. અનાથાશ્રમના બાળકો, સ્પેશિયલી એબલ્ડ કિડ્સ સાથે સમય વિતાવીને એમને ખુશી આપીએ. જેમકે આજે હું અમુક ઓર્ફનેજમાં અને ઓલ્દેજ હોમમાં સમય વિતાવીને એ વ્યક્તિઓને ખુશી વહેચવાનો એક નાનકડો પ્રયાસ કરવાનો છું જે હું છેલ્લા ૫ વર્ષ થી કરી રહ્યો છું. આજે આપ પણ આં કંઇક કરીને સાન્તાક્લોઝ બનો, અને રહો કીપ મુસ્કુરાના :) માનવની નજરે. મેરી ક્રિસમસ :)

Sunday, December 18, 2011

ચકલી અને એનું ચી ચી ખોવાયું છે, શું તમે એ નોંધ્યું?

સ્કુલમાં જયારે બાલમંદિરમાં ભણતા હતા ત્યારે એક કવિતા આવતી હતી:

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

બેસવાને પાટલો
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા
આપીશ તને હું આપીશ તને

પહેરવાને સાડી
મોરપીંછાવાળી
ઘમ્મરિયો ઘાઘરો
આપીશ તને હું આપીશ તને

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

***
રવિવારની રજા હું ફોર અ ચેન્જ આરામ કરીને માણી રહ્યો હતો ત્યાજ ગાર્ડનમાં બે ચકલીઓ રમતી રમતી આવી, હજુ તો કેમેરો ઉઠાવ્યો એની પહેલા જ છુમંતર થઇ ગઈ, જાણે પેલું ગીત ગાતી હોય ને "છુ મંતર હો આજા ચલ ગુમ હો જાયે "
ગાતા ગાતા ખ્યાલ આવ્યો કે ચકલી આજે ખરેખરમાં ક્યાંક ગાયબ થઇ ગઈ છે. આજે ૨૦મિ માર્ચ નથી પણ ચકલી અને એના તીણા પણ મધુર અવાજમાં સદાતું ચી ચી બહુ મિસ કરું છું. થોર લેકમાં ક્યારેક ઉડતી ઉડતી દેખાય છે, બાકીતો સાવ અલિપ્ત થઇ ગઈ હોય એમ લાગે છે. આપણા ઘરના ચબુતરાઓ હવે ક્યાં અસ્તિત્વમાં છે? ઘર મોટા થયા છે પણ અમુક વાત તો જાણે ગાયબ જ થઇ ગઈ છે. આપણા ઘરમાં ચબુતરો તો બાજુમાં રહ્યો, પક્ષીઓ માટે દાણા અને પાણી રાખવા માટેના વાસણો પણ અલિપ્ત થઇ ગયા છે. ત્યારે એક જ સવાલ મગજમાં ઝબુક્યો. શું આપણા અંદરથી માણસાઈના થોડા ઘણા અંશો તો અલિપ્ત નથી થઇ રહ્યાને?
ટેકનોલોજીની આ ભાગભાગમાં આપણે ઘણું બધું પાછળ છોડીને તો આગળ નથી વધી રહ્યાને? બહાર થતા કલશોરમાં ક્યારેક સંભળાતું ચી ચી સાવ ભૂતકાળ તો નહિ બની જાય ને? એવું તો નહિ બને ને કે આપણે આવતી પેઢીને ચકલીનો અવાજ યુ ટ્યુબ ઉપર સંભળાવો પડે? કે આપણે લોધેલ ફોટામાં જ ચકલી દર્શન કરાવવું પડે?
ચકલીઓ લુપ્ત થઇ રહી છે એની પાછળના કારણોમાં આપણે પણ ઘણા અંશે કારણભૂત છીએ. આપણને હવે પ્લાસ્ટિક દુનિયામાં વસવું ગમવા લાગ્યું છે. સમયના પરિવર્તન સાથે પ્લાસ્ટિક દુનિયાનું અસ્તિત્વ હરણફાળે વધી રહ્યું છે. નથી જાણતો હું કે અચાનક મેં ચકલી પુરાણ કેમ શરુ કર્યું છે?
કદાચ એક કારણ હોઈ શકે કે હું મારી બાળપણની મિત્ર "ચકી" અને એનું ચી ચી બહુ મિસ કરી રહ્યો છું, માનું છું કે પ્લાસ્ટિક દુનિયાનો હિસ્સો હું પણ છું, પરંતુ મારી માનસકિતા હજુ સીક નથી થઇ કે હું આ બધું ભૂલીને ધીન્કાચિકાના અવાજને પસંદ કરું. સમય સાથે ચાલો પણ સમયને બદલવામાં ખુદ એટલા પણ ના બદલો કે પ્રિય ભૂતકાળ ભૂત બનીને હમેશ માટે અલિપ્ત જ રહે. ચકલી ક્યાંક દેખાય તો એને પાછી લાવવા માટે એક નિર્ણય તો કરજો, બાકીનું કામ આપોઆપ થઇ જશે.

