Saturday, January 7, 2012

પાણી ઢોળી દો

ઈમેજીન કરો. તમે રસ્તામાં વેહિકલ ચલાવી રહ્યા છો. તમે ચાર રસ્તે સિગ્નલ રેડ હોવાથી રોકાઓ છો.
તમારી એકઝેટ બાજુમાં એક ભાઈ આવે છે અને એમના મોઢામાં ભરેલા “મસાલાનો સ્વાદિષ્ટ રસ” રસ્તા ઉપર થૂંકે છે. કેવું લાગે? ચાલો આ જ વાતને બીજા ઉદાહરણ દ્વારા કહું.
થોડા સમય પહેલા ટીવીમાં એક એડ જોઈ હતી જેમાં બે મિત્રો ગાડીમાં બેઠા હોય છે બંને વાત કરતા હોય છે, એક મિત્ર મોઢામાં મસાલો ભરીને બેઠો હોય છે. અચાનક ભાઈને થૂંકવાની ઈચ્છા થાય છે ગાડીનો કાચ ખોલીને રસ્તામાં થૂંકવા જ જતો હોય છે ત્યાંજ એનો ફ્રેંડ એને રોકીને કહે છે કે “ઓયે મેરે રાસ્તે મેં કયું થુંક રહા હૈ?”
પેલા ભાઈ હસતા હસતા કહે છે કે “કયું તુને એ રસ્તા ખરીદ કે રખા હૈ ક્યાં?”
મિત્ર કહે”હા , મેં ઇસ રસ્તે કે મેન્ટેનન્સ કા ટેક્સ ભરતા હું. તો એ રસ્તા મેરા હુઆ. મેં તુજે ઇસ્કો ખરાબ નહિ કરને દુંગા ક્યુંકી એ મેરા રસ્તા હૈ. તું ઇસે ખરાબ કર રહા હૈ ક્યુંકી એ તેરા નહીં હૈ, હૈના?”
પેલો તરત સમજીને મોઢામાં જ ભરી રાખે છે. 
આપણે ૨૧મી સદીમાં જીવીએ છીએ છતાં કામ તો આદિમાનવ કરતા પણ બદતર કરીએ છીએ. મને સૌથી વધારે નફરત એ લોકથી છે જે લોકો રસ્તા ઉપર થૂંકે છે. જગ્યા જોઈ ન જોઈ શું ફરક પડે છે? કોના બાપની દિવાળી? થૂંકો! આપણો જ રોડ છે ને ? 
મોઢામાં બિચારો મસાલો ચવાઈ ચવાઈને થાકી ગયો હતો તો ચાલોને એને થોડી સેર કરવી દઈએ એમ વિચારીને લોકો ગમે ત્યાં થૂંકી દે છે. જે જગ્યાએ થૂંકે છે એ જગ્યા તો ગંદી કરે જ છે સાથે સાથે કેટલાય રોગોને નિમંત્રણ આપે છે એ અલગ. 
લગભગ ૧૫ દિવસ પહેલાની વાત છે હું મુવી જોઈને પાછો ઓફીસ તરફ જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં એક રીક્ષા મારી આગળ ચાલી રહી હતી. અચાનક જ એમાં બેઠેલા એક પેસેન્જરે એમનું “કોમળ મુખ” બહાર કાઢ્યું અને એજ કોમળ મુખમાંથી “મસાલાના પાણીનો ધોધ વહેવડાવ્યો”, જેવું એમનું ડોકું બહાર આવ્યું એજ સમયે હું સમજી ગયો કે આ ભાઈ શું કરવાના છે એટલે હું ખસી ગયો. પણ મારું મગજ ખસ્યું’તું એટલે રસ્તામાં જ એ ભાઈને રીક્ષામાંથી ઉતાર્યો અને બાઈક એના કારણે ગંદુ થયું હતું એ સાફ કરાવ્યું. હવે એ વાત તો નક્કી છે કે એ આજ પછી રસ્તામાં થુંકતા પહેલા સો વાર વિચાર કરશે. 
