Sunday, December 18, 2011

ચકલી અને એનું ચી ચી ખોવાયું છે, શું તમે એ નોંધ્યું?

સ્કુલમાં જયારે બાલમંદિરમાં ભણતા હતા ત્યારે એક કવિતા આવતી હતી:

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

બેસવાને પાટલો
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા
આપીશ તને હું આપીશ તને

પહેરવાને સાડી
મોરપીંછાવાળી
ઘમ્મરિયો ઘાઘરો
આપીશ તને હું આપીશ તને

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

***
રવિવારની રજા હું ફોર અ ચેન્જ આરામ કરીને માણી રહ્યો હતો ત્યાજ ગાર્ડનમાં બે ચકલીઓ રમતી રમતી આવી, હજુ તો કેમેરો ઉઠાવ્યો એની પહેલા જ છુમંતર થઇ ગઈ, જાણે પેલું ગીત ગાતી હોય ને "છુ મંતર હો આજા ચલ ગુમ હો જાયે "
ગાતા ગાતા ખ્યાલ આવ્યો કે ચકલી આજે ખરેખરમાં ક્યાંક ગાયબ થઇ ગઈ છે. આજે ૨૦મિ માર્ચ નથી પણ ચકલી અને એના તીણા પણ મધુર અવાજમાં સદાતું ચી ચી બહુ મિસ કરું છું. થોર લેકમાં ક્યારેક ઉડતી ઉડતી દેખાય છે, બાકીતો સાવ અલિપ્ત થઇ ગઈ હોય એમ લાગે છે. આપણા ઘરના ચબુતરાઓ હવે ક્યાં અસ્તિત્વમાં છે? ઘર મોટા થયા છે પણ અમુક વાત તો જાણે ગાયબ જ થઇ ગઈ છે. આપણા ઘરમાં ચબુતરો તો બાજુમાં રહ્યો, પક્ષીઓ માટે દાણા અને પાણી રાખવા માટેના વાસણો પણ અલિપ્ત થઇ ગયા છે. ત્યારે એક જ સવાલ મગજમાં ઝબુક્યો. શું આપણા અંદરથી માણસાઈના થોડા ઘણા અંશો તો અલિપ્ત નથી થઇ રહ્યાને?
ટેકનોલોજીની આ ભાગભાગમાં આપણે ઘણું બધું પાછળ છોડીને તો આગળ નથી વધી રહ્યાને? બહાર થતા કલશોરમાં ક્યારેક સંભળાતું ચી ચી સાવ ભૂતકાળ તો નહિ બની જાય ને? એવું તો નહિ બને ને કે આપણે આવતી પેઢીને ચકલીનો અવાજ યુ ટ્યુબ ઉપર સંભળાવો પડે? કે આપણે લોધેલ ફોટામાં જ ચકલી દર્શન કરાવવું પડે?
ચકલીઓ લુપ્ત થઇ રહી છે એની પાછળના કારણોમાં આપણે પણ ઘણા અંશે કારણભૂત છીએ. આપણને હવે પ્લાસ્ટિક દુનિયામાં વસવું ગમવા લાગ્યું છે. સમયના પરિવર્તન સાથે પ્લાસ્ટિક દુનિયાનું અસ્તિત્વ હરણફાળે વધી રહ્યું છે. નથી જાણતો હું કે અચાનક મેં ચકલી પુરાણ કેમ શરુ કર્યું છે?
કદાચ એક કારણ હોઈ શકે કે હું મારી બાળપણની મિત્ર "ચકી" અને એનું ચી ચી બહુ મિસ કરી રહ્યો છું, માનું છું કે પ્લાસ્ટિક દુનિયાનો હિસ્સો હું પણ છું, પરંતુ મારી માનસકિતા હજુ સીક નથી થઇ કે હું આ બધું ભૂલીને ધીન્કાચિકાના અવાજને પસંદ કરું. સમય સાથે ચાલો પણ સમયને બદલવામાં ખુદ એટલા પણ ના બદલો કે પ્રિય ભૂતકાળ ભૂત બનીને હમેશ માટે અલિપ્ત જ રહે. ચકલી ક્યાંક દેખાય તો એને પાછી લાવવા માટે એક નિર્ણય તો કરજો, બાકીનું કામ આપોઆપ થઇ જશે.

1 comment:

  1. ચકલી નું ચી ચી તો ઠીક આજના મોટાભાગના માનવીને પોતાના ભૂલકા માટે છી પી કરાવા માટે પણ સમય નથી, તેના માટે પણ આયા બહેન રાખવામાં આવે છે. બસ, ભૌતિક સુખ સગવડ અને રૂપિયા પાછળ આંધળી દોટ લગાવી છે...

    ReplyDelete