શિયાળો ♥

શિયાળાની સવાર સાંજ અને રાત્રી મને ઘણી ભાવે છે.
શિયાળામાં સવારની ભાત કંઇક અલગ હોય છે. સવારમાં ઠરતા ઠરતા લોકો તાપણું કરતા હાથને શેકતા હોય છે, કેટલાય લોકો બિન્દાસ ફૂટપાથ ઉપર ઉઘાડા શરીરે સુઈ શકતા હોય છે, તો કેટલાયને ઘરમાં રજાઈની અંદર લપાયેલા ગમતું હોય છે. 
પક્ષીઓનો કલરવ એક નવી શરૂઆત કરાવી આપે છે. એક નવો રણકાર, એક નવું ગુંજન અને એક નવી દિવ્યતા સાથે શિયાળાની શરૂઆત થાય છે. 
કુમળો તડકો ઠંડક રોકવામાં મદદ કરે છે, એ સમયે જાણે સુરજ અને શિયાળા વચે એક હોડ જામે છે,ઠંડી રોકવી કે ઠંડીમાં થથરાવવા એ બંને વચ્ચે એક અલગ જ સ્પર્ધા જામે છે. જેમાં મજા તો માનવને જ આવે છે. હાથ પાછળ બાંધીને ચાલતા લોકો જાણે સ્કુલમાં ચાલતા બાળકો જેવા ભાસે છે, ઠંડીથી બચવા લોકો કેવા કેવા નુસ્ખાઓ કરે છે.!!
જરા પણ હાંફ્યા વગર જાણે દિવસ મેરેથોન રેસમાં ભાગતો હોય એમ જલ્દી જલ્દી પસાર થઇ જાય છે. ઉત્સાહ અને ઉમંગ જાળવી રાખતી ઠંડી ધીમે ધીમે ઓછી થઇ જાય છે, પણ પવનની મદદથી એના અસ્તિત્વનો અહેસાસ કરાવી જાય છે.
બપોરે જમ્યા પછી જેમને સુઈ જવાની આદત હોય એમને જાણે આ શિયાળો થોડો કાઠો લાગે છે, અને કેટલાયને ઘણો વહાલો લાગે છે!
દિવસની મેરેથોન જાણે ક્યારેય ન ખત્મ થવાની હોય એમ સમયના ચક્રે એ જ ગતિએ ઘૂમતી રહે છે.
સંધ્યાનો નજરો તો અનેરો હોય છે, આખો દિવસ ઉત્સાહથી કામ કરીને થાકેલ દિવસ જાણે સંધ્યાની સુંદરતા અને શિયાળાની ઠંડીના સહવાસમાં નિરાંતથી આરામ કરે છે.
સાંજે ચા કે કોફીની એક એક ચુસ્કીઓ મારતા ગેલેરીમાં ઉભા ઉભા કે બારીની નાનકડી જગ્યાએ પોતાના શરીરને એડજેસ્ટ કરીને બેસવાની મજા જ કંઇક ઓર છે.
સુરજ દાદા જાણે શિયાળા સામે થાક્યા હોય એમ ધીમે ધીમે અસ્ત પામે છે. એ દ્રશ્ય પણ શિયાળા સાથે પ્રેમમાં પડવા માટે પૂરતું હોય છે. હજુ તો સુરજ દાદા એ ગુડ બાય કહ્યું નથી એની પહેલ અંધકાર સાથે ચંદ્રનો પ્રવેશ અવકાશમાં થઇ ચુક્યો હોય છે. એકદમ શાંતિ અને સુંદરતાથી ભરપુર ચંદ્ર સાથે નિશા ઘણી જ અદભુત લાગે છે. તાપણા કરવાની જાણે હોડ જામવાની હોય એમ શિયાળો એનું તાપમાન ઘટાડતું જાય છે.
ફૂક મારતા મારતા લોકો ઠંડી ઘટાડવાના કેટલાય પ્રયત્નો કરે છે. પક્ષીઓ એમના માળામાં જઈને શાંતિથી એકબીજામાં લપાઈ જાય છે. ઉપરથી ચંદ્ર અને તારાઓ જાણે હસતા હોય એમ ચમકથી નાનકડો પ્રકાશ પાડતા જાય છે. એક નાનકડી ચમક ધાબાની ન વપરાતી ટાંકી ઉપર બેઠેલ માનવના ચહેરા ઉપર પણ પડે છે, આંખો બંધ છે, માથે પેલી કાળી ગરમ ટોપી અને ગાળામાં સફેદ રંગનું મફલર. ગરમ કપડા પહેરીને શિયાળાની મજા માણતો માનવ ઘણો અલગ ભાસે છે કારણકે માનવની નજરે.શિયાળો અને એની ભાત ઘણી અલગ ભાસે છે.

Thursday, December 15, 2011

૧૭ પે ખતરા!