પણ પછી માનવને વિચાર આવ્યો કે આવા કેટલા લોકોજોડે બબાલ કરવાની? આવા “કોમળ મુખવાળા” લોકો તો હજારો-લાખોની સંખ્યામાં છે. ત્યારે અચાનક જ એક વિચાર સુઝ્યો જે મેં છેલ્લા અઠવાડીયાથી અમલમાં મુક્યો છે. લોકો પાનમસાલા ખાવાના અને એને ગમે ત્યાં થુંકવાના એમાં કોઈ જ શંકા નથી.
તો માનવે એક પાણીની બોટલ સાથે રાખવાનું શરુ કર્યું જેમાં નોર્મલ નળનું જ પાણી ભરેલું હોય. ચાર રસ્તે જ્યાં પણ કોઈ “મહાન કોમળ મુખી માણસ” તમને એમના “મુખમાંથી જળપ્રવાહ” કરતો દેખાય તરત જ એ જળપ્રવાહ ઉપર એમના જ દેખાતા આપણી પાણીની બોટલમાંથી પાણી એ મસાલા ઉપર ઢોળી દેવાનું . એમાં ગંદકી થતી અટકે છે અને સાથે પેલા કોમળ મુખવાળા ભાઈનો ઈગો પણ હર્ટ થાય છે. કારણકે આપણે એમના એક કામને અટકાવ્યું.”પાન મસાલાથી રસ્તાઓને રંગવાનું કામ”
ઝઘડો કરવાથી આપણો જ મૂડ બગડે છે. એના કરતા આપણે ફ્રેશ જ રહીએ એવું કામ કરવું હોય તો માનવની રાહે ચાલવાનું શરુ કરી દો. જે જગ્યાએ આવા “રંગારાઓ” દેખાય તરત જ એમના કામ ઉપર પાણી ઢોળી દેવાનું. ધીમે ધીમે લોકો સુધરવાનું આપોઆપ શરુ કરી દેશે. ના સુધારે તો પણ ઠીક છે, આપણે આપણા રસ્તા સાફ રાખીએ છીએ એ જ મહત્વનું છે.
આ કામમાં તમે તરફેણ કરો છો કારણકે “તમે ખુદ એ મસાલા અને એની પીચ્કારીઓને ધિક્કારો છો એટલે, સાથે સાથે પોતાના રસ્તા ખરાબ થાય એ કોઈને પસંદ નથી એટલે કરો છો એ વાત ખાસ ધ્યાનમાં રાખીને આ કામ શરુ કરજો.” કારણકે લોકો વાંચીને વાહ વાહ કરશે, કમેન્ટ કરશે અને શેર પણ કરશે. માનવને આ બધું નથી જોઈતું. જે નજરીયો છે એ અપનાવો તો પણ ઘણું છે. મક્કમ મનના ઈરાદા સાથે ઘરેથી નીકળો ત્યારે એક પાણીની બોટલ સાથે જ અને હાથવગી રાખવી. અને બિન્દાસ પાણી રેડી દેવું આવા રંગરાના મોઢેથી થૂંકાયેલ રંગો ઉપર. ભારતમાં રહીએ છીએ એટલે આપણે જ લોકોને સુધારવા પડશે. બહાર રહેતા હોત તો થુંકતા ૧૦૦ વાર વિચાર કરત. કારણકે કે ત્યાં તો દંડ ભરવો પડે ને? અહી તો કોણ બોલવાનું છે. આ બધાને આપણે સુધારવાના છે. એ પણ કઈ બોલ્યા વગર માત્ર એક પગલું ભરીને.”પાણી ઢોળી દો” બાકીનું કામ આપોઆપ થઇ જશે. કરો કંકુના અને રહો મુસ્કુરાના :) માનવની નજરે.
આ અનુભવ અને નવી શરૂઆત આપના દરેક મિત્ર જોડે શેર કરો જેથી આપણે એમાં સફળ થઇ શકીએ. આજે ખરેખરમાં ખ્યાલ આવશે કે કોણ રસ્તા ચોખ્ખા રાખવા માંગે છે. શેરિંગ ઇઝ કેરિંગ. :)

No comments:

Post a Comment