Saturday, November 5, 2011

દિવાળીનું પ્રોમીસ પૂર્ણ થયું!

દિવાળીના સમયે મેં આપની જોડે એક પત્ર શેર કર્યો હતો જે મેં મારા નાનાજી (બાપાને) લખ્યો હતો.(જેની લીંક આ રહી:http://www.facebook.com/photo.php?fbid=291333864218474&set=pt.215301635155031&type=1)
એમાં મેં મારા બાપને પ્રોમીસ કર્યું હતું કે હું અપને ટૂંક સમયમાં મળવા આવીશ.
અને આજે એ પ્રોમીસ પૂર્ણ થયું. ગઈ કાલ રાતની સફર યાદગાર છે. કચ્છ જનારી એક પણ બસની ટીકીટ ન'તી મળી એટલે ગમેતેમ કરીને હું હાઇવે ઉપર પહોચ્યો અને ત્યાં એક બસ જે કચ્છ જઈ રહી હતી એની કેબીનમાં બેસીને આવી ગયો. કારણકે બસમાં એક પણ જગ્યા ખાલી ન હતી.
("માનવે એક વખત જે વાત નક્કી કરી હોય અને જો એ પૂર્ણ ના થાય તો એમાં માનવના પ્રોમીસનું અપમાન છે.")
બસની કેબીનમાં બેસીને આવવાનો અનુભવ જોરદાર રહ્યો છે, એમજે આજ સુધી કોઈ અનુભવ એવો નથી થયો જેમાં માનવને એકસાઇટમેન્ટ નો અહેસાસ ના થયો હોય.
કેબીનમાં બેઠા બેઠા ઊંઘ ના આવે એટલે ડ્રાઈવર સાથે વાતો કરી, એમાં એના ભયાનક ડ્રાઈવિંગ જોઈને એકવાર મોઢું ખુલ્લું પણ રહી ગયું. પણ હું સલામત પહોચી ગયો.
સવારના ૬ વાગ્યે હું કચ્છ પહોચ્યો મારા મામાના ઘરે. લગભગ ૪ વર્ષ પછી હું મારા બાપને મળવા આવ્યો. કચ્છની મહેકમાં કંઇક અલગ જ જાદુ છે. અને સાચું કહું તો દરેક વ્યક્તિના મોસાળમાં એના બાળપણની યાદોની મહેક છુપાયેલી હોય છે. એ જ મહેકનો આનંદ હું સવારના ૬ વાગ્યે, થાક્યા શરીરે લઇ રહ્યો હતો.
ઘરમાં પ્રવેશીને બીજાને મળ્યા પહેલા મારા બાપાના રૂમમાં પહોચ્યો અને એમને "સરપ્રાઈઝ આપ્યું."
આજે એવું કહું તો ચાલે કે "એમના ચહેરા પરની ખુશીનું વર્ણન કરવા માટે શબ્દો નથી મળી રહ્યા"
મારા ખભે બેગ ટીંગાડેલી જ રાખી હતી, ૭ વાગી ગયા છતાં અમારી વાતો જાણે ખુટતી જ ન'તી.
હું એવું કહું તો એમાં જરાય અતિરેક નહિ થાય કે બાપની દિવાળી ખરેખરમાં હેપ્પી દિવાળી બની ગઈ.
મને પણ આનંદ થયો કારણકે બાપાના એકલવાયા જીવનમાં ખુશીની પળ હું લાવી શક્યો. અને જો મેં એનો સંકલ્પ ના કર્યો હોય તો આજે બાપાના ચહેરા પર જે ખુશીની ચમક છે એ ના આવી હોત.
અત્યારે હું લખું છુ ત્યારે બાપા અંદર રૂમમાં "નિરાંતે" આરામ કરી રહ્યા છે.
૮૨ વર્ષના મારા બાપા એકદમ તંદુરસ્ત છે, સાંજે હમેશા ચાલવા જવાનું એમની આદત હતી. પણ છેલ્લા કેટલાય સમયથી એમની આંખો બહુ નબળી પડી ગઈ છે, અને જેનો કોઈ ઈલાજ પણ નથી. દૂરનું કઈ દેખાય નહિ એટલે ઘણા મૂંઝાઈ જાય છે. આજે દુરથી હું એમને ના દેખાયો એમાં જ મને એમની મુંઝવણનો અહેસાસ થઇ ગયો હતો. વૃદ્ધત્વ શું છે એનો અહેસાસ કરવો હોય તો ક્યારેક આપની આજુબાજુ કે આપના ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય એમને ધ્યાનથી નિહાળજો. એમની દરેક ક્રિયાને , હલનચલનને, હાવભાવને ,એમના શબ્દોને ધ્યાનથી સાંભળજો..
જયારે આ જોશો ત્યારે ખ્યાલ આવશે કે વૃદ્ધત્વ નિભાવવું થોડું અઘરું કામ છે, એમાં પણ જયારે કોઈ વ્યક્તિ ૮૨ વર્ષે એકલું હોય ત્યારે એમની મનોવ્યથા શું હોય છે એને શબ્દોમાં તો ન વર્ણવી શકાય છે, અને ક્યારેક કલ્પી પણ નથી શકાતી.
આપણા વૃદ્ધ વ્યક્તિ ગમેતેટલા ચીડીયા સ્વભાવના હોય કે વિચિત્ર સ્વભાવના હોય એમને એકલા ના છોડતા કારણકે એમની આ હાલત ક્યારેક એકલતાને લીધે થતી હોય છે. અને એ વાત પણ સત્ય છે કે આપણે આજે નહિ તો કાલે આ સમયની ગતિ સાથે વૃદ્ધત્વને મળવાના જ છીએ, જો અત્યારે જ એ વૃધ્ત્વને સમજી લઈએ તો આપણે એને નિભાવતા બહુ જલ્દી શીખી જઈશું.
ભવિષ્યની વાત તો પછીની છે પણ આપણા વર્તમાનમાં આપણે આ વૃદ્ધત્વને નજીકથી નિહાળવાનો એક પ્રયત્ન તો કરી જોઈએ, કદાચ મારા નાનાજીની જેમ આપના કોઈ વ્યક્તિ પણ રહી શકે મુસ્કુરાના :)
(જે લોકો એમના દાદા દાદી , નાના નાનીનું ધ્યાન રાખે છે અને જે લોકો આ વાંચ્યા પછી ધ્યાન રાખશે એ સૌને માનવ ખુબ ખુબ લવ યુ કહે છે. :))

માનવનું ફેસબુક પેજ :
http://www.facebook.com/manavninajare

No comments:

Post a Comment