લગભગ ગઈકાલની જ વાત છે. માનવની નજરે.પેજ ઉપર એક વાચકમિત્રએ લખ્યું કે "તમારા ૧૭૦૦ ફેન્સમો આંકડો પુરો થયો , કોન્ગ્રેચ્યુલેશન!" 
સ્માઈલ સાથે થેન્ક્યુ કહીને માનવ મગજમાં એક વિચાર ઝબુક્યો! 
૧૭નો આંકડો. બહુ પહેલા સંભાળ્યું હતું "સતરે પે ખતરા!"
આ તો એક સંયોગ છે કે મને ૧૭ના આંકડાની આ અંધશ્રદ્ધાભર્યું વાક્ય યાદ આવ્યું. આના સિવાય બીજા ઘણા અંધશ્રદ્ધાભર્યા વાક્યો આપણે સાંભળતા હોઈએ છીએ અને "ફોલો" પણ કરતા હોઈએ છીએ.
બિચારી બિલાડીએ રસ્તો પસાર કર્યો હોય તો એ અપશુકન કહેવાય એવું અન સાંભળ્યું છે.
એમાં મારો એક અનુભવ કહું . લગભગ ૭-૮ વર્ષ પહેલાની વાત છે. હું અને મારા એક મિત્ર એમના વેહિકલ ઉપર ક્રિકેટ મેચ રમીને પાછા આવી રહ્યા હતા ત્યાં જ એક બિલાડીએ રસ્તો કાપ્યો. મારું ધ્યાન હતું પણ મને અચાનક જ ઝાટકા સાથે બ્રેકનો અહેસાસ થયો. મેં પૂછ્યું કે “ભૈલા અચાનક શું થયું”?
મને કહે કે “યાર પેલી નાલાયક બિલાડીએ રસ્તો કાપ્યો ને એટલે. આપણા પહેલા કોઈ વાહન પસાર થાય પછી જ જઈશું “. મેં કહ્યું “આવું બધું તું ક્યારથી માનવા લાગ્યો?”
ભાઈ કહે“ અરે તને યાદ છે મને બે મહિના પહેલા કુતરો કરડ્યો હતો? એ દિવસે બિલાડીએ મારો રસ્તો કાપ્યો હતો . બસ એ જ દિવસ થી જ મેં આ વાત પર માનવાનું શરુ કરી દીધું છે.”
જોરદાર છે ને? આપણામાંથી ઘણા લોકો આવી “જોરદાર” મેન્ટાલીટી ધરાવતા હશે, સંજોગને જયારે કોઈપણ દુર્ઘટનાનું કારણ માનવામાં આવે ત્યારે જ અંધશ્રદ્ધાનો ઉદભવ થાય છે.
બીજો અનુભવ પણ કંઇક આવો જ છે.
મારા એક ફ્રેન્ડને મેચ રમવાનો ગાંડો શોખ અને સારો બેટ્સમેન. એક મેચમાં ભાઈ બેટિંગ કરી રહ્યા હતા અને ૧૭ રન્સ કર્યા, હજુ પીચ ઉપર હતો ત્યાંજ સ્ટેડીયમમાં કોઈ વ્યક્તિ બોલ્યું “સતરા પે ખતરા”.
અને ત્યાજ ભાઈ આઉટ થઇ ગયા. વિલે મોઢે પાછો આવ્યો. હું હજુ કઈ બોલું એની પહેલા જ પેલા ભાઈ જે સરસ વાક્ય બોલ્યા હતા એ મારા મિત્રને કહે “હું તો હમણાં જ બોલ્યો કે સતરા પે ખતરા” અને તું આઉટ થઇ ગયો. લાગે છે ૧૭ નંબર તારા માટે અનલકી છે!” બસ એ બોલ્યો ત્યારથી મારા દોસ્ત સાહેબ ૧૭ નંબરને પોતાનાથી દુર રાખે છે. અનલકી સાબિત થઇ ગયો ને!
માનવ ના મતે અનલકી અને લકી આપણી ખુદની નજર ઉપર ડીપેન્ડ કરે છે. જો એ ૧૮ રન્સ ઉપર આઉટ થયો હોત તો ૧૮નો આનાકડો પણ એના મતે અનલકી સાબિત થયો હોત એમાં કોઈ શંકા નથી. કારણકે “અઠરા પે ખતરા” એવો પ્રાસ પણ બને.
તો એનાથી સીધી સાબિતી એ મળી કે આપણા ઉપર લકી કે અનલકી પરિસ્થિતિનો આધાર રહે છે. આપણે જો એને લકી બનાવવી હોય તો એ લકી કે નોર્મલ પરિસ્થિતિ હોય છે અને જો એને સંજોગ માનવાની જગ્યાએ માત્ર અનલકી માનવી હોય તો એ પણ આપણા જ હાથમાં છે.
ઘણી વાર એવી પરિસ્થિતિઓ આપણી સાથે ઘટતી હોય છે જે આપણને વિચારવા ઉપર મજબુર કરે છે કે આ તો અનલકી જ છે. પણ થોડું પ્રેક્ટીકલી વિચારો અને માનવની નજર કેળવો તો બધું લકી જ લાગશે. અહી હું લકી અનલકી ની વાત ઉપર વધારે વાત કરી રહ્યો છું એની પાછળ નું કારણ એ છે કે ઘણી વખતે આવી માન્યતાઓને કારણે આપણે ઘણું બધું ચુકી જતા હોઈએ છીએ. જે લોકો માન્યતાઓ કે અંધશ્રદ્ધાઓ ધરાવે છે એ જરા ધ્યાનથી વિચારશે તો એમને ખ્યાલ આવશે કે એમની માન્યતા કે અંધશ્રદ્ધાને લીધે એમણે ઘણું બધું ગુમાવ્યું હશે. જીવનની સારી સારી પળો આવીજ માન્યતાઓને લીધે આપણે ચુકી જતા હોઈએ છીએ અને હમેશા આવીજ માન્યતાઓ માં સપડાયેલા રહીએ છીએ. જરા ધ્યાનથી વિચારજો “તમે તો આવી કોઈ અંધશ્રદ્ધાનો શિકાર નથી ને?” ;)

શું થાય જો માર્કભાઈ ફેસબુક 'હમેશ' માટે ડીલીટ કરી દે?

આજે ધ સોશીયલ નેટવર્ક -૨ નો પ્રોમો જોયો. એ જોઈને પ્રભાવિત થયા સિવાય એક બીજો વિચાર સુઝ્યો.
"શું થાય જો માર્કભાઈ ફેસબુક 'હમેશ' માટે ડીલીટ કરી દે?"
ઊપ્પ્પ્પ્પ્સ ! કેટલાય લોકોને આ વાંચ્યા પછી મસ્ત ઝાટકો લાગ્યો હશે. ફેસબુક કેવું અભિન્ન અંગ બની ગયું છે આપણા સૌ માટે.
તમને એક મીનીટનો સમય મળે જેમાં તમારે એક વિષય ઉપર વિચાર કરવાનો હોય ::
"ફેસબુક વગરનું જીવન"
અઘરું છે. ઘણા લોકો માટે તો ફેસબુક એટલે જીવનનો શ્વાસ છે, જેના વગર લોકો એક કલાક પણ ના ચલાવી શકે એ લોક માટે આખી જીંદગી માટે ફેસબુક નો ઉપયોગ બંધ કરી દેવો કેવું અઘરું કામ બની જાય?
આપણે સૌ ફેસબુક દ્વારા સંપર્કમાં આવ્યા એટલે આપણા સૌએ માટે પણ ફરીથી એજ કોન્ટેક્ટમાં આવવું અઘરું તો બની જ જાય.
ફેસબુક વગરનું જીવન કેવું ફન્ની લાગે નહિ?

-જયારે ફેસબુક અસ્તિત્વમાં હોય ત્યારે:
એક વ્યક્તિ એ ફોટો અપલોડ કર્યો"આ છે મારો કુતરો -બ્રુનો. હમણા જ એને શાવર કરાવીને આવ્યો. બહુ જ મજા આવી!"
હવે આ જ વાત જયારે ફેસબુક વગર વિચારીએ તો:
ચાર રસ્તે એ જ માણસ એના કુતરાને હાથમાં લઈને ઉભો હોય અને કહે કે "જુઓ જુઓ આ છે મારો કુતરો બ્રુનો! એને હમણાં જ શાવર કરવીને આવ્યો!! યપ્પ્પી!"
આ જોઈને રસ્તામાં ચાલતા લોકો એને ગાંડો સમજીને ચાલ્યા જાય. 
આ કેવું નહિ? જો કામ ફેસબુક દ્વારા કરવામાં આવે તો એને અપડેટેડ અને સોશિયલ કહેવાય પણ જો એ જ કામ ફેસબુક વગર કરવામાં આવે તો એને મેન્ટલી સોશિયલ કે સોશીયાળી મેન્ટલ કહી શકાય!
ખરેખરમાં આ વાત વિચારવા જેવી છે. ઘણા બધા કામ આપણે ફેસબુક ઉપર કરીએ છીએ એ જો ફેસબુક નામનો ટેગ નીકળી દઈએ અને કરીએ તો ગાંડપણ જ લાગે. પણ અત્યારે ગાંડપણનો જ જમાનો છે અને આપણે એનો જ હિસ્સો છીએ એટલે એને સ્વીકારવું જ રહ્યું.
પણ હજુ એ વિચારમાંથી માનવ બહાર નથી આવ્યો:
"ફેસબુક વગરનું જીવન કેવું થઇ જાય?"
ઘણા વિચારો આવી જશે, થોડું અઘરું પણ લાગશે, હવે આ જ સવાલને માનવની નજરે.જોઈએ:

આ સવાલ માટે માનવ નો એક જ જવાબ છે,"જીવન ચોક્કસથી અઘરું લાગશે પણ કોઈ મોટો ફરક નથી પડી જતો. કારણકે ફરક પાડનાર આપણે ખુદ છીએ અને ફરક નહિ પાડનાર પણ આપણે ખુદ છીએ"
એક સાદા ઉદાહરણથી આ વાતને સમજીએ: ફેસબુક ઉપર હમણાં ઘણા બદલાવો આવ્યા હતા જેમાંનો એક બદલાવ "વોલ"નો વ્યુ અને એની સિસ્ટમ ઘણી ચેન્જ થઇ ગઈ હતી જે મોટાભાગના લોકોને પસંદ ન'તી આવી. એક મહિના બાદ લોકોએ એને સ્વીકારી લીધી છે. હવે કોઈ એવી પોસ્ટ નથી કરતુ કે "માર્ક ઝુકર બગને કોઈ કહો કે ફેસબુકનો જુનો લૂક પાછો આપો" કારણ લોકો એ સ્વીકારી લીધું છે, માની જ લીધું છે કે ફેસબુકનો નવો લૂક નહિ બદલાય. પોતાની લાઈફને એમાં સેટલ કરી લીધી છે. 

જો ફેસબુક બંધ થઇ જશે તો? 
-અરે કઈ વાંધો નહિ! જીવન કઈ પણ વસ્તુ કે કોઈ એક વ્યક્તિથી પણ અટકી નથી જતું, કઈ પણ વસ્તુનું વિસર્જન થાય છે તો એ વિસર્જન એક ઓપ્શન સાથે જ આવે છે. માત્ર સમય નો કોઈ જ વિકલ્પ નથી. બાકી બધાનો એક વિકલ્પ હોય છે, જયારે એમ લાગે કે આ વાતનો તો કોઈ વિકલ્પ નથી. ત્યારે સમજી 
જેમ પાણી પોતાનું રસ્તો શોધી લે છે એમ કોઈ પણ અઘરી પરિસ્થિતિ એનો રસ્તો આપોઅપ શોધી લે છે , આપણે પેનીક કરવાની જગ્યાએ એ ઓપ્શન ઉપર "નજર" રાખવાની જરૂર છે.

ધારોકે ફેસબુક ડીલીટ પણ થઇ ગયું તો પણ એનો એક ઓપ્શન આવશે, નહિ આવે તો શોધીશું. જીવનમાં જો થોડી પ્રેક્ટીકલ મેન્ટાલીટી રાખીએ તો પેનીક કરવાનો સમય નથી આવતો. કારણકે આપણે જન્મ્યા હતા ત્યારે પહેલાથી આપણે ફેસબુકના બંધાણી ન હતા. હમણાં હમણાં બન્યા છીએ, એનું વિસર્જન થઇ જાય તો પણ કઈ ફરક નથી પડવાનો.
"કારણકે ફરક પાડનાર આપણે ખુદ છીએ અને ફરક નહિ પાડનાર પણ આપણે ખુદ છીએ"

સાથે સાથે ફેસબુક ઉપર બની રહેલી બીજી મુવીનો પ્રોમો આ રહ્યો:
http://www.youtube.com/watch?v=95N3EV4jAoE

(અને હા, જો ભવિષ્યમાં ફેસબુક બંધ થઇ જાય તો આપનું કનેક્શન કદાચ થોડા સમય માટે તૂટી જશે પણ માનવ આપના હૃદયમાં છે એ કોઈ દિવસ ડીલીટ નહિ થાય. કાઈ પણ કરીને એ આપની સાથે કનેક્શન કરી જ લેશે. ;))

Tuesday, December 13, 2011

કોઈ પણ કામ નાનું નથી હોતું, કામ કરો છો એ મહત્વનું છે!


હમણાં ઇન્ડિયામાં ટોમ ક્રુઝ અને અનિલભાઈ ચમકી રહ્યા છે.
એમ આઈ-૪: ઘોસ્ટ પ્રોટોકોલ નામની મુવીના પ્રમોશન માટે બંને સુપર સ્ટાર ભારતમાં મોટાભાગની આંખોનું ધ્યાન ખેચી ગયા હતા. એ મુવી વિષે અને એના પ્લોટ વિષે એક આર્ટીકલ વાંચી રહ્યો હતો.
આ એ આર્ટીકલ છે જેમાં હોલીવુડ રિપોર્ટર અને અનીલ કપૂરનું કન્વર્ઝેશન છે. જેમાં એક સવાલ મને બહુ ગમી ગયો. હોલીવુડની રિપોર્ટરએ અનીલ કપૂરને એક સવાલ પૂછ્યો કે આ મુવીમાં તમારો રોલ કેટલો છે?
અનીલ કપૂર:આ મુવીનો હું એક હિસ્સો છું એજ મારો સૌથી મોટો રોલ છે. ઇન્ડિયન મુવીઝની ભાષામાં સમજાવું તો આ મુવીમાં મારો "ગેસ્ટ અપિયરન્સ" છે , પણ એ ગેસ્ટ અપિયરન્સનું મહત્વ માત્ર એ એક્ટર જાણે છે જે એ રોલ કરે છે. કારણકે એ રોલ નાનકડો હોવા છતાં એક જ શોટમાં ડિરેક્ટરને પરફેક્ટ આપવાનો હોય છે, એટલે હું એમ કહી શકું કે આ મુવીમાં મારો ઘણો મહત્વનો રોલ છે."
આ ઇન્ટરવ્યુમાં મને એક અલગ નજરીયો જણાયો જેને માનવની નજરે.આ પ્રમાણે કહી શકું:
 લગભગ ૯૯.૯૯% લોકોએ આ વાક્ય સંભાળ્યું હશે "કોઈ પણ કામ નાનું નથી હોતું"
અગણિત વખત આ વાક્ય સંભાળ્યા બાદ પણ આપણે એ વાક્યને પૂર્ણતાથી ફોલો નથી કરી શકતા. એની પાછળનું કારણ આપણી ખુદની મેન્ટાલીટી! આપણે સ્ટેટ્સ વાળા સમાજમાં રહીએ છીએ જેમાં અમુક હદની નીચેનું કામ આપણાથી ના થાય એવું માનીને રોજબરોજના જીવનમાં ઘણા કામ આપણે નથી કરતા. (માત્ર એમ માનીને કે આ કામ તો નાનું છે હું કેમ કરું?)
એક સાદું ઉદાહરણ આપું. જે વ્યક્તિ ભારતમાં રહેતો હોય છે એટલે કે પોતાના ઘરે રહેતો હોય છે એ ઘરનું કામ લગભગ નથી કરતો. પણ જયારે એને બહાર રહેવાનું આવે છે ત્યારે ટોઇલેટ પણ ગર્વથી સાફ કરે છે.
અહી સાફ કરે છે એ કામમાં વાંધો ઉઠાવું છું એવું ના માનશો.
વાંધો એ વાતનો છે કે પોતાના ઘરે કામ કરવામાં નાનપ કેમ આવે છે?
ઘરમાં મમ્મીને મદદ કરવામાં કેમ નાનપ આવે છે ?
કોઈ પણ કામ નાનું નથી એ વાત જાણતા હોવા છતાં હમેશા એ વાક્યને ફોલો કરતા નાનપ કેમ અનુભવાય છે?
એની પાછળ કારણ એ છે કે આ રીત પહેલાથી ચાલી આવી છે કે અમુક કામ કરીએ તો આપણે નાના ગણાઈએ. આપણાથી આ કામ ના થાય. એના માટે તો પેલા કામવાળા ભાઈ કે બહેન જ આવે. આપણે તો શેઠ કહેવાઈએ.
જેમ જેમ પૈસો વધ્યો છે , સુવિધાઓ વધી છે એમ એમ માણસ એની માનસિકતાથી અને કામ કરવાની વૃતિથી ખોખલો થઇ રહ્યો છે.
માન્યું કે આપણી પાસે ઘણી સુવિધાઓ છે અને આપણે કામ કરવાની જરૂર નથી .
પણ "કામ કરવાની જરૂર નથી" એ વાક્ય જ આપણને ખોખલું કરી દે છે. મેં પોતાના જ કેસમાં નોંધ્યું છે કે જયારે આપણે નાના ગણતા કામને કરીએ છીએ ત્યારે એ આપણને ઘણું બધું શીખવે છે "ડાઉન ટુ અર્થ રહેતા શીખવે છે" જે આજના જમાનામાં ઘણું જ જરૂરી છે, કારણકે જે લોકો ડાઉન ટુ અર્થ નથી રહી શકતા એ લોકો જીવનમાં ઘણું ગુમાવતા હોય છે.
માનવના મતે ડાઉન ટુ અર્થ રહેવાનો એક જ કીમિયો છે:
સૌ પ્રથમ તો નાનું કામ અને સ્ટેટ્સ વાળું કામ, આ બંને શબ્દો વચ્ચેનો ભેદ બાજુમાં મૂકી દો. દરેક કામ મહત્વનું છે કારણકે એ કામ તમે કરો છો. જે કામ કરવામાં નાનપ અનુભવાય એ કામ મનથી અવોઇડ કરવાની જગ્યાએ સૌથી પહેલા કરો. ધીમે ધીમે સ્ટેટ્સવાળા માણસની મનોવૃત્તિ મનની અંદરથી દુર થતી જશે જે હમેશા ડાઉન ટુ અર્થ રાખશે.
આપના રોજબરોજના જીવનમાં ઘણા કામ આપ નહિ કરતા હો એ બધા કામને માનવની નજરે જુઓ અને એ કામ કરવાનું શરુ કરો
હમેશા એક વાત ધ્યાનમાં રાખો :"કોઈપણ કામ નાનું નથી હોતું" :)

COPY PASTE!


આ બંને શબ્દો આપણા મગજમાં કેવા ઝણકાર ઉભા કરે છે.
આપણે કોઈ સ્ટેટ્સ ફેસબુક ઉપર પોસ્ટ કર્યું હોય એ જ સ્ટેટસ જોઈ કોપી કરીને નામ લખ્યા વગર પોતાના જ નામે લખે તો કેવું લાગે?
મોટા ભાગના એક કમેન્ટ તો લખીને જ આવે "એ ભાઈ કોપી પેસ્ટ ના કર!"
કેવું નહિ? પોતે રચેલું કોઈ પણ કાર્ય જયારે કોઈ બીજાના નામે ચઢી જાય એટલે આપણી અંદરની સાચી ભાવનાઓ અને થોડો ગુસ્સો બહાર આવી જાય, અને એ કઈ ખોટું પણ નથી એનું કારણ એ છે કે કે માણસનો 'સ્વભાવ' છે.
મારી ખુદની જ વાત કરું તો જ્યારથી મેં આ પેજ શરૂ કર્યું છે ત્યારથી મોટાભાગના સ્ટેટસ કે માનવ અનુભવ કે માનવ મંત્ર મેં કોપી થતા જોયા છે, હમણાં હમણાં ફેસબુક ઉપર સ્ટેટ્સ શેર કરી શકાય છે એટલે કોપી પેસ્ટનું પ્રમાણ ઓછું છે પણ હા , ઘણા અંશે આ હજુ પણ થઇ રહ્યું છે.
મેં ઘણી વાર નોંધ્યું છે કે ફેસબુક પર મોટાભાગના લોકો કોપી પેસ્ટ કરીને જ તો વાહ વાહ મેળવે છે. ક્યારેક વિચાર આવે છે કે લોકોને પણ કેવી મજા આવતી હશે કોપી પેસ્ટ કરવાની? એ તો લોકોને જ ખબર પણ અહી વાત થોડી અલગ કરવી છે.
અમદાવાદ મિરરમાં જયારે મારો આર્ટીકલ આવ્યો હતો ત્યારે એની જર્નાલીસ્ટે મને પૂછ્યું હતું કે "આપ આપના પેજ ઉપર અને બ્લોગ ઉપર આપની કવિતાઓ , માનવ મંત્ર અને માનવ અનુભવ પોસ્ટ કરો છો, શું એ કોપી થઇ જશે એની ચિંતા નથી?"
મેં કહ્યું "મેડમ ચિંતા કઈ વાતની હોય? "લોકો મારું લખાણ જો પોતાના નામે લખીને પોસ્ટ કરે તો પણ કોઈ જ ફરક નથી પડતો કારણકે હું લખ્યા વગર રહી નહિ શકું અને લોકો કોપી કર્યા વગર રહી નહિ શકે. જો હું લોકોની ચિંતા કરીશ તો પૂરતું ધ્યાન લખવા ઉપર નહીં આપી શકું. અને જો આ જ વાતને હું મારા નજરીયાથી જોઉં તો જે લોકો કોપી કરે છે એ લોકો મારી જ વાતને બીજા લોકો સુધી પહોચાડવામાં મદદ કરે છે
સાથે સાથે માનવ તો એક જ વાત માને છે કે "ક્રિએટીવી એક એવો પારસમણી છે જે સર્જાઈ જાય એમાં જ સર્જકને સંતોષ થઇ જતો હોય છે કારણકે સર્જકનો આશય છે સર્જન કરવાનો. એ સર્જન લોકો કોપી કરીને પોતાના નામે લખશે તો પણ સર્જકની ઓરીજીનાલીટી એ કોપી નહિ કરી શકે"

You can Copy my Manav Anubhav, Manav Mantra but U can not Copy "Manav HIMSELF"!

એટલે આખી વાતને જો માનવની નજરે.કહું તો ...
"સર્જન અને સર્જક બંને અભિન્ન અંગો છે. જેમાં સર્જન થઇ ગયા પછી સર્જકને એ ચોરાઈ જવાની કે કોઈ બીજું એનો ક્રેડીટ લઇ જશે વગેરે ની ચિંતા નથી હોતી જો એ ચિંતા કરે તો એની સર્જનાત્મકતા ઘટતી જાય છે"
આપની અંદર કોઈ સર્જનાત્મકતા હોય તો એને કોઈ પણ ડરથી છુપાઈને અંદર ભરીને ના રાખો. કારણકે એ સર્જનાત્મકતા જ આપની સાચી ઓળખ છે" :)

Sunday, December 11, 2011

સુનીલ ભૈયા કો થેંક યુ બોલો!

હમણાં થોડા કલાકો પહેલાની વાત છે, હું ટીવી જોઈ રહ્યો હતો જેમાં એડ બ્રેક પડ્યો અને એક એડવર્ટાઈઝ આવી. 
જેમાં એક નાના બાળકના મમ્મી , પપ્પા અને એ નાનું બાળક ડાઈનીંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ લઇ રહ્યા હોય છે, બાળકે હજુ શરૂ નથી કર્યું હોતું કારણકે એની ડીશ નથી આવી સાથે સાથે એ ડ્રોઈંગ કરવામાં વ્યસ્ત હોય છે.
થોડી જ વારમાં એમનો રસોઈયો એ બાળકને ડીશ આપતા પ્રેમથી કહે છે "ચલો ખાના ખા લો"
અને પેલું બાળક "હમમમ" કહીને એના જ કામમાં મશગુલ રહે છે. પેલા ભાઈ ડીશ મુકીને નીકળતા જ હોય છે ત્યારે જ એ બાળક પપ્પા એ છોકરાને કહે છે:"રાહુલ, થેંક યુ બોલો!"
બાળક હજુ પણ એ જ કામમાં માથું રાખીને પૂછે છે "કિસકો?"
એના પપ્પા કહે છે "સુનીલ ભૈયા કો"(રસોઈયો)
બાળક પૂછે છે "કયું?"
પપ્પા કહે છે "બ્રેકફાસ્ટ કે લીએ"
બાળક એકદમ નિર્દોષ ભાવથી બોલ્યો: "વો તો રોઝ લાતે હૈ "
પપ્પા "તો આપ ઉનકો થેંક યુ ભી રોઝ બોલેંગે."
પેલું બાળક એની મમ્મી સામે જુએ છે પણ મમ્મીનો જરા પણ પ્રતિભાવ ના મળતા એ પપ્પા સામે જુએ છે
સુનીલભાઈ કહે છે કે "રેહને દીજીએ સા'બ"
છતાં બાળકના પપ્પા જરા પણ ડગતા નથી અને ફાઈનલી બાળક ભોળા મનથી એ પેલા રસોઈયા સુનીલભાઈ ને "થેંક યુ" કહે છે, અને સુનીલભાઈ એક અલગ સ્માઈલ સાથે ત્યાંથી રસોડામાં ચાલ્યા જાય છે. :)
આ એડ આપણામાંથી ઘણા લોકોએ જોઈ હશે અને કેટલાય ને ગમી હશે કેટલાય લોકોએ માત્ર એડ જોઈને નિહાળીને ચેનલ બદલી દીધી હશે.
પણ આ જ એડને માનવની નજરે.જોઈએ તો એ જ એડને એક નવા સંદેશથી આપણે જોઈ શકીશું.
અહી માનવ એમ નથી કહી રહ્યો કે આપણે આપણા બાળકને આ ગુણ શીખવાડવા જોઈએ. કારણકે એ ગુણ ત્યારે જ આવે જયારે એ જ ગુણ આપણામાં હોય.
હવે થોડી રોજ-બરોજની ઘટનાઓ ઉપર નજર કરીએ.
આપણામાંથી ઘણા લોકો સીટી બસમાં સફર કરતા હશે , રીક્ષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે. પણ ૯૯.૯૯ % લોકો બસમાં કંડકટર પાસેથી ટીકીટ લઈને કે પછી રીક્ષાવાળાને પૈસા ચૂકવીને એક કામ કરવાનું ભૂલી જાય છે, અને એ કામ છે:: એમને "થેન્ક્યુ" કહેવાનું!
અહી ઘણા લોકોના મનમાં એક સવાલ ઉભો થતો હશે કે ભાઈ એમને થેંક યુ કહેવાનો શું મતલબ છે? એ લોકો તો એમનું કામ કરી રહ્યા છે તો એમાં આપણે કેમ એમને થેંક યુ કહીએ?
હવે એક કામ કરો એ કંડકટર કે રીક્ષાવાળા ભાઈ કે કામવાળા ભાઈ કે પછી શાકભાજી વેચવાવાળા ભાઈની જગ્યાએ પોતાને ઈમેજીન કરી જુઓ.
તમે રીક્ષા ચલાવતા હો કે બસમાં લોકોને ટીકીટ આપતા હો ત્યારે જો તમને કોઈ "થેંક યુ" કહે તો શું તમને નહિ ગમે?
તો ખરેખરમાં જયારે આપણે ખુદ એમને "થેંક યુ" કહીએ તો એમના ફેસ ઉપર એક સ્માઈલ આવશે એ તો સૌથી પહેલી વાત છે અને બીજી વાત એ કે કોઈ આપણને સર્વિસ આપતું હોય કે આપણી સવલતોમાં સરળતા કરતુ હોય એને થેંક યુ કહેવું એ એક સારી રીતભાત , એટીકેટમાં આવે છે જે આપણામાંથી મોટાભાગના લોકો જાણતા હોવા છતાં અજાણ રહીને એ અનુસરતા નથી.
આપનો માનવ એક જ વાત માને છે કે "થેન્ક્યુ ન કહેવાથી કોઈ ફરક નહિ પડે પણ થેંક યુ કહેશો તો ઘણો ફરક પડી જશે"
એ ફરક ત્યારે જ આપ નોંધશો જયારે આપ એનો અમલ કરશો.
એક વખત એનો અમલ કરી જુઓ, કોઈને થેંક યુ કહી જુઓ. પછી તમારી અંદર જે મેજિક થાય એ જોવું રહ્યું.
સાથે સાથે એ એડ જેનાથી માનવ પ્રભાવિત થયો છે એ જોવી હોય તો આ રહી એની લીંક:
http://www.youtube.com/watch?v=X9Hc7JcNLuc
"કીપ મુસ્કુરાના :)"

Tuesday, December 6, 2011

સતયુગનો શ્રવણ કલયુગમાં જન્મ્યો!


આજે હું એક વ્યક્તિનું જીવન અને એની દિનચર્યા શેર કરવા જઈ રહ્યો છું.
ઘરમાં માત્ર ૩ જણા રહે - એના પપ્પા, એના ફઈ અને એ ખુદ.સવારે શાર્પ ૫.૩૦ વાગે ઉઠી જવાનું. સૌથી પહેલા તૈયાર થઇ ને ઘરના લોકો માટે ચા નાસ્તો બનાવવાનો, પછી મેલા કપડા ધોવાના. પછી ઘરના લોકો માટે અને પોતાના માટે જમવાનું બનાવવાનું, ટીફીન બનાવવાનું. આ કાર્યક્રમ ૮:૩૦ વાગ્યા સુધીચાલે. પછી બસ પકડીને લગભગ ૨૦કી.મી દુર ઓફીસ જવાનું. પહોચતા પહોચતા ૧૦.૩૦ વાગી જાય. ઓફીસ પહોચીને કામકાજ કરવાનું.
લગભગ ૨ વાગે એટલે ટીફીન ખોલીને જમવાનું, ભાણું પતાવીને પાછું કામે લાગી જવાનું. ૬ વાગતા પોતાના ભણવાના કલાસીસ ઉપર જવાનું. ત્યાં ૯ વાગ્યા સુધી મગજના તંતુઓ સાથે મારા-મારી કરવાની. પછી બસ પકડીને ઘરે પહોચવાનું, જમવાનું બનાવવાનું અને બધાની સાથે જ જમવાનું. રાત્રે સુતા પહેલા ફઈના પગ દબાવવાના અને પછી પિતાના પગ દબાઈને સુવા જવાનું. અને સવારે પાછા ૫.૩૦ વાગ્યે ઉઠીને જીવનની છુકછુક ગાડીમાં દોડવાનું શરૂ.
(અને આ કોઈ રચાયેલી વાર્તા નથી , સત્ય ઘટના છે જે મારી નજર સામે દરરોજે ઘટાય છે. એ વ્યક્તિને હું દરરોજ મળું છું.)
અહી આ વાત શેર કરવા પાછળનો હેતુ એ છે કે પહેલાના જમાનામાં બાળકો એમના માતા પિતાના પગ દબાવીને એમને આરામ આપીને જ સુવા જતા હતા. પણ સમયના વહેણની સાથે આ વાત પણ વહી ગઈ.
"માતાપિતાના ચરણોમાં સ્વર્ગ" એવું વાક્ય ઘણું પ્રચલિત છે , જે માત્ર આપણા જુના જમાનાના આ કર્મને લીધે પ્રચલિત છે.
આજની જ વાત કરીએ, આપણામાંથી કેટલા લોકો એમના મા બાપના પગ દબાવે છે?
કદાચ નહીવત. એનું કારણ શું? આપણે સમયની સાથે સાથે શરીરથી મોટા થયા પણ ભાવનાથી ઘણા નાના થઇ ગયા. કદાચ હવે આપણને માતા પિતાના પગ દબાવતા નાનપ અનુભવાય છે, કદાચ કેટલાયને શરમ પણ આવે છે. એનો સીધો અર્થ એ છે કે માબાપ સાથેનું ટ્યુનીંગ ઘણું જ કાચું છે, સંબંધ એટલો પણ ગાઢ નથી.
આજે એક નવું કામ કરીએ, (ચિંતા ના કરો હું એમ નહિ કહું કે અમારા આ શ્રવણની જેમ દોડભાગ કરો પણ આ કામ થોડું અલગ છે)
આજે રાત્રે સુતા પહેલા મમ્મી પપ્પાની પાસે બેસીને એમના પગ વિના કોઈ સંકોચે લઈએ અને એને પ્રેમથી દબાવીએ, મનમાં એમના આખા દિવસનો થાક દુર કરવો છે એવી ભાવના રાખીએ. (અહી એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે શરૂઆતમાં થોડો સંકોચ થશે, પણ "આ પોતાના જ માતા-પિતા છે એટલે સંકોચ ના હોય" એમ વિચારીને પગ દબાવજો)
આજે કલયુગના શ્રવણ બનીએ. માતાપિતાને રાખીએ મુસ્કુરાના અને તમે પણ કીપ મુસ્કુરાના :)
***
માનવનું ઓફોશીયલ ફેસબુક પેજ આપ અહી જોઈ શકો છો:
https://www.facebook.com/manavninajare

Thursday, December 1, 2011

આજના દિવસમાં તમે શું શીખ્યા? :)

આજે થોડી હટકે વાત કરીએ...
જે ફોટો મેં અપલોડ કર્યો  છે એ અમારી ઓફીસની નીચે બેસતો ચા વાળો છે. હવે એ માણસની થોડી ખાસિયતો વિષે જણાવું:
૧)સરસ ચા બનાવે છે એમાં કોઈ શંકા નથી.
૨)રોજે સવારે "ટાઈમ્સ ઓફ ઇન્ડિયા" વાંચે છે અને "અમદાવાદ મિરર" પણ વાંચે છે
૩)ગુજરાતી છાપામાં આવતી દરેક ક્રોસ વર્ડને પૂરી કરે છે.
૪)આ માણસ ડુંગરપુર(રાજસ્થાન)નો છે. વગેરે ..
છેલ્લું વાક્ય ખાસિયત તરીકે લો કે એક અચરજ તરીકે લો બંને સરખું છે. અચાનક મને આ માણસ વિષે લખવાનું સુજ્યું એની પાછળ એક ખાસ કારણ છે.
આપણે સવારે વહેલા ઉઠીએ છીએ, તૈયાર થઈને કામકાજ શરૂ કરીએ છીએ અને દિવસના અંતે ખાઈ પી ને સુઈ જવાનું.
આ વ્યક્તિ જે રોજે સવારે ચા બનાવવાની સાથે સાથે રોજે અંગ્રેજી છાપું વાંચીને કાંઇક નવું શીખે છે અને દુનિયાની ખબર રાખે છે, કદાચ એણે એ સમાચાર ક્યારેય કામ નહિ આવે પણ છતાં એ માણસ ઉત્સુકતા રાખીને નવું નવું વાંચતો રહે છે અને સાથે સાથે ગુજરાતી પઝલ્સ સોલ્વ કરીને પોતાનું જ્ઞાન વધારે છે.
અહી આ વાત માનવની નજરે.જોઈએ તો એમ કહી શકું કે આપણા રોજ-બરોજનાજીવનમાં આપણે પોતાનું શિડ્યુલ એટલું બાંધી દીધું છે કે આપણને કઈ પણ નવું શીખવાનો ,મોકો જ નથી મળતો. અથવા તો એવું કહી શકીએ કે આપણે ખુદ પોતાને મોકો નથી આપતા.
સમયની સાથે સાથે જમાનો બદલાયો છે. એ પ્રમાણે ચાલવું પણ એટલુંજ જરૂરી છે.
માનવ આ કીટલીવાળા પાસેથી એટલું શીખ્યો કે જો એ માણસ ચા બનાવતા બનાવતા કઇક નવું શીખી શકતો હોય અને પોતાનું કામ સારી રીતે કરી શકતો હોય તો આપણે કેમ નહિ?
મેં ક્યાંક વાંચ્યું હતું:"રાત્ર સુતા પહેલા જો તમે પોતાને પૂછો કે આજના દિવસમાં તે શું શીખ્યું, અને જો એનો સામે કઈ જવાબ ના મળે તો સમજી લેવું કે આજ નો દિવસ વ્યર્થ ગયો છે."
જીવનમાં શીખવા લાયક ઘણું બધું છે જેની સામે જીવન ઘણું જ ટૂંકું છે. જેટલું પોતાના થેલામાં ભરી શકો એટલું તમારું છે. એમ કહીએ તો પણ ચાલે કે તમારી સામે સાગર પડ્યો છે અને છુટ્ટી છે જેટલા ખોબા ભરવા હોય એટલા ભરો લો.
એવી જ રીતે સવારે ઉઠીને કંઇક શીખવા જઈ રહ્યો છું એવા નિર્ધાર સાથે તમારો દિવસ શરૂ કરો. કદાચ શરૂઆતમાં જવાબ ના મળે. પણ જયારે શીખવાની ભુખ જાગશે ત્યારે રાત્રે સુતા પહેલા પોતાના સવાલનો જવાબ મળી જ જશે.
"આજના દિવસમાં તમે શું શીખ્યા?" :)